યશાયા 34 : 1 (GUV)
ઓ પૃથ્વી પરની સર્વ પ્રજાના લોકો, અહીં આવો અને સાંભળો; સમગ્ર પૃથ્વી અને તેમાં વસતાં સૌ કોઇ, સાંભળો!
યશાયા 34 : 2 (GUV)
કારણ કે યહોવા સર્વ પ્રજાઓ અને તેમની સેનાઓ પર રોષે ભરાયો છે, અને તેણે તેમનો સંપૂર્ણ નાશ કરવાનો નિર્ધાર કર્યો છે.
યશાયા 34 : 3 (GUV)
તેમના હત્યા થયેલાંઓનાં શબોને રઝડતાં મૂકી દેવામાં આવશે, અને તે ગંધાઇ ઊઠશે પછી પર્વતો પરથી તેઓનું રકત વહેશે અને ઓગળી જશે.
યશાયા 34 : 4 (GUV)
આકાશના બધાં નક્ષત્રો અલોપ થઇ જશે, આકાશ ઓળિયાની જેમ સંકેલાઇ જશે, અને બધાં તારામંડળ દ્રાક્ષનાવેલા પરથી પાંદડા ખરે તેમ ખરી પડશે.
યશાયા 34 : 5 (GUV)
“યહોવાની તરવાર આકાશમાં ઝઝૂમી રહી છે, જુઓ, હવે એ તરવાર યહોવાએ જેમનો નાશ કરવાનો નિર્ધાર કર્યો છે તે અદોમના લોકો પર ઊતરે છે.
યશાયા 34 : 6 (GUV)
યહોવાની તરવાર લોહીથી તરબતર અને ચરબીથી લથબથ જાણે ઘેટાં-બકરાંના બલિના લોહીથી તરબતર અને તેમની ચરબીથી લથબથ થઇ જશે. કારણ, યહોવાએ પાટનગર બોસ્રાહમાં યજ્ઞ માંડ્યો છે અને અદોમમાં ભારે હત્યા શરૂ કરી છે.
યશાયા 34 : 7 (GUV)
જંગલી ગોધાઓ અને વાછરડાંઓની જેમ મહા બળવાનોનો નાશ થશે. યુવાનો-પ્રૌઢોનો પણ નાશ થશે. તેઓની ભૂમિ લોહીથી તરબોળ થશે અને તેની ધૂળ ચરબીથી ફળદ્રુપ થશે.
યશાયા 34 : 8 (GUV)
કારણ કે, તે યહોવાનો વૈર વાળવાનો દિવસ હશે, સિયોનના શત્રુઓ પર બદલો લેવાનું વર્ષ હશે.
યશાયા 34 : 9 (GUV)
અદોમની નદીઓ સળગતાં કોલસા અને ડામરથી ભરાઇ જશે. અને તેની માટી ગંધકની થઇ જશે; અને તેની ભૂમિ બળતા ડામરમાં ફેરવાઇ જશે.
યશાયા 34 : 10 (GUV)
અદોમના આ ન્યાયકાળનો કદી અંત આવશે નહિ. તેનો ધુમાડો સદા ઉપર ચઢયા કરશે. તેની ભૂમિ પેઢી દર પેઢી અરણ્ય જેવી પડી રહેશે; અને કોઇ પણ તેમાં નિવાસ કરશે નહિ.
યશાયા 34 : 11 (GUV)
પણ ત્યાં ગીધ અને ઘુવડનો વાસ થશે. યહોવા તેને ખેદાન-મેદાન અને વેરાન બનાવી દેશે.
યશાયા 34 : 12 (GUV)
તે જગા ‘ખાલીપણાની ભૂમિ’ કહેવાશે અને તેના રાજા તથા અધિકારીઓ થોડા જ સમયમાં નાશ પામશે.
યશાયા 34 : 13 (GUV)
તેના રાજમહેલમાં અને એના કિલ્લાઓ ઉપર કાંટા અને ઝાંખરા ઊગી નીકળશે. ત્યાં શિયાળવાની બોડ હશે અને ત્યાં શાહમૃગનો વાસ થશે.
યશાયા 34 : 14 (GUV)
ત્યાં રાની બિલાડીઓ અને વરુઓ ભેગા થશે અને જંગલી બકરીઓ એકબીજાને પોકારશે; અને ત્યાં નિશાચર પ્રાણી આરામ કરવા આવી ભરાશે.
યશાયા 34 : 15 (GUV)
ઘુવડો ત્યાં માળો બાંધશે. ઇંડા મૂકશે અને સેવીને બચ્ચાં જન્મતા તેમને પોતાની પાંખોમાં ભેગા કરશે. ત્યાં એક પછી એક સમડીઓ ભેગી થશે.
યશાયા 34 : 16 (GUV)
યહોવાના ગ્રંથમાં શોધીને વાંચો; અને યહોવા જે કરવાના છે તે જુઓ. તેમાંની એકપણ વિગત તે બાકી રાખશે નહિ, તેમાનું એક પણ પ્રાણી પોતાના સાથી વગરનું ખબર પડશે નહિ, કારણ કે યહોવા આ પ્રમાણે બોલ્યા છે અને તેમનો આત્મા તે સર્વને સત્ય પુરવાર કરશે.
યશાયા 34 : 17 (GUV)
તેમણે દરેકનો ભાગ ચિઠ્ઠી નાખીને નક્કી કરી આપ્યો છે, તેણે પોતાને હાથે દોરી માપીને તેમને ભૂમિનો ભાગ વહેંચી આપ્યો છે, તેઓ સદાસર્વદા એ ભોગવશે અને પેઢી દર પેઢી તેમાં નિવાસ કરશે.
❮
❯