1 શમુએલ 9 : 1 (IRVGU)
બિન્યામીનીઓમાંનો એક માણસ હતો. જે પ્રભાવશાળી હતો. તેનું નામ કીશ હતું, તે બિન્યામીનીઓમાંના અફિયાનો દીકરો, બખોરોથનો દીકરો, સરોરનો દીકરો, અબીએલનો દીકરો હતો.
1 શમુએલ 9 : 2 (IRVGU)
તેને શાઉલ નામનો એક દીકરો હતો, તે જુવાન સુંદર પુરુષ હતો. ઇઝરાયલ લોકોમાં તેના કરતાં વધારે સુંદર કોઈ નહોતો. તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકોથી ઊંચો હતો.
1 શમુએલ 9 : 3 (IRVGU)
હવે શાઉલના પિતા, કીશના ગધેડાં ખોવાઈ ગયાં હતાં. તેથી કીશે પોતાના દીકરા શાઉલને કહ્યું, “તું તારી સાથે ચાકરોમાંથી એકને લે; ઊઠ અને જઈને ગધેડાંની શોધ કર.”
1 શમુએલ 9 : 4 (IRVGU)
તેથી શાઉલ અને તેનો ચાકર એફ્રાઇમના પહાડી પ્રદેશ પસાર કરીને શાલીશા દેશ વટાવ્યો, પણ તેઓને ગધેડાં મળ્યાં નહિ. તેઓએ શાલીમ દેશ પસાર કર્યો પણ ત્યાંથીય ગધેડાં મળ્યાં નહિ. પછી તેઓએ બિન્યામીનીઓનો દેશ ઓળંગ્યો, ત્યાં પણ ગધેડાંનો પત્તો લાગ્યો નહિ.
1 શમુએલ 9 : 5 (IRVGU)
તેઓ સૂફ દેશમાં આવ્યા, ત્યારે શાઉલે પોતાનો ચાકર જે તેની સાથે હતો તેને કહ્યું, “ચાલ, આપણે પાછા જઈએ, નહિ તો મારા પિતા ગધેડાંની ચિંતા છોડી દઈને આપણા માટે ચિંતા કરવા લાગશે.”
1 શમુએલ 9 : 6 (IRVGU)
પણ ચાકરે તેને કહ્યું, “સાંભળ, આ નગરમાં ઈશ્વરનો એક ઈશ્વરભક્ત રહે છે. તે પ્રતિષ્ઠિત માણસ છે; જે કંઈ તે કહે છે તે નિશ્ચે સાચું પડે છે. તો ચાલો આપણે ત્યાં જઈએ; કદાચ તે આપણને કહી બતાવશે કે કયા માર્ગે આપણે જવું.”
1 શમુએલ 9 : 7 (IRVGU)
ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, “પણ જો આપણે જઈએ, તો તે માણસને માટે આપણે શું લઈ જઈશું? કેમ કે આપણા પાત્રોમાં રોટલી થઈ રહી છે અને ત્યાં ઈશ્વરના માણસને ભેટ આપવા માટે કશું રહ્યું નથી. આપણી પાસે બીજું શું છે?”
1 શમુએલ 9 : 8 (IRVGU)
ચાકરે શાઉલને જવાબ આપીને કહ્યું, “મારી પાસે પા શેકેલ ચાંદી છે તે હું ઈશ્વરભક્તને આપીશ, કે તે આપણને ક્યા માર્ગે જવું તે જણાવે”
1 શમુએલ 9 : 9 (IRVGU)
(અગાઉ ઇઝરાયલમાં, જયારે કોઈ માણસ ઈશ્વરની સલાહ લેવા જતો, તે કહેતો, “ચાલો, આપણે પ્રેરક પાસે જઈએ.” કેમ કે આજના પ્રબોધક અગાઉ પ્રબોધક કહેવાતા હતા).
1 શમુએલ 9 : 10 (IRVGU)
ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, “તેં ઠીક કહ્યું. ચાલ, આપણે જઈએ.” તેથી તેઓ નગરમાં જ્યાં ઈશ્વરભક્ત રહેતો હતો ત્યાં ગયા.
1 શમુએલ 9 : 11 (IRVGU)
જયારે તેઓ નગરમાં જવા સારુ પર્વત ચઢતા હતા, ત્યારે જે પાણી ભરવાને બહાર આવતી યુવતીઓ તેઓને મળી. શાઉલ તથા તેના સેવકે તેઓને પૂછ્યું, “શું પ્રબોધક અહીં છે?”
1 શમુએલ 9 : 12 (IRVGU)
તેઓએ ઉત્તર આપ્યો, “હા, તે છે; જુઓ, તે તમારી આગળ ગયો છે; હવે વહેલા જાઓ, કેમ કે આજે તે નગરમાં આવ્યો છે; કારણ કે આજે ઉચ્ચસ્થાને લોકો બલિદાન કરવાના છે.
1 શમુએલ 9 : 13 (IRVGU)
તમે નગરમાં પેસશો કે તરત, ઉચ્ચસ્થાને તે જમવા જાય તે પહેલાં તે તમને મળશે. કેમ કે તે આવીને બલિદાનને આશીર્વાદ નહિ દે; ત્યાં સુધી લોકો ખાશે નહિ, પછી જેઓ નોતરેલા છે તેઓ ખાશે. તો હવે જાઓ, તે તમને આ વખતે તરત જ મળશે.”
1 શમુએલ 9 : 15 (IRVGU)
તેઓ નગરમાં ગયા. તેઓ નગરમાં પ્રવેશતા હતા, ત્યારે શમુએલને તેમની તરફ આવતો જોયો, તે ઉચ્ચસ્થાને જતો હતો, ત્યાં તે તેઓને મળ્યો. હવે શાઉલના આવ્યાના એક દિવસ અગાઉ, ઈશ્વરે શમુએલને જણાવ્યું હતું કે:
1 શમુએલ 9 : 16 (IRVGU)
“કાલે આશરે આ સમયે, બિન્યામીનના વતનમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ, મારા લોક ઇઝરાયલ પર રાજા થવા સારુ તેનો અભિષેક તું કરજે. અને તે પલિસ્તીઓના હાથમાંથી મારા લોકોને છોડાવશે; કેમ કે મારા લોકોનો પોકાર મારી પાસે આવ્યો છે, માટે મેં તેઓ પર કૃપાદ્રષ્ટિ કરી છે.”
1 શમુએલ 9 : 17 (IRVGU)
જયારે શમુએલે શાઉલને જોયો, ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “જે માણસ વિષે મેં તને કહ્યું હતું કે જે મારા લોક પર અધિકાર ચલાવશે તે આજ છે.”
1 શમુએલ 9 : 18 (IRVGU)
ત્યારે શાઉલે શમુએલની નજીક દરવાજા પાસે આવીને કહ્યું, “પ્રબોધકનું ઘર ક્યાં છે એ મને કહે?”
1 શમુએલ 9 : 19 (IRVGU)
શમુએલે શાઉલને ઉત્તર આપીને કહ્યું, હું જ પ્રબોધક છું. મારી અગાઉ ઉચ્ચસ્થાને જાઓ, કેમ કે આજે તમારે મારી સાથે જમવાનું છે. સવારમાં હું તને જવા દઈશ અને તારા મનમાં જે છે તે સર્વ હું તને કહી બતાવીશ.
1 શમુએલ 9 : 20 (IRVGU)
વળી તારાં ગધેડાં જે ત્રણ દિવસ પહેલાં ખોવાઈ ગયાં હતાં, તેની ચિંતા કરીશ નહિ, કેમ કે તે મળ્યાં છે. અને ઇઝરાયલની સઘળી આશા કોના પર છે? શું તે તારા પર અને તારા પિતાના ઘરના સર્વ પર નથી?”
1 શમુએલ 9 : 21 (IRVGU)
શાઉલે ઉત્તર આપીને કહ્યું, “હું ઇઝરાયલના સૌથી નાના બિન્યામીનીઓના કુળનો નથી? મારું કુટુંબ બિન્યામીન કુળના કુટુંબોમાં સૌથી નાનું નથી શું? તો તું મારી સાથે આવી વાત કેમ કરે છે?”
1 શમુએલ 9 : 23 (IRVGU)
શમુએલ શાઉલ તથા તેના ચાકરને, મોટા ખંડમાં લઈ આવ્યો, જેઓને નોતરેલા હતા તેઓ મધ્યે તેઓને સૌથી અગ્રસ્થાને બેસાડ્યા, તેઓ આશરે ત્રીસ માણસ હતા. શમુએલે રસોઈયાને કહ્યું કે, “જે ભાગ મેં તને આપ્યો તે લાવ અને જે વિષે મેં તને કહ્યું હતું, 'તે બાજુ પર મૂક.”'
1 શમુએલ 9 : 24 (IRVGU)
હવે રસોઈયાએ જાંઘ તથા તેના પરનું માંસ જે બલિદાન માટે હતું તે લઈને, શાઉલ આગળ મૂક્યું. પછી શમુએલે કહ્યું, “જો આ તારા માટે રાખી મૂકેલું છે, તે ખા. કેમ કે મેં લોકોને નોતર્યા છે એવું કહીને ઠરાવેલા સમયને માટે તારે સારુ તે રાખી મૂક્યું છે.”' એમ તે દિવસે શાઉલ શમુએલ સાથે જમ્યો.
1 શમુએલ 9 : 25 (IRVGU)
જયારે તેઓ ઉચ્ચસ્થાનેથી ઊતરીને નગરમાં આવ્યા, ત્યારે અગાસી પર તેઓ શાઉલ સાથે આવ્યા અને તેને માટે પલંગ બિછાવ્યો અને તે સૂઈ ગયો.
1 શમુએલ 9 : 26 (IRVGU)
સૂર્યોદયને સમયે એમ થયું કે, શમુએલે શાઉલને અગાસી પર હાંક મારી, “ઊઠ, જેથી હું તને તારા રસ્તે વિદાય કરું.” તેથી શાઉલ ઊઠ્યો અને બન્ને એટલે તે તથા શમુએલ શેરીમાં ચાલી નીકળ્યા.
1 શમુએલ 9 : 27 (IRVGU)
જયારે નગરના છેડા આગળ તેઓ જતા હતા, ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “ચાકરને કહે કે, તે આપણી આગળ ચાલ્યો જાય અને (ચાકર ચાલ્યો ગયો), પણ તું હમણાં ઊભો રહે, કે હું તને ઈશ્વરનું વચન કહી સંભળાવું.”
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27