Genesis 12 : 1 (IRVGU)
હવે ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું તારો દેશ, તારા સગાંઓ અને તારા પિતાના કુટુંબને છોડીને, જે દેશ હું તને બતાવું ત્યાં જા.
Genesis 12 : 2 (IRVGU)
હું તારાથી એક મોટી જાતિ ઉત્પન્ન કરીશ, હું તને આશીર્વાદ દઈશ, તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે.
Genesis 12 : 3 (IRVGU)
જેઓ તને આશીર્વાદ આપશે, તેઓને હું આશીર્વાદ આપીશ અને જેઓ તને શાપ આપશે, તેઓને હું શાપ આપીશ. પૃથ્વીના સર્વ કુટુંબો તારી મારફતે આશીર્વાદિત થશે.
Genesis 12 : 4 (IRVGU)
તેથી ઈશ્વરે તેને જે પ્રમાણે કરવાનું કહ્યું હતું તે પ્રમાણે, ઇબ્રામ અને તેની સાથે તેનો ભત્રીજો લોત પણ ગયો. જયારે ઇબ્રામ હારાન દેશથી રવાના થયો ત્યારે તે પંચોતેર વર્ષનો હતો.
Genesis 12 : 5 (IRVGU)
ઇબ્રામે તેની પત્ની સારાયને તથા તેના ભત્રીજા લોતને તેઓએ મેળવેલી સર્વ સંપત્તિ, જાનવરો તથા જે દાસદાસીઓ તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતા તેઓને સાથે લીધાં. તેઓ કનાન દેશમાં પહોંચ્યા.
Genesis 12 : 6 (IRVGU)
ઇબ્રામ કનાન દેશમાં શખેમથી મુસાફરી કરતાં મોરેના એલોન વૃક્ષ પાસે આવ્યો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા.
Genesis 12 : 7 (IRVGU)
ઈશ્વરે ઇબ્રામને દર્શન આપીને કહ્યું, “હું તારા વંશજોને આ દેશ આપીશ.” તેથી જેમણે તેને દર્શન આપ્યું હતું તે ઈશ્વરના સ્મરણમાં ઇબ્રામે ત્યાં વેદી બાંધી.
Genesis 12 : 8 (IRVGU)
ઇબ્રામે ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વ તરફ જે પર્વતીય પ્રદેશ છે ત્યાં સ્થળાંતર કર્યું અને ત્યાં તંબુ ઊભો કર્યો. તેની પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આય હતું. ત્યાં તેણે ઈશ્વરને નામે વેદી બાંધી અને ઈશ્વરને પ્રાર્થના કરી.
Genesis 12 : 9 (IRVGU)
પછી ઇબ્રામે નેગેબ તરફ જવા માટે મુસાફરી ચાલુ રાખી.
Genesis 12 : 10 (IRVGU)
તે દેશમાં દુકાળ પડ્યો હતો. ભારે દુકાળ હોવાના કારણે ઇબ્રામ મિસરમાં રહેવા ગયો.
Genesis 12 : 11 (IRVGU)
જયારે તે મિસરમાં પ્રવેશ્યો ત્યારે તેણે તેની પત્ની સારાયને કહ્યું કે, “હું જાણું છું કે તું દેખાવે સુંદર સ્ત્રી છે.
Genesis 12 : 12 (IRVGU)
મિસરીઓ જયારે તને જોશે અને તેઓ કહેશે, 'આ તેની પત્ની છે' તેથી તેઓ મને મારી નાખશે, પણ તેઓ તને જીવતી રાખશે.
Genesis 12 : 13 (IRVGU)
તેથી તું કહેજે કે, હું તેની બહેન છું. એ માટે કે તારે લીધે મારું ભલું થાય અને મારો જીવ બચી જાય.”
Genesis 12 : 14 (IRVGU)
ઇબ્રામ જયારે મિસરમાં પ્રવેશ્યો ત્યારે મિસરીઓએ જોયું કે સારાય ઘણી સુંદર છે.
Genesis 12 : 15 (IRVGU)
ફારુનના સરદારોએ તેને જોઈ, તેઓએ ફારુનની આગળ તેની પ્રશંસા કરી અને સારાયને ફારુનના જનાનખાનામાં લઈ જવામાં આવી.
Genesis 12 : 16 (IRVGU)
ફારુને તેને લીધે ઇબ્રામ સાથે સારો વ્યવહાર કર્યો અને તેને ઘેટાં, બળદો, ગધેડાંઓ, દાસો, દાસીઓ તથા ઊંટોની ભેટ આપી.
Genesis 12 : 17 (IRVGU)
પણ ઈશ્વર દ્વારા ઇબ્રામની પત્ની સારાયને લીધે ફારુન તથા તેના ઘર પર મહામરકી સહિત આફત આવી.
Genesis 12 : 18 (IRVGU)
ફારુને ઇબ્રામને બોલાવ્યો અને કહ્યું કે, “આ તેં મારી સાથે શું કર્યું છે? તેં મને કેમ ન કહ્યું કે, તે તારી પત્ની છે?
Genesis 12 : 19 (IRVGU)
તેં શા માટે કહ્યું કે, 'તે મારી બહેન છે?' તેં એવું કર્યું એટલે મેં તેને મારી પત્ની કરી લીધી હતી. તો હવે, આ રહી તારી પત્ની. તેને લઈને તું તારે માર્ગે ચાલ્યો જા.”
Genesis 12 : 20 (IRVGU)
પછી ફારુને તેના સરદારોને તેઓ સંબંધી આજ્ઞા આપી. તેથી તેઓએ ઇબ્રામને, તેની પત્નીને અને તેઓની સાથે સર્વ સંપત્તિને દેશની બહાર મોકલી આપ્યાં.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20