ગીતશાસ્ત્ર 77 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે રચેલું. આસાફનું ગીત. હું ઈશ્વર આગળ મારી વાણી સંભળાવીશ; મારી વાણીથી હું ઈશ્વરને અરજ કરીશ, અને તે મને કાન ધરશે.
ગીતશાસ્ત્ર 77 : 2 (GUV)
મારા દુ:ખને દિવસે મેં પ્રભુને શોધ્યા; રાત્રે થાક ખાધા વગર, મારા હાથ [તેમની આગળ] જોડી રાખેલા હતા; મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી.
ગીતશાસ્ત્ર 77 : 3 (GUV)
હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું પ્રાર્થના કરીને મનન કરું છું, ત્યારે મારો આત્મા મૂર્છિત થાય છે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 77 : 4 (GUV)
તમે મને મારી આંખો મીંચવા દેતા નથી; હું એટલો બધો વ્યાકુળ છું કે મારાથી બોલાતું નથી.
ગીતશાસ્ત્ર 77 : 5 (GUV)
હું આગલા દિવસોનો, પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.
ગીતશાસ્ત્ર 77 : 6 (GUV)
રાતમાં મારું [ગાયેલું] ગીત મને સાંભરે છે; હું મનમાં મનન કરું છું; અને મારા આત્માએ ઘણી શોધ કરતાં [પૂછયું],
ગીતશાસ્ત્ર 77 : 7 (GUV)
“શું પ્રભુ [આપણને] સર્વકાળ તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?
ગીતશાસ્ત્ર 77 : 8 (GUV)
શું તેમની કૃપા સદાને માટે છેક જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?
ગીતશાસ્ત્ર 77 : 9 (GUV)
કૃપાળુ થવાને ઈશ્વર વીસરી ગયા છે? શું કોપ કરીને તેમણે મહેરબાની બંધ કરી છે?” (સેલાહ)
ગીતશાસ્ત્ર 77 : 10 (GUV)
ત્યારે મેં કહ્યું, “આ તો મારી નિર્બળતા છે;” [પરંતુ] પરાત્પરના જમણા હાથનાં વર્ષો [હું સંભારીશ].
ગીતશાસ્ત્ર 77 : 11 (GUV)
હું યહોવાનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તમારા પુરાતન કાળના ચમત્કાર હું સંભારીશ.
ગીતશાસ્ત્ર 77 : 12 (GUV)
વળી હું તમારાં સર્વ કામોનું મનન કરીશ, અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.
ગીતશાસ્ત્ર 77 : 13 (GUV)
હે ઈશ્વર, તમારો માર્ગ પવિત્રસ્થાનમાં છે; ઈશ્વર જેવા મોટા ઈશ્વર કોણ છે?
ગીતશાસ્ત્ર 77 : 14 (GUV)
તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
ગીતશાસ્ત્ર 77 : 15 (GUV)
તમે તમારા બાહુથી પોતાના લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના પુત્રોને છોડાવ્યા છે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 77 : 16 (GUV)
હે ઈશ્વર, પાણીએ તમને જોયા; પાણી તમને જોઈને બીધું; ઊંડાણો પણ ધ્રુજ્યાં.
ગીતશાસ્ત્ર 77 : 17 (GUV)
વાદળોએ પાણી રેડયું; આકાશે ગર્જના કરી; તમારાં બાણ ચોતરફ ઊડ્યાં.
ગીતશાસ્ત્ર 77 : 18 (GUV)
તમારી ગર્જનાનો સાદ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા ડોલી.
ગીતશાસ્ત્ર 77 : 19 (GUV)
તમારો માર્ગ સમુદ્રમાં હતો; તમારી વાટો મહાજળમાં હતી; તમારાં પગલાં જાણવામાં આવ્યાં નહિ.
ગીતશાસ્ત્ર 77 : 20 (GUV)
તમે મૂસા તથા હારુનની મારફતે પોતાના લોકોને ઘેટાંના ટોળાની જેમ દોર્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: