રોમનોને પત્ર 2 : 1 (GUV)
જો તમે એમ માનતા હો કે તમે બીજા લોકોનો ન્યાય કરી શકો છો, તે એ તમારી ભૂલ છે. તમે પોતે પણ પાપથી અપરાધી થયેલા છો. તમે બીજા લોકોનો ન્યાય કરવાનો પ્રયત્ન કરો છો. પરંતુ તેઓની માફક તમે પણ ખરાબ કર્મો કરવામાં રચ્યાપચ્યા રહો છો. બીજા લોકોને અપરાધી સિદ્ધ કરવાની પ્રવૃતિ કરીને ખરેખર તો તમે પોતે અપરાધી ઠરો છો.
રોમનોને પત્ર 2 : 2 (GUV)
જે લોકો ખરાબ કર્મો કરે છે, તેમનો ન્યાય કરનાર તો દેવ છે અને આપણે જાણીએ છીએ તેમ દેવનો ન્યાય સાચો હોય છે.
રોમનોને પત્ર 2 : 3 (GUV)
જે લોકો ખોટાં કર્મો કરે છે તેમનો ન્યાય તમે કરો છો પરંતુ એવાં અનિષ્ટ કાર્યો તમે પોતે પણ કરો જ છો. તેથી આ વાત બરાબર ખાતરીપૂર્વક સમજી લેશો કે દેવ તમારો પણ ન્યાય કરશે. તમે એમાંથી છટકી શકવાના નથી.
રોમનોને પત્ર 2 : 4 (GUV)
દેવ તો હંમેશા તમારા પર ભલાઈ કરતો રહ્યો છે અને તમારા જીવનમાં પરિવર્તન આવે એની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો છે. પરંતુ દેવની આ ભલાઈની તમને તો કઈ પડી જ નથી. પસ્તાવો થાય એ માટે દેવની કૃપા હંમેશા તમારા પર વરસતી હોય છે. એ તમે કદાચ સમજતા જ નથી.
રોમનોને પત્ર 2 : 5 (GUV)
પરંતુ તમે લોકો કઠણ અને હઠાગ્રહી છો. જીવનમાં પરિવર્તન પામવાની વાતને તમે ઘસીને ના પાડી દો છો. આ રીતે, દેવ તમને જે શિક્ષા ફરમાવશે એમાં તમે વધુ ઉમેરો કરતા જાઓ છો. ન્યાયના દિવસે દેવ જ્યારે પોતાનો કોપ પ્રગટ કરશે ત્યારે તમને યોગ્ય શિક્ષા (દંડ) મળશે; અને તે દિવસે દેવના સાચા ન્યાયનો લોકોને અનુભવ થશે.
રોમનોને પત્ર 2 : 6 (GUV)
દરેક વ્યક્તિને તેનાં કાર્યો અનુસાર દેવ તેને યોગ્ય રીતે શિક્ષા કરશે.
રોમનોને પત્ર 2 : 7 (GUV)
કેટલાક લોકો તો જાણે કે દેવના મહિમા માટે જ જીવતા હોય છે. તેઓ પોતાની સારી પ્રતિષ્ઠાનું જતન કરતાં અવિનાશી જીવન જીવી જાય છે. હંમેશા તેઓ સતત સારાં કામો કરવા સારું પોતાનું જીવન જીવતા હોય છે. દેવ એવા લોકોને અનંતજીવન આપશે.
રોમનોને પત્ર 2 : 8 (GUV)
પરંતુ બીજા કેટલાએક લોકો સ્વાર્થી હોય છે અને સત્યનો માર્ગ સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. અનિષ્ટને અનુસરનારા લોકોને દેવનો કોપ અને શિક્ષા વહોરવી પડશે.
રોમનોને પત્ર 2 : 9 (GUV)
સૌ પ્રથમ યહૂદિઓને અને પછી બિન-યહૂદિઓને એમ જે કોઈ વ્યક્તિ ખરાબ કામો કરશે તેને દેવ દુ:ખો અને યાતનાઓ આપશે.
રોમનોને પત્ર 2 : 10 (GUV)
પરંતુ સારાં કામો કરનાર દરેક વ્યક્તિને દેવ મહિમા, માન અને શાંતિ આપશે-ભલે પછી તે યહૂદિ હોય કે બિન-યહૂદિ.
રોમનોને પત્ર 2 : 11 (GUV)
કોઈ પણ જાતના ભેદભાવ વગર એક સમાન ધોરણે દેવ સર્વનો ન્યાય કરે છે.
રોમનોને પત્ર 2 : 12 (GUV)
જે લોકો પાસે મૂસાનું નિયમશાસ્ત્રછે અને એવા લોકો કે જેઓએ નિયમશાસ્ત્ર સાંભળ્યું નથી. તેઓ બધા જ જ્યારે પાપ કરે છે ત્યારે એક સમાન કક્ષાએ આવી જાય છે. જે લોકો પાસે નિયમશાસ્ત્ર નથી અને જે પાપીઓ છે તેઓ નાશ પામશે. અને જે લોકો પાસે નિયમશાસ્ત્ર છે અને તેઓ પાપી છે તેઓનો ન્યાય નિયમથી થશે.
રોમનોને પત્ર 2 : 13 (GUV)
આ નિયમશાસ્ત્ર માત્ર સાંભળી લેવાથી દેવની નજરે ન્યાયી થવાશે નહિ. એ નિયમશાસ્ત્ર પ્રમાણે જે લોકો આજ્ઞા પાળે છે તે દેવની સાથે નિયમ મુજબ ન્યાયી ઠરશે.
રોમનોને પત્ર 2 : 14 (GUV)
બિનયહૂદિ લોકો પાસે નિયમશાસ્ત્ર હોતુ નથી, નિયમશાસ્ત્ર જાણ્યા વગર પણ પોતાની સ્વતંત્ર બુદ્ધિ વડે નિયમ મુજબ તેઓ વર્તે છે. જો કે તેઓને નિયમ મળ્યો નથી છતાં તેઓ તેમની જાત માટે નિયમરૂપ છે.
રોમનોને પત્ર 2 : 15 (GUV)
તેઓ તેમના હૃદયમાં તે બતાવે છે. નિયમની અપેક્ષા મુજબ સાચું શું છે અને ખોટું શું છે તે તેઓના કામ દેખાડી આપે છે. જ્યારે તેઓ ખોટું કરે છે ત્યારે તેમના વિચારો તેમને કહે છે કે તેઓએ ખોટું કર્યુ છે, અને તેઓ ગુનેગારની લાગણી અનુભવે છે. કેટલીક વાર તર્ક બુદ્ધિથી એમને લાગે કે એમણે જે કઈ કર્યુ છે તે યોગ્ય છે ત્યારે તેઓ અપરાધ ભાવનાથી પીડાતા નથી.
રોમનોને પત્ર 2 : 16 (GUV)
જે દિવસે દેવ ન્યાય ચૂકવશે ત્યારે લોકોના હૃદયમાં છુપાયેલી ગુપ્ત વાતો બહાર આવશે. હું જે સુવાર્તાનો ઉપદેશ આપું છું તે કહે છે. દેવ, ખ્રિસ્ત ઈસુ દ્વારા લોકોનો ન્યાય કરશે.
રોમનોને પત્ર 2 : 17 (GUV)
પાઉલ યહૂદિઓને કહે છે: તમારા વિષે શું કહેવું, શું માનવું? તમે તો યહૂદિ હોવાનો દાવો કરો છો. નિયમના આધારે તમે દેવની નજીક હોવાનું અભિમાન ધરાવો છો.
રોમનોને પત્ર 2 : 18 (GUV)
દેવ તમારી પાસે કેવી અપેક્ષા રાખે છે તે તમે સારી રીતે જાણો છો. જે બાબતો અગત્યની છે તે પણ તમે જાણો જ છો કારણ કે નિયમશાસ્ત્રમાં તમે તેવું શીખ્યા છો.
રોમનોને પત્ર 2 : 19 (GUV)
તમે માનો છો કે જે લોકો સાચો માર્ગ જાણતા નથી, તેઓના માર્ગદર્શક તમે છો. જે લોકો અંધકારમાં છે તેમના માટે પ્રકાશરૂપ તમે છો.
રોમનોને પત્ર 2 : 20 (GUV)
તમે એમ ધારો છો કે મૂર્ખ માણસોને સાચો માર્ગ તમે બતાવી શકશો જે લોકોને હજી પણ શીખવાની જરૂર છે તેમના શિક્ષક તમે છો એમ તમે માનો છો. નિયમ શીખવાથી તમે વિચારો છો કે તમે બધું જ જાણો છો અને સર્વ સત્ય તમારી પાસે જ છે.
રોમનોને પત્ર 2 : 21 (GUV)
તમે બીજા લોકોને ઉપદેશ આપો છો, તો પછી તમારી જાતને ઉપદેશ કેમ આપતા નથી? તમે લોકોને કહો છો કે ચોરી ન કરવી, પરંતુ તમે પોતે જ ચોરી કરો છો.
રોમનોને પત્ર 2 : 22 (GUV)
તમો લોકોને કહો છો કે વ્યભિચારનું પાપ ન જ કરવું જોઈએ, પરંતુ તમે પોતે એ પાપના અપરાધી છો. તમે મૂર્તિ-પૂજાને ધિક્કારો છો, પરંતુ મંદિરોને લૂટો છો.
રોમનોને પત્ર 2 : 23 (GUV)
દેવના નિયમશાસ્ત્રનું જ્ઞાન હોવાની તમે બડાશો મારો છો પરંતુ નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને તમે દેવને શરમાવો છો.
રોમનોને પત્ર 2 : 24 (GUV)
શાસ્ત્રોમાં લખેલું છે કે: “તમારા કારણે બિનયયહૂદિઓમાં દેવના નામની નિંદા થાય છે.”
રોમનોને પત્ર 2 : 25 (GUV)
જો તમે નિયમનું પાલન કરતા હોય તો જ સુન્નત કરાવી સાર્થક ગણાય. પરંતુ જો તમે નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતા હશો તો તમે સુન્નત કરાવી જ નથી એમ ગણાશે.
રોમનોને પત્ર 2 : 26 (GUV)
બિનયહૂદિયો સુન્નત કરાવતા નથી. છતાં નિયમો જે માંગે છે, તે પ્રમાણે કરતા હોય તો તેમણે સુન્નત કરાવી છે એમ મનાશે.
રોમનોને પત્ર 2 : 27 (GUV)
યહૂદિ લોકો પાસે તો દેવનું લેખિત નિયમશાસ્ત્ર છે અને તમે તો સુન્નત કરાવી છે. છતાં પણ તમે નિયમનો ભંગ કરતા જ રહો છો. તેથી એવા લોકો કે જેમણે શારીરિક દૃષ્ટિએ સુન્નત કરાવી નથી. છતાં દેવ-આજ્ઞાનું પાલન કરે છે, તેઓનું જીવન એ બતાવે છે તમે લોકો અપરાધી છો.
રોમનોને પત્ર 2 : 28 (GUV)
સાચા યહૂદિ હોવું એ માત્ર સાદી સરળ બાહ્ય નિશાનીઓની બાબત નથી. અને સાચી સુન્નત તો શારીરિક નિશાની કરતાં વધારે છે.
રોમનોને પત્ર 2 : 29 (GUV)
જે વ્યક્તિ પોતાના અંત:કરણમાં યહૂદિ હશે તે જ સાચો યહૂદિ ગણાશે. સાચી સુન્નત તો પવિત્ર આત્માથી કરાવાની હોય છે, લેખિત નિયમ વડે થતી સુન્નત સાચી નથી. અને જ્યારે આત્મા દ્વારા કોઈ વ્યક્તિના હૃદયની સુન્નત થાય છે, ત્યારે લોકો તેની પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમના પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમની પ્રશંસા પ્રાપ્ત થાય છે.
❮
❯