નીતિવચનો 25 : 1 (GUV)
આ પણ સુલેમાનનાં નીતિવચનો છે. જે યહૂદિયાના રાજા હિઝિક્યાના માણસોએ ઉતારી લીધાં હતાં
નીતિવચનો 25 : 2 (GUV)
કોઇ બાબત ગુપ્ત રહે તેમાં દેવનો મહિમા છે, પણ કોઇ બાબત શોધી કાઢવી એમાં રાજાનો ગૌરવ છે.
નીતિવચનો 25 : 3 (GUV)
જેમ આકાશની ઊંચાઇ તથા પૃથ્વીની ઊંડાઇની જેમ રાજાનું મન પણ અગાધ છે.
નીતિવચનો 25 : 4 (GUV)
ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો એટલે રૂપાનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે.
નીતિવચનો 25 : 5 (GUV)
તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો એટલે તેનું સિંહાસન ન્યાયવડે સ્થિર થશે.
નીતિવચનો 25 : 6 (GUV)
રાજાની હાજરીમાં પોતાની બડાઇ ન કરવી. મોટા માણસોની જગાએ ઊભા ન રહેવું.
નીતિવચનો 25 : 7 (GUV)
ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં “આમ આવો” કરીને ઉપર બેસાડે એ વધું સારું છે.
નીતિવચનો 25 : 8 (GUV)
તેં જે જોયું હોય તેને વિશે ન્યાયાલયે દોડી જવામાં ઉતાવળ ન કરીશ, કારણ, જ્યારે તને તારો પડોશી, ખોટો સાબિત કરશે તો તું શું કરીશ?
નીતિવચનો 25 : 9 (GUV)
તારા પડોશી સાથેના વિવાદનું જરૂર તું નિરાકરણ કર, પણ બીજા કોઇની ગુપ્ત વાત ખુલ્લી ન કરતો.
નીતિવચનો 25 : 10 (GUV)
રખેને એ સાંભળી જનાર તારી નિંદા કરે અને તારી કાયમની બદનામી થાય.
નીતિવચનો 25 : 11 (GUV)
પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.
નીતિવચનો 25 : 12 (GUV)
જ્ઞાની વ્યકિતનો ઠપકો કાને ધરનારને માટે સોનાની કડી અને સોનાના ઘરેણાં જેવા છે.
નીતિવચનો 25 : 13 (GUV)
વફાદાર સંદેશાવાહક તેના મોકલનાર માટે ઉનાળામાં બરફ જેવો શીતલ હોય તેના જેવો લાગે છે, તે પોતાના ધણીના આત્માને ફરીથી તાજો કરે છે.
નીતિવચનો 25 : 14 (GUV)
જે એમ કહે છે કે તે ભેટ આપશે, પણ કોડીય આપતો નથી, તે વરસાદ વગરના વાદળ અને વાયુ જેવો છે.
નીતિવચનો 25 : 15 (GUV)
લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીને પણ કદાચ મનાવી શકાય, અને કોમળ જીભ હાંડકાને ભાગે છે.
નીતિવચનો 25 : 16 (GUV)
જો તને મધ મળ્યું હોય, તો જોઇએ તેટલું જ ખા; કારણકે જો તું વધારે પડતું ખાઇશ તો તું વમન કરીશ.
નીતિવચનો 25 : 17 (GUV)
તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.
નીતિવચનો 25 : 18 (GUV)
પોતાના પડોશી વિરૂદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડી, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.
નીતિવચનો 25 : 19 (GUV)
સંકટસમયે ધોખાબાજ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.
નીતિવચનો 25 : 20 (GUV)
ઊદાસ વ્યકિતની આગળ ગીતો ગાવાં તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેવા જેવું છે, અથવા ઘા ઉપર સરકો રેડવા જેવું છે.
નીતિવચનો 25 : 21 (GUV)
જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ખાવા માટે રોટલો આપ. અને તરસ્યો હોય તો પીવા માટે પાણી આપ.
નીતિવચનો 25 : 22 (GUV)
એમ કરવાથી તું તેના માથા ઉપર સળગતો કોલસો મૂકતો હોઇશ. અને યહોવા તને તેનો બદલો આપશે.
નીતિવચનો 25 : 23 (GUV)
ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીખોર જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.
નીતિવચનો 25 : 24 (GUV)
કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં અંદર રહેવાં કરતાં ધાબાના ખૂણામાં વાસ કરવો સારો છે.
નીતિવચનો 25 : 25 (GUV)
દૂર દેશથી આવતા શુભ સમાચાર તરસ્યા ગળા માટે શીતલ પાણી જેવા લાગે છે.
નીતિવચનો 25 : 26 (GUV)
જે સજ્જન માણસ દુષ્ટ માણસની સામે પડે છે તે ડહોળાયેલા ઝરણા કે ઝેર ભરેલા કૂવા જેવો છે.
નીતિવચનો 25 : 27 (GUV)
વધુ પડતું મધ ખાવું સારું નહિ, પોતાની મોટાઇ પોતે ગાવામાં મોટાઇ નથી.
નીતિવચનો 25 : 28 (GUV)
જે વ્યકિત પોતાની જાત પર કાબૂ ધરાવતો નથી તે માણસ કોટ વગરના નગર જેવો છે.
❮
❯