Exodus 15 : 1 (IRVGU)
પછી મૂસાએ અને ઇઝરાયલના લોકોએ યહોવાહની સમક્ષ આ સ્તુતિગાન ગાયું: “હું યહોવાહની સમક્ષ ગાયન કરીશ, તેમણે મહાન વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે ઘોડા અને સવારોને સમુદ્રમાં ડુબાડી દીધા છે;
Exodus 15 : 2 (IRVGU)
યહોવા મારું સામર્થ્ય અને ગીત છે; તે મારો ઉદ્ધાર થયા છે. આ મારા ઈશ્વર છે અને હું તેમની સ્તુતિ કરીશ. મારા પૂર્વજોના ઈશ્વર, હું તેમને મહાન માનું છું.
Exodus 15 : 3 (IRVGU)
યહોવા તો યોદ્ધા છે, તેમનું નામ યહોવા છે.
Exodus 15 : 4 (IRVGU)
તેમણે ફારુનનાં રથદળોને સમુદ્રમાં ડુબાડી દીધા; અને તેના માનીતા સરદારોને પણ સૂફ સમુદ્રમાં ડુબાડી દીઘા છે.
Exodus 15 : 5 (IRVGU)
પાણીના પ્રવાહો તેઓના પર ફરી વળ્યા છે. તેઓ પથ્થરની માફક છેક તળિયે ડૂબી ગયા છે.
Exodus 15 : 6 (IRVGU)
હે યહોવા! તમારો જમણો હાથ, પરાક્રમે મહિમાવાન છે. હે યહોવા! તમારો જમણો હાથ શત્રુઓને પછાડીને તેમના ચૂરા કરે છે.
Exodus 15 : 7 (IRVGU)
તમારી સામે થનારને તમે તમારી શ્રેષ્ઠતાના માહાત્મ્યથી પાયમાલ કરો છો. તમે તમારા ભયાનક કોપથી તેઓને ઘાસના પૂળાની જેમ બાળી નાખો છો.
Exodus 15 : 8 (IRVGU)
હે યહોવા, તમારા ઉચ્છવાસથી પાણીના; અને મોજાંઓ અટકીને તેમના જાણે ઊંચા ટેકરા બની ગયા. અને દરિયાના ઊંડાણમાં જળના પ્રવાહો ઠરી ગયા.
Exodus 15 : 9 (IRVGU)
શત્રુએ સંકલ્પ કર્યો કે, 'હું પાછળ પડીશ, અને હું તેઓનું ધન લૂંટી લઈશ. હું મારી તરવાર ઉગામીશ. અને મારે હાથે તેઓનો નાશ કરીશ.'
Exodus 15 : 10 (IRVGU)
પરંતુ હે યહોવા! તમે તમારો પવન ફૂંક્યો. અને સમુદ્રના પાણી તેઓ પર ફરી વળ્યાં. તેઓ સીસાની માફક સમુદ્રના મહાજળમાં ડૂબી ગયા.
Exodus 15 : 11 (IRVGU)
હે યહોવા, તમારા જેવા અન્ય કોઈ ઈશ્વર નથી? તમારા જેવા પરમપવિત્ર, મહિમાવાન; સ્તોત્રોમાં ભયજનક અને પરાક્રમી બીજા કોણ છે?
Exodus 15 : 12 (IRVGU)
અને પૃથ્વી તેઓને તત્કાળ ગળી ગઈ, તમે કેવળ જમણો હાથ ઊંચો કર્યો.
Exodus 15 : 13 (IRVGU)
તમે તમારા લોકોને છોડાવ્યા. તમારા પ્રેમ અને કરુણાથી તમારા સામર્થ્ય વડે તમે તેઓને; તમારા પવિત્ર નિવાસમાં દોરી લાવ્યા છો.
Exodus 15 : 14 (IRVGU)
પ્રજા આ સાંભળીને કંપે છે, સર્વ પલિસ્તી વાસીઓ પીડા પામ્યા છે.
Exodus 15 : 15 (IRVGU)
તે સમયે અદોમના સરદારો આશ્ચર્યચકિત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષોને ધ્રૂજારી થઈ; અને બધા કનાનવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં;
Exodus 15 : 16 (IRVGU)
તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા, અને તમે મુક્ત કરેલા લોકો જ્યાં સુધી નિશ્ચિત સ્થાને ન પહોંચો;, અને તેઓની મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી, તમારા ભુજના સામર્થ્યથી તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ ગયા,
Exodus 15 : 17 (IRVGU)
હે પ્રભુ જયાં તમારો આવાસ છે અને જે પવિત્રસ્થાન તમે સ્થાપિત કર્યું છે; એટલે તમારા પવિત્ર પર્વતમાં તેઓને લાવીને તમે તેઓને ત્યાં સ્થાયી વસાવવાના છો. ત્યાં તમે તમારું ભક્તિસ્થાન બાંધશો.
Exodus 15 : 18 (IRVGU)
હે યહોવા, તમે સદાસર્વકાળ સુધી રાજ્ય કરવાના છો.”
Exodus 15 : 19 (IRVGU)
ખરેખર એવું બન્યું કે, જ્યારે ફારુનના ઘોડેસવારો, રથો અને તેઓના સવારોએ સમુદ્રમાં પ્રવેશ કર્યો, ત્યારે યહોવાહે સમુદ્રનાં પાણી પાછાં વાળીને તેઓ પર ફેરવી વાળ્યાં; પરંતુ ઇઝરાયલી લોકો તો સમુદ્ર મધ્યે થઈને કોરી જમીન પર ચાલીને પસાર થઈ ગયા.
Exodus 15 : 20 (IRVGU)
પછી હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ ખંજરી હાથમાં લીધી અને તમામ સ્ત્રીઓ તેની પાછળ પાછળ ખંજરીઓ વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી. મરિયમે અને સ્ત્રીઓએ નાચગાન શરૂ કર્યા.
Exodus 15 : 21 (IRVGU)
મરિયમે તેઓને ગવડાવ્યું, “ઈશ્વરની આગળ ગાયન કરો, કેમ કે તેમણે ગૌરવી વિજય પ્રાપ્ત કર્યો છે, તેમણે ઘોડા અને તેના સવારોને સમુદ્રના ઊંડાણમાં ડુબાડી દીધા છે.”
Exodus 15 : 22 (IRVGU)
પછી મૂસા ઇઝરાયલી લોકોને રાતા સમુદ્રથી આગળ લઈ ગયો. અને તેઓ ત્યાંથી નીકળીને શૂરના અરણ્યમાં આવ્યા; તેઓ ત્યાં ત્રણ દિવસ એ અરણ્યમાં આગળ ચાલતા રહ્યા. ત્યાં તેઓને પાણી મળ્યું નહિ.
Exodus 15 : 23 (IRVGU)
પછી તેઓ 'મારાહ' નામની જગ્યાએ આવી પહોંચ્યા. પણ ત્યાંનાં પાણી પી શક્યા નહિ, કેમ કે તે કડવાં હતાં. તેથી એ જગ્યાનું નામ 'મારાહ' પડયું.
Exodus 15 : 24 (IRVGU)
તેથી બધા લોકોએ મૂસાની વિરુદ્ધ બબડાટ કર્યો કે, “અમે શું પીઈએ?”
Exodus 15 : 25 (IRVGU)
એટલે મૂસાએ યહોવાહને પ્રાર્થના કરી, એટલે યહોવાહે તેને એક વૃક્ષનું થડ બતાવ્યું. મૂસાએ તેને પાણીમાં નાખ્યું અને પાણી મીઠાં થઈ ગયાં. ત્યાં યહોવાહે તેઓની કસોટી કરી. તેઓને માટે વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. અને ત્યાં જ તેમની કસોટી કરી.
Exodus 15 : 26 (IRVGU)
યહોવાહે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર યહોવાહની વાણી કાળજીથી સાંભળશો અને જે સત્ય છે તેને પાળશો તો મેં મિસરીઓ પર જે રોગચાળો ફેલાવ્યો હતો તેમાંનો કોઈ હું તમારા પર મોકલીશ નહિ. કેમ કે તમારા રોગ મટાડનાર હું તમારો ઈશ્વર યહોવા છું.”
Exodus 15 : 27 (IRVGU)
પછી તેઓ એલીમ આવી પહોંચ્યા, ત્યાં પાણીના બાર ઝરા હતા અને સિત્તેર ખજૂરીઓ હતી, અહીં જ્યાં પાણી હતું તે જગ્યાએ તેઓએ છાવણી કરી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27