ઊત્પત્તિ 2 : 1 (IRVGU)
આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સજીવોનું સર્જન પૂર્ણ થયું.
ઊત્પત્તિ 2 : 2 (IRVGU)
ઈશ્વરે પોતાનું જે કામ હતું તે પૂર્ણ કર્યું અને પોતાનાં કરેલાં સર્વ કામોથી પરવારીને સાતમા દિવસે આરામ કર્યો.
ઊત્પત્તિ 2 : 3 (IRVGU)
ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તેમણે જે સર્વ ઉત્પન્ન કર્યું તે સઘળાં કામ પછી તે દિવસે તેમણે આરામ લીધો હતો.
ઊત્પત્તિ 2 : 4 (IRVGU)
આ આકાશ તથા પૃથ્વીના સર્જન સંબંધિત વૃત્તાંત છે; જયારે પ્રભુ ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યાં,
ઊત્પત્તિ 2 : 5 (IRVGU)
ત્યારે ખેતરની કોઈપણ વનસ્પતિ હજુ પૃથ્વીમાં ઊગી ન હતી અને ખેતરમાં અનાજ ઊગ્યું ન હતું, કેમ કે પ્રભુ ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીનને ખેડવા માટે કોઈ માણસ ન હતું.
ઊત્પત્તિ 2 : 6 (IRVGU)
પણ પૃથ્વી પર ઝાકળ પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ.
ઊત્પત્તિ 2 : 7 (IRVGU)
પ્રભુ ઈશ્વરે ભૂમિમાંથી માટીનું માણસ બનાવ્યું, તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ થયું.
ઊત્પત્તિ 2 : 8 (IRVGU)
પ્રભુ ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં તેમણે પોતાના સર્જેલ માણસને મૂક્યું.
ઊત્પત્તિ 2 : 9 (IRVGU)
યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં.
ઊત્પત્તિ 2 : 10 (IRVGU)
વાડીને પાણી પાવા સારુ એક નદી એદનમાંથી વહેતી થઈ. ત્યાંથી તેના ભાગ પડ્યા અને ચાર નદીઓ થઈ.
ઊત્પત્તિ 2 : 11 (IRVGU)
પહેલીનું નામ પીશોન છે; જેનો પ્રવાહ આખા હવીલા દેશને ઘેરે છે, જ્યાં સોનું છે.
ઊત્પત્તિ 2 : 12 (IRVGU)
તે દેશનું સોનું સારું છે. ત્યાં બદોલાખ તથા અકીક પાષાણ પણ છે.
ઊત્પત્તિ 2 : 13 (IRVGU)
બીજી નદીનું નામ ગીહોન છે. જેનો પ્રવાહ આખા કૂશ દેશને ઘેરે છે.
ઊત્પત્તિ 2 : 14 (IRVGU)
ત્રીજી નદીનું નામ હીદ્દેકેલ છે. તેનો પ્રવાહ આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ ફ્રાત છે.
ઊત્પત્તિ 2 : 15 (IRVGU)
યહોવા ઈશ્વરે તે માણસને એદનવાડીને ખેડવાને તથા તેની સંભાળ રાખવાને તેમાં રાખ્યો.
ઊત્પત્તિ 2 : 16 (IRVGU)
યહોવા ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, “વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે.
ઊત્પત્તિ 2 : 17 (IRVGU)
પણ સારું અને નરસું જાણવાના વૃક્ષનું ફળ તું ખાઈશ નહિ, કેમ કે જે દિવસે તું તે ખાશે, તે જ દિવસે નિશ્ચે તારું મરણ થશે.”
ઊત્પત્તિ 2 : 18 (IRVGU)
પછી યહોવા ઈશ્વરે કહ્યું કે, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય એવી સહાયકારી બનાવીશ.
ઊત્પત્તિ 2 : 19 (IRVGU)
પ્રભુ, ઈશ્વરે ભૂમિમાંથી ખેતરના દરેક પશુને અને આકાશના દરેક પક્ષીને બનાવ્યાં. પછી તેઓને માણસની પાસે લાવ્યા. માણસે દરેક સજીવને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.
ઊત્પત્તિ 2 : 20 (IRVGU)
તે માણસે સર્વ ગ્રામ્યપશુનાં, આકાશનાં પક્ષીઓનાં તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં, પણ તે માણસ આદમને પોતાના માટે અનુરૂપ એવી યોગ્ય સહાયકારી ન મળી હતી.
ઊત્પત્તિ 2 : 21 (IRVGU)
યહોવા ઈશ્વરે તે માણસને ભર ઊંઘમાં નાખ્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક પાંસળી લીધી અને ખાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું.
ઊત્પત્તિ 2 : 22 (IRVGU)
યહોવા ઈશ્વરે માણસમાંથી જે પાંસળી લીધી હતી, તેની તેમણે એક સ્ત્રી બનાવી. તેને તે માણસ પાસે લાવ્યા.
ઊત્પત્તિ 2 : 23 (IRVGU)
તે માણસ બોલી ઊઠ્યો કે, “આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે 'નારી' કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે.”
ઊત્પત્તિ 2 : 24 (IRVGU)
તેથી માણસ તેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે.
ઊત્પત્તિ 2 : 25 (IRVGU)
તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25