1 Kings 21 : 1 (IRVGU)
ત્યાર બાદ એવું બન્યું કે, યિઝ્રએલી નાબોથ પાસે યિઝ્રએલમાં સમરુનના રાજા આહાબના મહેલ પાસે એક દ્રાક્ષાવાડી હતી.
1 Kings 21 : 2 (IRVGU)
આહાબે નાબોથને કહ્યું, “તારી દ્રાક્ષાવાડી મારા મહેલ પાસે હોવાથી તે તું મને આપ. જેથી હું તેને શાકવાડી બનાવું. અને તેના બદલામાં હું તને બીજી સારી દ્રાક્ષાવાડી આપીશ અથવા જો તને ઠીક લાગે તો હું તને તેના મૂલ્યના પૈસા ચૂકવીશ.
1 Kings 21 : 3 (IRVGU)
પણ નાબોથે તેને જવાબ આપ્યો, “મારા પૂર્વજોની જમીન હું તમને આપું તેવું યહોવા થવા દો નહિ.”
1 Kings 21 : 4 (IRVGU)
તેથી યિઝ્રએલી નાબોથનો જવાબ સાંભળીને આહાબ ઉદાસ તથા ગુસ્સે થઈને પોતાના મહેલમાં ગયો. તે પથારીમાં સૂઈ ગયો અને તેણે પોતાનું મોં અવળું ફેરવ્યું. તેણે ખાવાની ના પાડી.
1 Kings 21 : 5 (IRVGU)
તેની પત્ની ઇઝેબેલે તેની પાસે આવીને કહ્યું, “તું આટલો બધો ઉદાસ કેમ થયો છે? તેં ખાવાની પણ ના પાડી?”
1 Kings 21 : 6 (IRVGU)
તેણે તેને કહ્યું, “યિઝ્રએલી નાબોથને મેં કહ્યું કે, 'પૈસાના બદલામાં તું તારી દ્રાક્ષાવાડી મને આપ. અથવા જો તું ઇચ્છે તો તેના બદલામાં હું તને બીજી દ્રાક્ષાવાડી આપીશ. પણ તેણે કહ્યું, “હું મારી દ્રાક્ષાવાડી તને નહિ આપું.'”
1 Kings 21 : 7 (IRVGU)
તેથી તેની પત્ની ઇઝેબેલે પ્રત્યુત્તર આપ્યો, “તું હાલ ઇઝરાયલનું રાજ ચલાવે છે કે નહિ? ઊઠ અને ખા. હૃદયમાં આનંદિત થા. યિઝ્રએલી નાબોથની દ્રાક્ષાવાડી હું તને અપાવીશ.”
1 Kings 21 : 8 (IRVGU)
પછી આહાબને નામે ઇઝેબેલે પત્રો લખ્યા, તે પર તેની મહોર મારીને બંધ કર્યા. નાબોથ રહેતો હતો તે નગરમાં વડીલો અને આગેવાનોને તે પત્રો તેણે મોકલી આપ્યા.
1 Kings 21 : 9 (IRVGU)
તેણે પત્રમાં લખ્યું કે, “ઉપવાસને જાહેર કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો.”
1 Kings 21 : 10 (IRVGU)
સભામાં બે અપ્રામાણિક માણસોને પણ બેસાડો અને તેઓને તેની વિરુદ્ધ સાક્ષી અપાવો કે, “નાબોથે યહોવાહને અને રાજાને શાપ આપ્યો છે.” માટે તેને બહાર લઈ જાઓ અને તેને પથ્થર મારીને મારી નાખો.
1 Kings 21 : 11 (IRVGU)
તેથી વડીલો, આગેવાનોએ તથા તેના નગરના માણસોએ ઇઝેબેલે, પત્રમાં લખી મોકલેલા સંદેશ પ્રમાણે કર્યુ.
1 Kings 21 : 12 (IRVGU)
તેમણે ઉપવાસ જાહેર કર્યો અને નાબોથને લોકોની સામે બેસાડયો.
1 Kings 21 : 13 (IRVGU)
પેલા બે અપ્રામાણિક માણસો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ સાક્ષી આપીને કહ્યું, “નાબોથે યહોવાહને અને રાજાને શાપ આપ્યો છે.” પછી તેઓ તેને નગરની બહાર લઈ ગયા અને પથ્થર મારીને તેને મારી નાખ્યો.
1 Kings 21 : 14 (IRVGU)
પછી તેઓએ ઇઝેબેલને સંદેશો મોકલ્યો કે, “નાબોથને પથ્થરો ફેકીને મારી નાખવામાં આવ્યો છે.”
1 Kings 21 : 15 (IRVGU)
તેથી જયારે ઇઝેબેલને ખબર પડી કે, નાબોથને પથ્થર મારીને તેને મારી નાખવામાં આવ્યો છે ત્યારે તેણે આહાબને કહ્યું, “ઊઠ અને યિઝ્રએલના નાબોથે જે દ્રાક્ષાવાડી જે તે પૈસા લઈ ને તને આપવાની ના પાડી હતી તેનો કબજો લે; કારણ નાબોથ હવે જીવતો નથી, મૃત્યુ પામ્યો છે.”
1 Kings 21 : 16 (IRVGU)
જયારે આહાબે સાંભળ્યું કે, નાબોથ મૃત્યુ પામ્યો છે ત્યારે તે ઊઠીને યિઝ્રએલી નાબોથની દ્રાક્ષવાડીનો કબજો લેવા ગયો.
1 Kings 21 : 17 (IRVGU)
ત્યાર બાદ તિશ્બીના પ્રબોધક એલિયા પાસે યહોવાહનું વચન આવ્યું,
1 Kings 21 : 18 (IRVGU)
“ઊઠ, સમરુનમાં રહેતા ઇઝરાયલના રાજા આહાબ પાસે જા. તે તને નાબોથની દ્રાક્ષાવાડીમાં મળશે. તે ત્યાં દ્રાક્ષાવાડીનો કબજો લેવા ગયો છે.
1 Kings 21 : 19 (IRVGU)
તારે તેને આ પ્રમાણે કહેવું, યહોવા એવું કહે છે કે, 'તેં નાબોથનું ખૂન કર્યું છે? અને દ્રાક્ષવાડીનો કબજો પણ લીધો છે? યહોવા આમ કહે છે, જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટ્યું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.'”
1 Kings 21 : 20 (IRVGU)
આહાબે એલિયાને કહ્યું, “મારા શત્રુ, શું તેં મને શોધી કાઢ્યો?” એલિયાએ કહ્યું, “મેં તને શોધી કાઢ્યો છે, કારણ, યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું છે તે કરવાને માટે તેં પોતાને વેચ્યો છે.
1 Kings 21 : 21 (IRVGU)
યહોવા કહે છે કે, 'જો, હું તારા પર આપત્તિ લાવીશ અને તારો સંપૂર્ણ વિનાશ કરીશ. હું તારા દરેક પુત્રનો અને ઇઝરાયલમાંનાં દરેક બંદીવાન તેમ જ બચી રહેલાનો નાશ કરીશ.
1 Kings 21 : 22 (IRVGU)
હું નબાટના પુત્ર યરોબામ અને અહિયાના પુત્ર બાશાના કુટુંબોની જેમ તારા પણ કુટુંબ સાથે કરીશ. કારણ તેં ઇઝરાયલના લોકો પાસે પાપ કરી મને રોષ ચઢાવ્યો છે.'
1 Kings 21 : 23 (IRVGU)
યહોવાહે ઇઝેબેલ વિષે પણ આમ કહ્યું છે કે, ' યિઝ્રએલના ખેતરોમાં ઇઝેબેલના શરીરને કૂતરાં ખાશે.'
1 Kings 21 : 24 (IRVGU)
નગરોમાં આહાબનું જે કોઈ મૃત્યુ પામશે તેને કૂતરાં ખાઈ જશે. જે કોઈ ખેતરોમાં મૃત્યુ પામશે તેને વાયુચર પક્ષીઓ ખાઈ જશે.”
1 Kings 21 : 25 (IRVGU)
આહાબ જેવું તો કોઈ જ નહોતું જેણે પોતાની પત્ની ઇઝેબેલના ઉશ્કેર્યાથી યહોવાહની દ્રષ્ટિમાં દુષ્ટતા કરવા માટે પોતાને વેચી દીધો હતો.
1 Kings 21 : 26 (IRVGU)
વળી અમોરીઓ જેઓને યહોવાહે ઇઝરાયલી લોકો આગળથી કાઢી મૂક્યા હતા, તેઓનાં સર્વ કૃત્યો પ્રમાણે મૂર્તિઓની પૂજા કરવામાં તેણે ઘણું જ ધિક્કારપાત્ર આચરણ કર્યું.
1 Kings 21 : 27 (IRVGU)
જયારે આહાબે એ વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડીને પોતાના શરીર પર શોકનાં વસ્ત્રો ધારણ કર્યા. અને ઉપવાસ કર્યો અને ખૂબ જ ઉદાસ બનીને શોકનાં વસ્ત્રો ઓઢીને તે તેમાં સૂઈ ગયો.
1 Kings 21 : 28 (IRVGU)
પછી યહોવાહનું વચન તિશ્બી એલિયાની પાસે એવું આવ્યું કે,
1 Kings 21 : 29 (IRVGU)
“આહાબ મારી સમક્ષ કેવો નમ્ર બની ગયો છે, તે તું જુએ છે કે નહિ? તે મારી આગળ નમ્ર બન્યો છે, માટે તેના દિવસોમાં એ આપત્તિ હું નહિ લાવું; પણ તેના દીકરાના દિવસોમાં તેના પર હું એ આપત્તિ લાવીશ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29