યશાયા 55 : 1 (GUV)
“હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો; વેચાતું લો, અને ખાઓ. વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતાં લો.
યશાયા 55 : 2 (GUV)
જે ખોરાક નથી તેને માટે નાણું શા માટે ખરચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ [શા માટે ખરચી નાખો છો?] કાન દઈને મારું સાંભળો, અને સારું જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે.
યશાયા 55 : 3 (GUV)
કાન દો, મારી પાસે આવો; સાંભળો, એટલે તમારો આત્મા જીવશે! અને દાઉદ પર [કરેલી] કૃપા જેમ નિશ્ચલ છે તે પ્રમાણે હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ.
યશાયા 55 : 4 (GUV)
મેં તેને લોકોને માટે સાક્ષી, તેઓને માટે સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે.
યશાયા 55 : 5 (GUV)
જો, જે પ્રજાને તું જાણતો નથી તેને તું બોલાવીશ, ને જે પ્રજા તને જાણતી નહોતી તે તારા ઈશ્વર યહોવાને લીધે તારી પાસે દોડી આવશે, તે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને લીધે [આવશે]; કારણ કે તેણે તને પ્રતાપી કર્યો છે.
યશાયા 55 : 6 (GUV)
યહોવા મળે છે એટલામાં તેમને શોધો, તે પાસે છે એટલામાં તેમને હાંક મારો.
યશાયા 55 : 7 (GUV)
દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, ને આધર્મી માણસ પોતાના વિચારો તજી દે; અને યહોવા પાસે તે પાછો આવે, તો તે તેના પર કૃપા કરશે; અને આપણા ઈશ્વરની પાસે [આવે], કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.
યશાયા 55 : 8 (GUV)
કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવા કહે છે.
યશાયા 55 : 9 (GUV)
“જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.
યશાયા 55 : 10 (GUV)
જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે, અને ભૂમિને સિંચ્યા વિના, ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછાં ફરતાં નથી;
યશાયા 55 : 11 (GUV)
તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે [સફળ] થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું, તેમાં સફળ થયા વિના, તે ફોગટ મારી પાસે પાછું વળશે નહિ.
યશાયા 55 : 12 (GUV)
તમે આનંદસહિત નીકળી જશો, ને શાંતિથી તમને બહાર લઈ જવામાં આવશે; તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે. અને ખેતરોનાં સર્વ ઝાડ તાળી પાડશે.
યશાયા 55 : 13 (GUV)
કાંટાના ઝાડને સ્થાને દેવદાર, અને રાની ગુલાબને સ્થાને મેંદી ઊગશે. તે યહોવાની નામના તરીકે, કદી નાશ પામશે નહિ એવું અનંતકાળ માટેનું સ્મારક થશે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: