ગણના 22 : 1 (GUV)
પછી ઇસ્રાએલી લોકો આગળ યાત્રા કરીને મોઆબના મેદાનમાં યર્દન નદીને પૂર્વકાંઠે યરીખોની સામે આવ્યા અને ત્યાં પડાવ નાખ્યો.
ગણના 22 : 2 (GUV)
(2-3) અમોરીઓના જે હાલ ઇસ્રાએલીઓએ કર્યા હતા તે મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાકે જોયા, ત્યારે તે અને તેના લોકો ઇસ્રાએલીઓથી થથરી ગયા. એમની બહુ મોટી સંખ્યા જોઈને મોઆવીઓ ભયભીત થઈ ગયા.
ગણના 22 : 4 (GUV)
અને એમણે મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ચરામાંનું ઘાસ ખાઈ જાય છે, તેમ આ ધાડા આપણને ખાઈ જશે.” અને તે સમયે સિપ્પોરનો દીકરો બાલક મોઆબનો રાજા હતો.
ગણના 22 : 5 (GUV)
તેથી રાજા બાલાકે, બયોરના પુત્ર બલામને બોલાવી લાવવા માંટે તેણે તેના માંણસોને મોકલ્યા. તે વખતે બલામ તેના વતનમાં યુફ્રેતિસ નદીને કિનારે પથોરમાં રહેતો હતો; તે તેને આ સંદેશો આપવાના હતા, “મિસરમાંથી સમગ્ર પ્રજા આવી ગઈ છે, તેઓ એટલા બધા છે કે તેઓ સમગ્ર ભૂમિ ઢાંકી દે. તેઓએ માંરી પાસે જ પડાવ નાંખ્યો છે. માંટે તમે આવીને મને મદદ કરો.
ગણના 22 : 6 (GUV)
એ લોકો અમાંરા કરતાં વધારે મજબૂત છે, તેથી કૃપા કરીને તરત આવો અને એ લોકોને શ્રાપ આપો, તો કદાચ હું એ લોકોને હરાવીને દેશમાંથી હાંકી કાઢી શકું, મને ખબર છે કે, તમે જેને આશીર્વાદ આપો છો તેઓની સાથે સારું થાય છે અને તમે જેને શ્રાપ આપો છો તેઓની સાથે ખોટું થાય છે.”
ગણના 22 : 7 (GUV)
તેણે મોઆબના અને મિદ્યાનના ઉચ્ચકક્ષાના આગેવાનોને સંદેશવાહકો તરીકે મોકલ્યા હતા. જદુમંતરની દક્ષિણા સાથે તેઓએ બલામ પાસે આવીને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો.
ગણના 22 : 8 (GUV)
બલામે તેઓને કહ્યું, “આજની રાત તમે અહીં રહો, હું તમને યહોવા કહેશે તે જવાબ આપીશ.” તેથી મોઆબના આગેવાનો બલામ સાથે રાત રહ્યા.
ગણના 22 : 9 (GUV)
તે રાત્રે દેવે બલામ પાસે આવીને પૂછયું, “તારી સાથે આ માંણસો કોણ છે?”
ગણના 22 : 10 (GUV)
બલામે જવાબ આપ્યો, “મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાક પાસેથી તેઓ આવ્યા છે.
ગણના 22 : 11 (GUV)
તેમણે કહેવડાવ્યું છે કે મિસરમાંથી એક પ્રજા માંરી સરહદે આવી પહોંચી છે, તેઓ સંખ્યામાં એટલા બધા છે કે તેઓ સમગ્ર ભૂમિ ઢાંકી દે. કૃપા કરીને આવો અને એ લોકોને શ્રાપ આપો, તો હું એ લોકોને હરાવીને દેશમાંથી હાંકી કાઢી શકુ.”
ગણના 22 : 12 (GUV)
દેવે બલામને કહ્યું, “તારે એમની સાથે જવાનું નથી કે તે લોકોને શ્રાપ આપવાનો નથી, કારણ કે મેં તેઓને આશીર્વાદ આપેલા છે.”
ગણના 22 : 13 (GUV)
તેથી બલામે બીજી સવારે વહેલા ઊઠીને બાલાકના કર્મચારીઓને કહ્યું, “તમે તમાંરા દેશમાં પાછા જાઓ, કારણ કે, યહોવાએ મને તમાંરી સાથે આવવાની ના પાડી છે.”
ગણના 22 : 14 (GUV)
તેથી મોઆબના આગેવાનોએ ત્યાંથી નીકળીને પાછા બાલાક પાસે જઈને તેને કહ્યું, “બલામે અમાંરી સાથે આવવાની ના પાડી છે.”
ગણના 22 : 15 (GUV)
બાલાકે ફરીથી પ્રયત્ન કર્યો, અને પહેલાં કરતાં સંખ્યામાં વધારે અને વધારે પ્રતિષ્ઠિત આગેવાનોને મોકલ્યા.
ગણના 22 : 16 (GUV)
એટલે તેમણે બલામ પાસે આવીને જણાવ્યું, “સિપ્પોરના પુત્ર બાલાકે આ મુજબ સેદેશો મોકલ્યો છે. કૃપા કરીને તમે માંરી પાસે જલદી આવી પહોંચવામાં કોઈ અવરોધ ઊભો થવા દેશો નહિ.
ગણના 22 : 17 (GUV)
હું તમને ભારે મોટો બદલો આપીશ અને તમે જે કહેશો તે હું કરીશ, માંટે જરૂર આવશો અને આ લોકોને શ્રાપ આપશો.”
ગણના 22 : 18 (GUV)
બલામે બાલાકના માંણસોને જવાબ આપ્યો, “જો તે મને તેના મહેલમાંનું તમાંમ સોનું અને ચાંદી આપે તોયે હું નાની કે મોટી કોઈ પણ બાબતમાં માંરા દેવ યહોવાની આજ્ઞા વિરુદ્ધ કંઈ કરી શકું તેમ નથી.
ગણના 22 : 19 (GUV)
એટલે આજની રાત પેલા લોકોની જેમ તમે પણ રોકાઈ જાઓ એટલે યહોવાએ પહેલાં જે કહ્યું હતું તે કરતાં કંઈક વિશેષ કહેવું હોય તો તે હું જાણી શકું.”
ગણના 22 : 20 (GUV)
રાત્રી દરમ્યાન દેવે આવીને બલામને કહ્યું, “જો આ લોકો તને બોલાવવા આવ્યા હોય, તો તું ઝટ ઊઠીને તેમની સાથે જા, પણ હું તને કહું એટલું જ તું કરજે, અને તેનું ધ્યાન રાખજે.”
ગણના 22 : 21 (GUV)
આથી બલામ બીજી સવારે પોતાની ગધેડી ઉપર જીન બાંધીને મોઆબના આગેવાનો સાથે ગયો.
ગણના 22 : 22 (GUV)
પરંતુ બલામ તેઓની સાથે ગયો તેથી દેવને તેના પર રોષ ચઢયો, જ્યારે બલામ પોતાના બે નોકરો સાથે ગધેડી પર સવાર થઈને જતો હતો ત્યારે તેને રોકવા માંટે તેના રસ્તામાં યહોવાનો દૂત ઊભો રહ્યો.
ગણના 22 : 23 (GUV)
અચાનક રસ્તાની વચ્ચે તરવાર ખેચીને ઊભેલા યહોવાના દૂતને ગધેડીએ જોયો, તેથી ગધેડીએ પોતાનો રસ્તો બદલ્યો અને ખેતરમાં વળી ગઈ. બલામ તેને માંરીને ફરી રસ્તા પર લઈ આવ્યો.
ગણના 22 : 24 (GUV)
પછી યહોવાનો દૂત એક નાળિયા આગળ જઈને ઊભો રહ્યો, જેની બંને બાજુએ પથ્થરોની વાડ કરેલી દ્રાક્ષની વાડીઓ આવેલી હતી.
ગણના 22 : 25 (GUV)
યહોવાના દૂતને જોતા ગધેડી એક તરફ પથ્થરની વાડની નજીક ચાલવા લાગી અને બલામનો પગ દિવાલમાં ચગદાયો, તેથી તેણે ગધેડીને ફરી માંરી.
ગણના 22 : 26 (GUV)
ત્યાંથી આગળ જઈને યહોવાનો દૂત એક એવી સાંકડી જગ્યાએ ઊભો રહ્યો કે, જયાંથી ગધેડી આમતેમ ડાબીજમણી બાજુએ ફંટાઈ શકે નહિ.
ગણના 22 : 27 (GUV)
યહોવાના દૂતને જોઈ તે બલામ સાથે જમીન પર બેસી પડી, તેથી બલામ એકદમ ગુસ્સે થઈ ગયો અને તેણે ગધેડીને ફરીથી લાકડીએ લાકડીએ માંરી.
ગણના 22 : 28 (GUV)
પછી યહોવાએ ગધેડીને વાચા આપી. તેણે બલામને કહ્યું, “મેં તારું શું બગાડયું છે? તેં મને ત્રણ વખત શા માંટે માંરી?”
ગણના 22 : 29 (GUV)
બલામે મોટા સાદે જવાબ આપ્યો, “કારણ કે તું માંરી ફજેતી કરે છે, અત્યારે જો માંરી પાસે તરવાર હોત તો મેં તને અત્યારે જ કાપી નાખી હોત.”
ગણના 22 : 30 (GUV)
ગધેડીએ બલામને પૂછયું, “જો હું કંઈ તારાથી અજાણી છું? તેં આખુ જીવન તો માંરા પર સવારી કરી છે. માંરા સમગ્ર જીવનમાં મેં પહેલા કદી આવું કર્યુ છે ખરું?”બલામે કહ્યું, “ના, કદાપી નહિ.”
ગણના 22 : 31 (GUV)
પછી યહોવાએ બલામની આંખો ખોલી, અને તેણે યહોવાના દૂતને રસ્તાની વચ્ચે ઉઘાડી તરવાર લઈને ઊભેલો જોયો અને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા.
ગણના 22 : 32 (GUV)
યહોવાના દૂતે તેને કહ્યું, “તેં આ ગધેડીને ત્રણ વખત શા માંટે માંરી! તને અટકાવવા માંટે હું જાતે રસ્તામાં આવીને ઊભો હતો. કારણ કે મને તું જાય એ ગમતું નહોતું.
ગણના 22 : 33 (GUV)
ગધેડીએ મને જોયો એટલે એ ત્રણ વાર બાજુએ ખસી ગઈ. જો એ ખસી ગઈ ના હોત તો મેં તને માંરી નાખ્યો હોત, અને ગધેડીનો બચાવ કર્યો હોત.”
ગણના 22 : 34 (GUV)
પછી બલામે યહોવાના દૂતને કહ્યું, “મેં પાપ કર્યુ છે. માંરી ભૂલ થઈ ગઈ છે, મને ખબર નહોતી કે, તમે માંરા માંર્ગમાં આડા ઊભા છો, તમાંરી ઈચ્છા હું ત્યાં ન જાઉં તેવી હોય તો હું પાછો ઘેર જઈશ.”
ગણના 22 : 35 (GUV)
યહોવાના દૂતે બલામને જણાવ્યું, “તું આ લોકો સાથે જા, પણ હું જેટલું કહું તેટલાં શબ્દો જ કહેજે.” આથી બલામ બાલાકના માંણસો સાથે ગયો.
ગણના 22 : 36 (GUV)
રાજા બાલાકે જયારે સાંભળ્યું કે બલામ આવી રહ્યો છે, ત્યારે તે પાટનગર છોડીને તેને મળવા માંટે મોઆબની સરહદ પર આર્નોન પાસે આવેલા આર સુધી ગયો,
ગણના 22 : 37 (GUV)
તેણે બલામને પૂછયું, “મે તમને બોલાવવા માંણસો ન્હોતા મોકલ્યા? તમે આટલો બધો વિલંબ શા માંટે કર્યો? તમને શું એમ લાગ્યું હતું કે હું તમને બદલો નહિ આપી શકું?”
ગણના 22 : 38 (GUV)
એટલે બલામે બાલાકને કહ્યું, “હું અહીં આવ્યો છું તે તું જુએ છે, શું તું એમ માંને છે કે હું ધારું તે કરી શકું છું? હું તો દેવ મને જે બોલાવે છે તે જ બોલું છું.”
ગણના 22 : 39 (GUV)
પછી બલામ બાલાક સાથે કિર્યાથ-હુસોથ ગયો.
ગણના 22 : 40 (GUV)
બાલાકે તે જગ્યાએ બળદો અને ઘેટાનો યજ્ઞ ચઢાવ્યો તથા બલામ અને તેની સાથેના આગેવાનોને તેઓનાં બલિદાનો માંટે પ્રાણીઓ આપ્યાં.
ગણના 22 : 41 (GUV)
બીજે દિવસે સવારે બાલાક બલામને બામોથ-બાલ ઉપર લઈ ગયો. ત્યાંથી તેઓ ઇસ્રાએલી પડાવનો એક ભાગ જોઈ શકતા હતા.
❮
❯