નિર્ગમન 2 : 1 (IRVGU)
એ સમયમાં ઇઝરાયલના લેવી કુળના એક જુવાને પોતાના જ કુળની કન્યા સાથે લગ્ન કર્યું.
નિર્ગમન 2 : 2 (IRVGU)
તેઓના સંસારમાં એક દીકરાનો જન્મ થયો. તે ખૂબ સુંદર હતો. તેની માએ તે દીકરાને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો.
નિર્ગમન 2 : 3 (IRVGU)
પરંતુ તેનાથી વધારે સમય સુધી તેને સંતાડી રાખવાનું શક્ય ન હતું, તેથી તેણે ગોમતૃણની એક પેટી બનાવી, તેને ચીકણી માટી અને ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડ્યો. પછી પેટીને તે નદી કિનારે બરુઓના છોડ વચ્ચે મૂકી આવી.
નિર્ગમન 2 : 4 (IRVGU)
પછી તે છોકરાનું શું થાય છે, તે જોવા માટે થોડેક દૂર તે છોકરાની બહેનને ઊભી રાખી.
નિર્ગમન 2 : 5 (IRVGU)
એટલામાં ફારુનની રાજકુંવરી નદીમાં સ્નાન કરવા માટે ત્યાં આવી. તેની સાથે તેની દાસીઓ પણ હતી. તેઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુંવરીની નજર પેલી પેટી પર પડી. તેણે પોતાની દાસીને મોકલીને તે પેટી મંગાવી લીધી.
નિર્ગમન 2 : 6 (IRVGU)
કુંવરીએ પેટી ઉઘાડીને જોયું, તો તેમાં એક છોકરો હતો. તે રડતો હતો. તેના હૃદયમાં બાળક પ્રત્યે લાગણી થઈ.
નિર્ગમન 2 : 7 (IRVGU)
તે સમજી ગઈ કે, આ કોઈ હિબ્રૂનો જ છોકરો છે, પછી તે છોકરાની બહેન ફારુનની દીકરીની પાસે આવી. તેને કહ્યું, “હું જઈને કોઈ હિબ્રૂ સ્ત્રીને બોલાવી લાવું? તે આ છોકરાને સાચવે અને તેના લાલનપાલનમાં તમારી મદદ કરે?”
નિર્ગમન 2 : 8 (IRVGU)
ફારુનની દીકરીએ તેને કહ્યું, “હા, જઈને બોલાવી લાવ.” એટલે તે છોકરી જઈને તે બાળકની માતાને જ બોલાવી લાવી.
નિર્ગમન 2 : 9 (IRVGU)
ફારુનની દીકરીએ તેને કહ્યું, “આ નાના છોકરાને લઈ જા અને મારા વતી તેને સંભાળીને સ્તનપાન કરાવજે. તે બદલ હું તને સારું વેતન આપીશ.” તેથી સ્ત્રી તેના છોકરાને લઈ ગઈ અને તેનું લાલનપાલન કર્યું.
નિર્ગમન 2 : 10 (IRVGU)
પછી તે છોકરો મોટો થયો. એટલે તે તેને ફારુનની કુંવરી પાસે લઈ ગઈ અને તેને સોંપ્યો. કુંવરીએ તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, એમ કહીને કુંવરીએ તેનું નામ 'મૂસા' (એટલે પાણીમાંથી બહાર કાઢેલો) રાખ્યું.”
નિર્ગમન 2 : 11 (IRVGU)
સમય વીતતાં મૂસા મોટો થયો. એક દિવસ તે પોતાના સાથી હિબ્રૂ લોકો પાસે ગયો, ત્યાં તેણે જોયું કે પોતાના માણસો પર સખત કામ કરાવવા માટે બળજબરી થાય છે. વળી તેના જોવામાં આવ્યું કે એક મિસરી એક હિબ્રૂને મારતો હતો.
નિર્ગમન 2 : 12 (IRVGU)
મૂસાએ આમતેમ નજર કરી તો તેને ખાતરી થઈ કે પોતાને કોઈ જોતું નથી, એટલે તેણે મિસરીને મારી નાખ્યો અને તેના શબને રેતીમાં દફનાવી દીધું.
નિર્ગમન 2 : 13 (IRVGU)
બીજે દિવસે તે ફરીથી બહાર ફરવા નીકળ્યો, ત્યારે તેણે બે હિબ્રૂઓને અંદરોઅંદર લડતા જોયા. જેનો વાંક હતો તે માણસને તેણે કહ્યું, “તું શા માટે તારા પોતાના જ હિબ્રૂભાઈને મારે છે?”
નિર્ગમન 2 : 14 (IRVGU)
એટલે તેણે મૂસાને કહ્યું, “તને અમારા પર ઉપરી અને ન્યાયાધીશ કોણે બનાવ્યો છે? તેં ગઈકાલે પેલા મિસરીની હત્યા કરી તેમ તું મારી હત્યા કરવા માગે છે?” તે સાંભળીને મૂસા ડરી ગયો, કારણ કે તેણે જાણ્યું કે તેણે કરેલી હત્યાની બધાંને ખબર પડી ગઈ છે.
નિર્ગમન 2 : 16 (IRVGU)
આ વાતની જાણ ફારુનને થઈ, તેણે મૂસાને પકડીને મારી નાખવાનો હુકમ કર્યો. પણ મૂસા મિસરમાંથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એક વખત તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો. ત્યારે મિદ્યાનના યાજકની સાત દીકરીઓ ત્યાં આવી. અને પોતાના પિતાનાં ઘેટાંબકરાંને પાણી પીવડાવવા માટે કૂવામાંથી પાણી ખેંચીને હોજ ભરવા લાગી.
નિર્ગમન 2 : 17 (IRVGU)
પણ ત્યાં કેટલાક ભરવાડો આવ્યા, તેઓ આ યુવતીઓને નસાડવા લાગ્યા, પણ મૂસા તેઓની મદદે આવ્યો અને તેઓને ભરવાડોથી છોડાવીને તેઓનાં ઘેટાંબકરાંને પાણી પાયું.
નિર્ગમન 2 : 18 (IRVGU)
પછી આ દીકરીઓ તેઓના પિતા રેઉએલ પાસે ગઈ ત્યારે તેણે પૂછ્યું, “આજે તમે ટોળાંને પાણી પાવાનું કામ આટલું બધું વહેલું કેવી રીતે પૂરું કર્યું?”
નિર્ગમન 2 : 19 (IRVGU)
તેઓએ જવાબ આપ્યો, “એક મિસરીએ ભરવાડોથી અમારું રક્ષણ કરીને અમારે માટે તેણે પાણી પણ કાઢી આપ્યું અને ઘેટાંબકરાંને પાયું.”
નિર્ગમન 2 : 20 (IRVGU)
પછી રેઉએલે પોતાની દીકરીઓને પૂછ્યું, “બેટા, એ મિસરી કયાં છે? તમે તેને ત્યાં જ રહેવા દઈને કેમ આવ્યાં? જાઓ, જમવા માટે તેને આપણા ઘરે બોલાવી લાવો.”
નિર્ગમન 2 : 21 (IRVGU)
નિમંત્રણ મળવાથી મૂસા આવ્યો. અને તેઓના ઘરે રહેવા સંમત થયો. રેઉએલે પોતાની દીકરીઓમાંની એક સિપ્પોરાનાં લગ્ન મૂસા સાથે કર્યાં.
નિર્ગમન 2 : 22 (IRVGU)
તેઓના કુટુંબમાં એક દીકરો જનમ્યો. મૂસાએ તેનું નામ ગેર્શોમ (એટલે વિદેશી) પાડ્યું. કેમ કે તે વખતે મૂસા વિદેશમાં મુસાફર હતો.
નિર્ગમન 2 : 23 (IRVGU)
કેટલાંક વર્ષો વીતી ગયા પછી મિસરનો રાજા મૃત્યુ પામ્યો. ઇઝરાયલીઓ ગુલામીમાં પિડાતા હતા. તેઓ આક્રંદ કરીને મદદ માટે પ્રભુને પોકાર કરતા હતા. તેઓનો વિલાપ અને પ્રાર્થના પ્રભુએ સાંભળી.
નિર્ગમન 2 : 24 (IRVGU)
આ રુદન અને આર્તનાદ સાંભળીને ઈશ્વરને ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું સ્મરણ થયું.
નિર્ગમન 2 : 25 (IRVGU)
પ્રભુએ તેઓ પર કરુણાભરી દ્રષ્ટિ કરી. અને તેઓના ઉદ્ધારનો સમય આવી પહોંચ્યો હોવાથી તેઓની મુલાકાત લીધી.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25