એસ્તેર 4 : 1 (IRVGU)
જ્યારે મોર્દખાયે આ બધું જાણ્યું ત્યારે દુઃખના માર્યા તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, શરીરે રાખ ચોળીને ટાટ પહેર્યું. પછી નગરમાં નીકળી પડ્યો અને ઊંચા સાદે દુઃખથી પોક મૂકીને રડ્યો.
એસ્તેર 4 : 2 (IRVGU)
તે છેક મહેલના દરવાજા આગળ આવ્યો ટાટ પહેરીને દરવાજામાં પ્રવેશવાની પરવાનગી કોઈને ન હતી.
એસ્તેર 4 : 3 (IRVGU)
જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા ફરમાન જાહેર કરવામાં આવ્યાં તે બધા પ્રાંતોમાં યહૂદીઓમાં મોટો શોક, ઉપવાસ, વિલાપ તથા કલ્પાંત પ્રસરી રહ્યાં. અને ઘણાં તો ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂઈ રહ્યાં.
એસ્તેર 4 : 4 (IRVGU)
જ્યારે એસ્તેરની દાસીઓએ તથા ખોજાઓએ આવીને તેને મોર્દખાય વિષે કહ્યું, ત્યારે તેને ખૂબ ગમગીની થઈ. મોર્દખાય પોતાના અંગ પરથી ટાટ કાઢીને બીજાં વસ્રો પહેરે તે માટે એસ્તેરે વસ્ત્રો મોકલી આપ્યાં. પરંતુ તેણે તે પહેર્યાં નહિ.
એસ્તેર 4 : 5 (IRVGU)
રાજાના ખોજાઓમાંનો હથાક નામે એક જણ હતો. તેને રાણીની ખિજમતમાં રહેવા માટે નીમ્યો હતો. એસ્તેરે તેને બોલાવીને કહ્યું, મોર્દખાય પાસે જઈને ખબર કાઢ કે શી બાબત છે? આવું કરવાનું કારણ શું છે?
એસ્તેર 4 : 6 (IRVGU)
હથાક નીકળીને રાજાના દરવાજા સામેના નગરના ચોકમાં મોર્દખાય પાસે ગયો.
એસ્તેર 4 : 7 (IRVGU)
અને મોર્દખાયે તેની સાથે શું બન્યું હતું તે તથા હામાને યહૂદીઓનો નાશ કરવા માટે રાજ્યની તિજોરીમાં જે નાણાં આપવાનું વચન આપ્યું હતું તેનો ચોક્કસ આંકડો પણ તેને બરાબર કહી સંભળાવ્યો.
એસ્તેર 4 : 8 (IRVGU)
વળી તેઓનો નાશ કરવાનો હુકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ મોર્દખાયે તેને આપી કે, હથાક એસ્તેરને તે બતાવે. અને તેને કહી સંભળાવે. અને એસ્તેરને વીનવે કે રાજાની સમક્ષ જઈને તે પોતાના લોકોને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે.
એસ્તેર 4 : 9 (IRVGU)
પછી હથાકે આવીને મોર્દખાયે જે કહેલું હતું. તે એસ્તેરને જણાવ્યું.
એસ્તેર 4 : 10 (IRVGU)
ત્યારે એસ્તેરે હથાક સાથે વાત કરીને મોર્દખાય પર સંદેશો મોકલ્યો.
એસ્તેર 4 : 11 (IRVGU)
તેણે કહ્યું કે, “રાજાના સર્વ સેવકો તથા રાજાના પ્રાંતોના બધા જ લોકો જાણે છે કે, કોઈ સ્ત્રી કે પુરુષ વગર પરવાનગીથી અંદરનાં ચોકમાં રાજાની પાસે જાય તે વિષે એક જ કાયદો છે કે, તેને મૃત્યુની સજા કરવામાં આવે, સિવાય કે રાજા તે વ્યકિત સામે પોતાનો સોનાનો રાજદંડ ધરે તે જ જીવતો રહે. પણ મને તો આ ત્રીસ દિવસથી રાજાની સમક્ષ જવાનું તેડું મળ્યું નથી.”
એસ્તેર 4 : 12 (IRVGU)
એસ્તેરનો સંદેશો તેણે જઈને મોર્દખાયને કહી સંભળાવ્યો.
એસ્તેર 4 : 13 (IRVGU)
ત્યારે મોર્દખાયે હથાકને કહ્યું, “તારે એસ્તેરને એવો પ્રત્યુત્તર આપવો કે સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે. એવું તારે પોતાના મનમાં માનવું નહિ.
એસ્તેર 4 : 14 (IRVGU)
જો તું આ સમયે મૌન રહીશ તો યહૂદીઓ માટે બચાવ અને મદદ બીજી કોઈ રીતે ચોક્કસ મળશે. પરંતુ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થશે. વળી તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને માટે નહિ હોય એ કોણ જાણે છે?''
એસ્તેર 4 : 15 (IRVGU)
ત્યારે એસ્તેરે તેને કહ્યું કે, તારે મોર્દખાયને એવો જવાબ આપવો કે,
એસ્તેર 4 : 16 (IRVGU)
“જા, સૂસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને ભેગા કર. અને તમે સર્વ આજે મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કોઈએ ખાવુંપીવું નહિ; હું અને મારી દાસીઓ પણ એ જ રીતે ઉપવાસ કરીશું. જો કે એ નિયમ વિરુદ્ધ હોવા છતાં હું રાજાની સમક્ષ જઈશ. જો મારો નાશ થાય, તો ભલે થાય.”
એસ્તેર 4 : 17 (IRVGU)
ત્યારે મોર્દખાય પોતાને રસ્તે ગયો અને એસ્તેરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યુ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17