2 કાળવ્રત્તાંત 30 : 1 (IRVGU)
હિઝકિયાએ આખા ઇઝરાયલ અને યહૂદિયાને સંદેશો મોકલ્યો અને એફ્રાઇમ અને મનાશ્શાના લોકોને પત્રો લખ્યા. “તેઓએ ઇઝરાયલના ઈશ્વરનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવવું.”
2 કાળવ્રત્તાંત 30 : 2 (IRVGU)
કેમ કે રાજાએ, તેના અધિકારીઓએ અને યરુશાલેમમાં આખી સભાએ ભેગા થઈને નિર્ણય કર્યો હતો કે વર્ષના બીજા મહિનામાં પાસ્ખાપર્વ ઊજવવું.
2 કાળવ્રત્તાંત 30 : 3 (IRVGU)
તે સમયે તેઓ તે ઊજવી શક્યા નહોતા કેમ કે પૂરતી સંખ્યામાં યાજકો પવિત્ર થયા ન હતા અને યરુશાલેમમાં સર્વ લોકો એકત્ર થયા નહોતા.
2 કાળવ્રત્તાંત 30 : 4 (IRVGU)
આ યોજના રાજાને તેમ જ સમગ્ર સભાને સારી લાગી.
2 કાળવ્રત્તાંત 30 : 5 (IRVGU)
તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે દાનથી તે બેર-શેબા સુધી સમગ્ર ઇઝરાયલમાં એવી જાહેરાત કરવી કે, બધા લોકોએ ઇઝરાયલના ઈશ્વરનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમ આવવું, કેમ કે નિયમશાસ્ત્રમાં લખેલી રીત મુજબ તેઓએ લાંબા સમય સુધી પાળ્યું નહોતું.
2 કાળવ્રત્તાંત 30 : 6 (IRVGU)
2 કાળવ્રત્તાંત 30 : 7 (IRVGU)
તેથી રાજાના હુકમથી રાજાના અને તેના આગેવાનોના પત્રો લઈને સંદેશાવાહકો સમગ્ર ઇઝરાયલમાં અને યહૂદિયામાં ગયા. તેઓએ કહ્યું, “ઇઝરાયલના લોકો, તમે ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયલના ઈશ્વર તરફ પાછા ફરો, જેથી આશૂરના રાજાઓના હાથમાંથી તમારામાંના જે બચી ગયા છે, તેઓના પર ઈશ્વર કૃપાદ્રષ્ટિ કરે. તમે તમારા પિતૃઓ કે ભાઈઓ જેવા થશો નહિ; તેઓએ તો પોતાના પિતૃઓના ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યાં હતાં. તેથી ઈશ્વરે તેઓનો નાશ કર્યો, તે તમે જોયું છે.
2 કાળવ્રત્તાંત 30 : 8 (IRVGU)
હવે તમે તમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. ઈશ્વરને આધીન થાઓ. સદાને માટે જેને તેમણે પવિત્ર કર્યું છે તે પવિત્રસ્થાનમાં આવો, તમારા ઈશ્વરની આરાધના કરો, કે જેથી તેનો રોષ તમારા પરથી દૂર થઈ જાય.
2 કાળવ્રત્તાંત 30 : 9 (IRVGU)
જો તમે ખરા અંત:કરણથી ઈશ્વર તરફ પાછા વળશો તો તમારા ભાઈઓ અને તમારા પુત્રો તેમને પકડીને લઈ જનારાની નજરમાં કૃપા પામશે. તેઓ પાછા આ દેશમાં આવી શકશે, કારણ, તમારો ઈશ્વર કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા ફરશો તો તેઓ તમારાથી કદી મુખ નહિ ફેરવે.”
2 કાળવ્રત્તાંત 30 : 10 (IRVGU)
સંદેશાવાહકો એફ્રાઇમ અને મનાશ્શા તેમ જ છેક ઝબુલોન સુધી નગરેનગર ફરી વળ્યા, પણ લોકોએ તેઓની હાંસી ઉડાવી તેમ જ તેઓને હસી કાઢ્યાં.
2 કાળવ્રત્તાંત 30 : 11 (IRVGU)
જો કે આશેર, મનાશ્શા અને ઝબુલોનમાંથી થોડા માણસો નમ્ર થઈને યરુશાલેમમાં આવ્યા.
2 કાળવ્રત્તાંત 30 : 12 (IRVGU)
ઈશ્વરના વચન દ્વારા રાજાની તથા આગેવાનોની આજ્ઞા પ્રમાણે કરવાને ઈશ્વરે યહૂદિયાના લોકોને એક હૃદયના કર્યા હતા.
2 કાળવ્રત્તાંત 30 : 13 (IRVGU)
બેખમીર રોટલીનું પર્વ પાળવા માટે બીજા મહિનામાં મોટો લોકસમુદાય યરુશાલેમમાં એકત્ર થયો.
2 કાળવ્રત્તાંત 30 : 14 (IRVGU)
તેઓએ યરુશાલેમમાં આવેલી અન્ય દેવોની વેદીઓનો નાશ કર્યો, સર્વ ધૂપવેદીઓ તોડી નાખી અને તેઓને કિદ્રોન નાળામાં નાખી દીધી.
2 કાળવ્રત્તાંત 30 : 15 (IRVGU)
પછી તેઓએ બીજા મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું હલવાન કાપ્યું. યાજકો અને લેવીઓ શરમિંદા થઈ ગયા અને તેઓએ પોતાને પવિત્ર કરીને ઈશ્વરના ઘરમાં દહનીયાર્પણો કર્યા.
2 કાળવ્રત્તાંત 30 : 16 (IRVGU)
તેઓ મૂસાના નિયમ મુજબ પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા; યાજકોએ લેવીઓ પાસેથી લોહી લઈને વેદી પર છાંટ્યું.
2 કાળવ્રત્તાંત 30 : 17 (IRVGU)
જે લોકો ભેગા થયા હતા તેઓમાંના ઘણાએ પોતાને શુદ્ધ કર્યા નહોતા, એટલે એ લોકો રિવાજ પ્રમાણે પાસ્ખાના હલવાન ચઢાવી શકે તેમ નહોતા. તેથી તેઓના વતી ઈશ્વર માટે હલવાનો પવિત્ર કરીને, પાસ્ખા કાપવાનું કામ લેવીઓને સોંપવામાં આવ્યું.
2 કાળવ્રત્તાંત 30 : 18 (IRVGU)
કેમ કે એફ્રાઇમ, મનાશ્શા, ઇસ્સાખાર અને ઝબુલોનના ઘણાં લોકો શુદ્ધ થયા નહોતા, છતાં તેમણે વિધિપૂર્વક નિયમો પાળ્યા વગર જ પાસ્ખાનું ભોજન લીધું હતું. પણ હિઝકિયાએ તેઓને માટે પ્રાર્થના કરી કે, “દરેકને ઈશ્વર માફ કરો;
2 કાળવ્રત્તાંત 30 : 19 (IRVGU)
કે જેઓએ પોતાના પિતૃઓના ઈશ્વરની શોધ ખરા અંત:કરણથી કરી છે - પછી ભલે તેઓ પવિત્રસ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર ના થયા હોય.”
2 કાળવ્રત્તાંત 30 : 20 (IRVGU)
ઈશ્વરે હિઝકિયાની પ્રાર્થના સાંભળી અને લોકોને માફ કર્યા.
2 કાળવ્રત્તાંત 30 : 21 (IRVGU)
આ રીતે ઇઝરાયલના લોકો જેઓ યરુશાલેમમાં હતા તેઓએ સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીર રોટલીના પાસ્ખાપર્વની ઊજવણી કરી. તે દરમિયાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરતા હતા.
2 કાળવ્રત્તાંત 30 : 22 (IRVGU)
ઈશ્વરની સેવામાં ઊભા રહેનારા તમામ લેવીઓને હિઝકિયા રાજાએ ઘણું ઉત્તેજન આપ્યું. આમ તેઓએ સાત દિવસ સુધી શાંત્યર્પણો કરીને ઈશ્વર આગળ પસ્તાવો કરીને લોકોએ તેઓના પિતૃઓના ઈશ્વરની સ્તુતિ કરી.
2 કાળવ્રત્તાંત 30 : 23 (IRVGU)
આખી સભાએ બીજા સાત દિવસ સુધી ઉત્સવ ઊજવવાનો નિર્ણય કર્યો. અને તેમણે બીજા સાત દિવસ સુધી આનંદોત્સવ કર્યો.
2 કાળવ્રત્તાંત 30 : 24 (IRVGU)
કારણ કે, યહૂદાના રાજા હિઝકિયાએ પ્રજાને એક હજાર બળદો અને સાત હજાર ઘેટાં અર્પણ માટે આપ્યાં હતાં અને તેના અધિકારીઓએ તે ઉપરાંત બીજા એક હજાર બળદો અને દસ હજાર ઘેટાં આપ્યાં હતા. મોટી સંખ્યામાં યાજકોએ પોતાને પવિત્ર કર્યા હતા.
2 કાળવ્રત્તાંત 30 : 25 (IRVGU)
યાજકો અને લેવીઓ સહિત યહૂદિયાની આખી સભાએ તેમ જ ઇઝરાયલથી આવેલા સમગ્ર લોકોની સભાએ તથા જે વિદેશીઓ ઇઝરાયલથી આવ્યા હતા તેમ જ જેઓ યહૂદામાં વસતાં હતા એ બધાએ આનંદોત્સવ કર્યો.
2 કાળવ્રત્તાંત 30 : 26 (IRVGU)
યરુશાલેમમાં ઘણો મોટો આનંદ ઉત્સવ ઊજવાયો; ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાનના સમય પછી યરુશાલેમમાં આવો ઉત્સવ કદી ઊજવાયો નહોતો.
2 કાળવ્રત્તાંત 30 : 27 (IRVGU)
ત્યાર બાદ યાજકો અને લેવીઓએ ઊભા થઈને આશીર્વાદ આપ્યાં. તેઓનો અવાજ અને તેઓની પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નિવાસમાં-સ્વર્ગમાં સાંભળવામાં આવી.
❮
❯