ઝખાર્યા 10 : 1 (GUV)
જે યહોવા વીજળીઓના ઉત્પન્નકર્તા છે તે યહોવાની પાસે તમે, પાછલા વરસાદની મોસમમાં, વરસાદ માગો; તે માણસોને વરસાદનાં ઝાપટાં તથા દરેકને ખેતરમાં લીલોતરી આપશે.
ઝખાર્યા 10 : 2 (GUV)
કેમ કે તરાફિમ [મૂર્તિઓએ] મિથ્યા વાત કહી છે, ને શકુન જોનારાઓએ જૂઠો વરતારો કર્યો છે. સંદર્શનિકો અસત્ય બોલે છે, તેઓ ખોટો દિલાસો દે છે; માટે લોકો ઘેટાંની જેમ આમતેમ ભટકે છે, તેઓ દુ:ખી થાય છે, કેમ કે કોઈ પાળક નથી.
ઝખાર્યા 10 : 3 (GUV)
[પ્રભુ કહે છે,] “મારો ક્રોધ પાળકો ઉપર સળગ્યો છે, હું બકરાઓને શિક્ષા કરીશ; કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ યહૂદાના વંશરૂપી પોતાના ટોળાની ખબર લીધી છે, ને તે તેઓને યુદ્ધના પોતાના સુંદર ઘોડા જેવા કરશે.
ઝખાર્યા 10 : 4 (GUV)
તેમાંથી ખૂણાનો પથ્થર, ખીલો, યુદ્ધધનુષ્ય અને દરેક અધિકારી, તમામ નીકળી આવશે.
ઝખાર્યા 10 : 5 (GUV)
તેઓ યુદ્ધમાં [પોતાના શત્રુઓને] ગલીઓના કાદવમાં ખૂંદી નાખનાર યોદ્ધાઓ જેવા થશે. તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવા તેઓની સાથે છે; અને ઘોડેસવારો ગભરાઈ જશે.
ઝખાર્યા 10 : 6 (GUV)
હું યહૂદાના માણસોને બળવાન કરીશ, અને હું યૂસફના માણસોનો ઉદ્ધાર કરીશ, ને હું તેઓને [તેમના વતનમાં] પાછા લાવીશ, કેમ કે મને તેમના પર દયા આવે છે; અને જાણે મેં તેમને અગાઉ કદી તજી દીધા ન હોય, એવા તેઓ થશે, કેમ કે હું તેઓનો ઈશ્વર યહોવા છું, ને હું તેઓનું સાંભળીશ.
ઝખાર્યા 10 : 7 (GUV)
એફ્રાઈમીઓ યોદ્ધા જેવા થશે, અને દ્રાક્ષારસ [પીધો હોય] તેમ તેઓનાં મન હરખાશે. હા, તેઓનાં છોકરાં તે જોઈને હરખાશે; તેમનાં અંત:કરણો યહોવામાં આનંદ પામશે.
ઝખાર્યા 10 : 8 (GUV)
હું સીટી વગાડીને તેઓને એકત્ર કરીશ; કેમ કે મેં તેઓનો ઉદ્ધાર કર્યો છે. અને [પૂર્વે] જેમ તેઓની વૃદ્ધિ થઈ હતી તેમ તેઓની વૃદ્ધિ થશે.
ઝખાર્યા 10 : 9 (GUV)
અગર જો હું તેમને અન્ય પ્રજાઓમાં વાવીશ, તોપણ દૂરના દેશોમાં તેઓ મારું સ્મરણ કરશે; અને તેઓ પોતાનાં છોકરાં સહિત જીવશે, અને પાછા આવશે.
ઝખાર્યા 10 : 10 (GUV)
વળી હું તેમને મિસર દેશમાંથી પાછા લાવીશ, અને તેઓને આશૂરમાંથી ભેગા કરીશ. હું તેઓને ગિલ્યાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ. અને તેમને માટે [પૂરતી જગા] મળશે નહિ.
ઝખાર્યા 10 : 11 (GUV)
તે સંકટરૂપી સમુદ્ર ઓળંગશે, ને સમુદ્રનાં મોજાંઓને મારશે, ને નીલનાં સર્વ ઊંડાણો સુકાઈ જશે. આશૂરનો ગર્વ ઉતારવામાં આવશે, અને મિસરનો રાજદંડ જતો કરાશે.
ઝખાર્યા 10 : 12 (GUV)
હું તેઓને યહોવામાં બળવાન કરીશ; અને તેઓ તેના નામમાં હરશે ફરશે, ” એમ યહોવા કહે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: