લૂક 13 : 1 (GUV)
તે સમયે ત્યાં ઈસુ સાથે ક્ટલાએક લોકો હતા. તે લોકોએ ગાલીલમાં કેટલાએક લોકો સાથે જે કંઈ બન્યું તે વિષે ઈસુને કહ્યું. જ્યારે તેઓ સ્તુતિ કરતા હતા ત્યારે પિલાતે એ લોકોને મારી નાખ્યા. પિલાતે દેવને જે યજ્ઞો થતાં પશુઓનાં લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું.
લૂક 13 : 2 (GUV)
ઈસુએ ઉત્તર આપ્યો, “તેઓ પર વિપત્તિઓ આવી પડી કારણ કે તેઓ ગાલીલના બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા તેથી તે લોકોએ સહન કર્યુ એમ તમે ધારો છો શું?
લૂક 13 : 3 (GUV)
ના, તેઓ નહોતા! પણ જો તમે બધા પસ્તાવો નહિ કરો તો તમે પણ પેલા લોકોની જેમ નાશ પામશો!
લૂક 13 : 4 (GUV)
પણ પેલા 18 લોકોનું શું? જ્યારે શિલોઆહનો બૂરજ તેમના પર તૂટી પડવાથી જેઓ માર્યા ગયા? શું તમે એમ માનો છો કે એ લોકો યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા?
લૂક 13 : 5 (GUV)
તેઓ નહોતા! પણ હું તમને કહું છું, જો તમે પસ્તાવો નહિ કરો તો તેમની જેમ તમે બધા પણ નાશ પામશો.”
લૂક 13 : 6 (GUV)
ઈસુએ આ વાર્તા કહી: “એક માણસ પાસે એક અંજીરનું ઝાડ હતું. તેણે તે ઝાડ તેની વાડીમાં રોપ્યું. તે માણસ પેલા અંજીરના વૃક્ષ પર કેટલાંક ફળની શોધમાં ત્યાં આવ્યો. પણ એકે જડ્યું નહિ.
લૂક 13 : 7 (GUV)
ત માણસનો એક માળી હતો. જે તેની વાડીની સંભાળ રાખતો હતો. તેથી તે માણસે તેના માળીને કહ્યું; ‘હું આ અંજીરના વૃક્ષ પર ફળ માટે છેલ્લા ત્રણ વર્ષથી રાહ જોઉં છું પણ કદીએ મને એકે મળ્યું નથી. તેને કાપી નાખો! તે શા માટે નકામી જમીન રોકે છે?
લૂક 13 : 8 (GUV)
પણ માળીએ ઉત્તર આપ્યો, સાહેબ વૃક્ષને ફળ આવવા માટે એક વર્ષ વધારે રહેવા દો. મને તેની આજુબાજુ ખોદવા દો અને છોડને ખાતર નાખવા દો.
લૂક 13 : 9 (GUV)
બીજે વર્ષે વૃક્ષ કદાચ ફળ આપે, અને જો તેમ છતાં વૃક્ષ ફળ નહિ આપે તો તું તેને કાપી નાંખજે.”‘
લૂક 13 : 10 (GUV)
ઈસુ એક સભાસ્થાનમાં વિશ્રામવારે ઉપદેશ આપતો હતો.
લૂક 13 : 11 (GUV)
સભાસ્થાનમાં એક સ્ત્રી હતી, જેનામાં મંદવાડનો આત્મા હતો. આ મંદવાડના આત્માએ તેને 18 વરસથી કુબડી બનાવી હતી. તેની પીઠ હંમેશા વાંકી રહેતી. તે સીધી ઊભી થઈ શકતી નહિ.
લૂક 13 : 12 (GUV)
જ્યારે ઈસુએ તેને જોઈ, તેને બોલાવી; બાઇ, તારો મંદવાડ તારી પાસેથી દૂર જતો રહ્યો છે!
લૂક 13 : 13 (GUV)
ઈસુએ તેના પર હાથ મૂક્યા પછી તે સીધી ઊભી થઈ શકી. તેણે દેવની સ્તુતિ કરી.
લૂક 13 : 14 (GUV)
સભાસ્થાનના આગેવાનો ગુસ્સે થયા કારણ કે વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી. આગેવાને લોકોને કહ્યું, “કામ કરવાના દિવસ 6 છે. તેથી તે દિવસોમાં કોઈ પણ દિવસે આવીને સાજા થાઓ. વિશ્રામવારના દિવસે સાજા થવા આવવું નહિ.”
લૂક 13 : 15 (GUV)
પ્રભુએ ઉત્તર આપ્યો, “તમે લોકો ઢોંગી છો! તમારામાંનો દરેક તેના બળદ તથા ગધેડાને તેના તબેલામાંથી છોડે છે અને દરરોજ પાણી પીવડાવવા માટે લઈ જાય છે-વિશ્રામવારે પણ!
લૂક 13 : 16 (GUV)
આ સ્ત્રી જેને મેં સાજી કરી છે તે આપણી યહૂદિ બહેન છે. પરંતુ શેતાને તેને 18 વરસથી બાંધી રાખી હતી. ખરેખર, વિશ્રામવારે તેને મંદવાડમાંથી મુક્ત કરવી તે ખોટું નથી!”
લૂક 13 : 17 (GUV)
જ્યારે ઈસુએ આમ કહ્યું ત્યારે જે બધા માણસો તેની ટીકા કરતાં હતા તેઓ શરમાયા અને ઈસુ જે અદભૂત કામો કરતોં હતો તેથી બધાં જ ખુશ થયા.
લૂક 13 : 18 (GUV)
પછી ઈસુએ કહ્યું કે, “દેવનું રાજ્ય શાના જેવું છે? હું તેને શાની સાથે સરખાવું?
લૂક 13 : 19 (GUV)
દેવનું રાજ્ય રાઇના બી જેવું છે. જેને એક માણસે આ બી લઈને પોતાની વાડીમાં વાવ્યું. તે બી ઊગ્યું અને મોટું ઝાડ થયું. પક્ષીઓએ તેની ડાળીઓ પર માળાઓ બાંધ્યા.”
લૂક 13 : 20 (GUV)
ઈસુએ ફરી કહ્યું, “હું દેવના રાજ્યને શાની સાથે સરખાવું?
લૂક 13 : 21 (GUV)
તે ખમીર જેવું છે જેને સ્ત્રી રોટલી બનાવવા માટે લોટના મોટા વાસણમાં ભેળવે છે. ખમીર બધા લોટને ફુલાવે છે.”
લૂક 13 : 22 (GUV)
ઈસુ દરેક શહેર અને ગામડામાં બોધ કરતો હતો. તેણે યરૂશાલેમ તરફથી યાત્રા ચાલુ રાખી.
લૂક 13 : 23 (GUV)
કોઈકે ઈસુને પૂછયું, “પ્રભુ! કેટલા લોકોનું તારણ થશે? ફક્ત થોડાક?”ઈસુએ કહ્યું,
લૂક 13 : 24 (GUV)
“સાંકડો દરવાજો જે આકાશના માર્ગને ઉઘાડે છે તેમાં પ્રવેશવા સખત પ્રયત્ન કરો. ઘણા માણસો તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે, પણ તેઓ પ્રવેશ પામી શકશે નહિ.
લૂક 13 : 25 (GUV)
જો માણસો તેના મકાનના બારણાને તાળું મારે તો પછી તમે બહાર ઊભા રહી શકો અને બારણાંને ટકોરા મારો, છતાં તે ઉઘાડશે નહિ. તમે કહેશો કે, ‘પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો! પણ તે માણસ ઉત્તર આપશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો?’
લૂક 13 : 26 (GUV)
પછી તમે કહેશો, ‘અમે તારી સાથે ખાધું અને પીધું. તમે અમને અમારા શહેરની શેરીઓમાં ઉપદેશ આપ્યો.’
લૂક 13 : 27 (GUV)
પછી તે તમને કહેશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો? મારી પાસેથી ચાલ્યા જાઓ! તમે બધાજ લોકો ખોટું કરો છો!’
લૂક 13 : 28 (GUV)
“તમે લોકો ઈબ્રાહિમ, ઇસહાક, યાકૂબ અને બધા પ્રબોધકોને દેવના રાજ્યમાં જોશો અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, ત્યારે તમે ભયથી રડશો અને દાંત પીસશો.
લૂક 13 : 29 (GUV)
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાંથી લોકો આવશે. તેઓ દેવના રાજ્યમાં મેજ પાસે બેસશે.
લૂક 13 : 30 (GUV)
જે લોકો હમણા જીવનમાં નીચામાં નીચી જગ્યાએ છે તે લોકો દેવના રાજ્યમાં ઊંચામાં ઊચી જગ્યાએ હશે. અને જે લોકો હમણા ઊચામાં ઊચી જગ્યાઓ છે તેઓ હવે દેવના રાજ્યમાં નીચામાં નીચી જગ્યાએ હશે.”(માથ્થી 23:27-39)
લૂક 13 : 31 (GUV)
તે સમયે કેટલાએક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને કહ્યું, “અહીંથી દૂર ચાલ્યો જા, અને છુપાઇ જા. હેરોદ તને મારી નાખવા ચાહે છે!”
લૂક 13 : 32 (GUV)
ઈસુએ તેઓને કહ્યું, “જાઓ, જઇને તે શિયાળવાને કહો આજે અને આવતીકાલે હું લોકોમાંથી અશુદ્ધ આત્મા બહાર કાઢું છું અને સાજા કરવાનું મારું કામ પૂરું કરી રહ્યો છું. પછી બીજે દિવસે કામ પૂરું થઈ જશે.
લૂક 13 : 33 (GUV)
તે પછી મારે જવું જોઈએ, કારણ કે બધા પ્રબોધકોએ યરૂશાલેમમાં મરવું પડે.
લૂક 13 : 34 (GUV)
“ઓ યરૂશાલેમ! યરૂશાલેમ! તું પ્રબોધકોને મારી નાખે છે. દેવે તારી પાસે મોકલેલા લોકોને નેં પથ્થરે માર્યા. ઘણી વાર મેં તારાં લોકોને મદદ કરવાની ઈચ્છા કરી. જેમ મરઘી પોતાનાં બચ્ચાઓને પાંખો તળે ભેગાં કરે છે તેમ કેટલી વાર તારાં લોકોને ભેગા કરવાની ઇચ્ચા કરી, પણ તમે મને કરવા દીધું નહિ.
લૂક 13 : 35 (GUV)
હવે તમારું ઘર સંપૂર્ણ ઉજ્જડ મૂકવામાં આવશે. હું તમને કહું છું કે, પ્રભુનાં નામે જે આવે છે તેને ધન્ય છે, એમ તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી જોઈ શકશો નહિ.”
❮
❯