યશાયા 30 : 1 (GUV)
યહોવા કહે છે કે, “બંડ કરનારા મારા બાળકોને અફસોસ! તેઓ યોજનાઓ ઘડે છે છતાં તે મારી યોજના નથી; તેઓ સંધિઓ કરે છે પણ તે મારા માન્ય કરેલી નથી. તેઓ પાપ ઉપર પાપ ઉમેરવા સારુ પેયાર્પણ રેડે છે, પણ તેઓ મારા આત્માને અનુસરતા નથી;
યશાયા 30 : 2 (GUV)
તેઓ મને પૂછયાં વિના મિસરની છાયામાં શરણું લેવા તેના રાજા ફારુનના રક્ષણમાં આશ્રય લેવા મિસર જવા નીકળી પડ્યા છે!
યશાયા 30 : 3 (GUV)
“પણ ફારુનનો આશ્રય લેવા જતાં તેમની માત્ર ફજેતી જ થશે, અને મિસરની છાયામાં શરણું લેવાથી માનહાની જ થશે.
યશાયા 30 : 4 (GUV)
જો કે તેના અમલદારો સોઆનથી લઇને હાનેસ સુધી મુસાફરી કરે છે.
યશાયા 30 : 5 (GUV)
પણ તેઓ કઇ કામના નથી, જેઓ તેમના પર આધાર રાખે છે તેને તેમના તરફથી માત્ર અપમાન અને અપયશ જ મળશે, મદદ નહિ.”
યશાયા 30 : 6 (GUV)
દક્ષિણનાં રણનાં પશુઓને લગતી દેવવાણી: “એ એલચીઓ હાડમારી અને કષ્ટોભર્યા પ્રદેશમાં થઇને, જ્યાં સિંહો વસે છે, ઝેરી નાગ અને ઊડતા સાપ વસે છે, તેમાં થઇને ગધેડાં અને ઊંટો પર લાદીને મિસરની પ્રજા માટે ભેટસોગાદો લઇ જાય છે.
યશાયા 30 : 7 (GUV)
પણ તે પ્રજાથી એમને કશો લાભ થાય એમ નથી. કારણ, મિસરની સહાય મિથ્યા છે, તેની કશી વિસાત નથી; અને માટે જ મેં મિસરનું નામ “દૈવત વગરનો દૈત્ય” પાડ્યું છે.
યશાયા 30 : 8 (GUV)
યહોવાએ મને કહ્યું, “હવે ચાલુ તું જઇને લોકોના દેખતાં એક તકતી પર લખી નાખ, અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી ભવિષ્યમાં સદાને માટે એ સાક્ષી તરીકે કામ આવે,
યશાયા 30 : 9 (GUV)
કારણ કે તેઓ બળવાખોર લોકો અને બેવફા બાળકો છે. તેઓ યહોવાના શિક્ષણને સાંભળતા નથી.”
યશાયા 30 : 10 (GUV)
તેઓ દષ્ટાઓને કહે છે, “જોશો નહિ.” પ્રબોધકોને કહે છે, “અમને સત્ય સંભળાવશો નહિ, અમને મીઠી મીઠી વાતો અને ભ્રામક દર્શનો વિષે કહેજો.
યશાયા 30 : 11 (GUV)
રસ્તો છોડો, અમારા માર્ગમાંથી ખસી જાઓ, ઇસ્રાએલના પરમપવિત્ર દેવની વાત અમારી આગળ ન કરશો.”
યશાયા 30 : 12 (GUV)
આથી ઇસ્રાએલના પરમ પવિત્ર દેવ પ્રત્યુત્તર આપે છે: “તમે આ ચેતવણીની ઉપેક્ષા કરો છો, અને અન્યાયમાં અને છળકપટમાં માનો છો અને એના પર જ આધાર રાખો છો,
યશાયા 30 : 13 (GUV)
એટલે જેમ ભીંતમાં પહોળી ફાટ પડે છે અને તે તૂટી પડે છે અને થોડી ક્ષણોમાં જ કકડભૂસ નીચે પડે છે, તેમ તમારા પર અચાનક વિનાશ આવી પડશે.
યશાયા 30 : 14 (GUV)
જેમ કોઇ ઘડાને જોરથી ફટકો મારે અને તેના ઝીણા ઝીણા ટુકડા થઇ જાય અને તેમાં એક પણ ટૂકડો એવો ન રહે, જેના વડે ચૂલામાંથી અંગારો અથવા ટાંકામાંથી પાણી લઇ શકાય, એવી તમારી દશા થશે.”
યશાયા 30 : 15 (GUV)
કારણ કે પ્રભુ યહોવા ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે કે, “કેવળ મારી તરફ પાછા ફરીને અને મારી વાટ જોઇને તમે બચાવ પામી શકશો. શાંત રહેવામાં અને ભરોસો રાખવામાં તમારું સાર્મથ્ય રહેલું છે.” પરંતુ તમારામાં આમાનું કશું નથી.
યશાયા 30 : 16 (GUV)
એટલે તમે કહ્યું, “ના, અમે તો ઘોડા પર બેસીને ભાગી જઇશું.” એટલે હવે તમારે ભાગવું પડશે. તમે કહ્યું, “અમે તો પવનવેગી ઘોડા પર ભાગી જઇશું.” એટલે હવે તમારો પીછો પકડનારાઓ પવનવેગે તમારો પીછો પકડશે.
યશાયા 30 : 17 (GUV)
તેઓમાંનો એક તમારા એક હજારને ભગાડી મૂકશે! તેઓમાંના પાંચ તમને એવી રીતે વિખેરી નાંખશે કે તમારામાંથી કોઇ બે વ્યકિતઓ ભેગી નહિ રહે. તમે દૂરના પર્વતોની ટોચ પરના એકલા ધ્વજદંડની જેમ મૂઠીભર બાકી રહેશો.
યશાયા 30 : 18 (GUV)
તેમ છતાં યહોવા તમારા પર કૃપા કરવાની રાહ જોઇ રહ્યો છે, તમારા પર દયા કરવાને તલપી રહ્યો છે; કારણ કે યહોવા તો ન્યાયનો દેવ છે, તેને ભરોસે રહેનાર સર્વ આશીર્વાદિત છે.
યશાયા 30 : 19 (GUV)
હે યરૂશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, હવે ફરી તમારે રડવું નહિ પડે. તમારો પોકાર કાને પડતાં યહોવા જરૂર તમારા પર કૃપા કરશે. સાંભળતા જ જવાબ આપશે.
યશાયા 30 : 20 (GUV)
યહોવા તમને સંકટરૂપી રોટલી અને વિપત્તિરૂપી પાણી આપે છે, તોપણ તમને શિક્ષણ આપવા તે તમારી સાથે રહેશે. તમે તમારી પોતાની આંખોથી તમારા શિક્ષકને જોશો.
યશાયા 30 : 21 (GUV)
જ્યારે તમે આડાઅવળા જશો કે તરત જ પાછળથી એવી વાણી તમને સંભળાશે કે, “આ રહ્યો તમારો માર્ગ, તેના પર તમે ચાલો.”
યશાયા 30 : 22 (GUV)
જ્યારે તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાથી રસેલી મૂર્તિઓને અપવિત્ર માનીને ઉકરડાની જેમ ફેંકી દેશો અને કહેશો, અહીંથી દૂર થા.
યશાયા 30 : 23 (GUV)
તમે જમીનમાં બી વાવશો, તેને માટે યહોવા વરસાદ મોકલશે અને જમીન પુષ્કળ પાક આપશે; તથા તમારાં ઢોરઢાંખરાં માટે ભરપૂર ચારો મળશે.
યશાયા 30 : 24 (GUV)
અને તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરાઓમાં ચરશે, અને જમીનને ખેડનાર બળદો અને ગધેડાં પણ સારું સારું ખાણ ખાવા પામશે.
યશાયા 30 : 25 (GUV)
શત્રુઓની હત્યાને દિવસે, જ્યારે તેમના બુરજો જમીન પર ઢળી પડતા હશે ત્યારે દરેક પર્વત અને દરેક ટેકરી પર પાણીનાં ઝરણાં વહેતાં હશે.
યશાયા 30 : 26 (GUV)
જે દિવસે યહોવા પોતાના લોકોના ઘા જે તેણે તેના લોકો પર કર્યા હતાં, તેને રૂઝવી દેશે, તે દિવસે ચંદ્રનો પ્રકાશ સૂર્યના પ્રકાશ જેવો અને સૂર્યનો પ્રકાશ સાતગણો, સાત દિવસના પ્રકાશ જેટલો ઉજ્જવળ થઇ જશે.
યશાયા 30 : 27 (GUV)
જુઓ, અહીં યહોવા પોતે સાર્મથ્ય અને મહિમા સાથે દૂર દૂરથી આવે છે. તેનો ક્રોધ ભભૂકે છે, અને ધુમાડાના વાદળો પર ઊડે છે. તેના હોઠો કોપથી ભરેલા છે, ને તેની જીભ બળતા અગ્નિ સરખી છે;
યશાયા 30 : 28 (GUV)
તેનો શ્વાસ ગળા સુધી આવતી ધસમસતી નદી જેવો છે. તે પ્રજાઓને વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે; લોકોના જડબામાં તિકારક લગામ મૂકે છે.
યશાયા 30 : 29 (GUV)
પણ તમે તો ઉત્સવની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગીતો ગાશો; ઇસ્રાએલના આધારરૂપ યહોવાના મંદિરની યાત્રાએ વાંસળી વગાડતા વગાડતા યાત્રાળુઓ જતા હોય તેમના જેવો આનંદ તમે અંતરમાં અનુભવશો.
યશાયા 30 : 30 (GUV)
યહોવા પોતાનો પ્રતાપી અવાજ સૌને સંભળાવશે અને પોતાનો પ્રચંડ કોપ સર્વભક્ષી અગ્નિની જવાળારૂપે, મૂશળધાર વરસાદરૂપે, વાવાઝોડારૂપે અને કરારૂપે ઉતારશે.
યશાયા 30 : 31 (GUV)
યહોવાના અવાજથી આશ્શૂરના લોકો શિક્ષા પામશે. એક સમયે યહોવાએ તે પ્રજાનો શિક્ષાની લાકડી તરીકે ઉપયોગ કર્યો હતો.
યશાયા 30 : 32 (GUV)
જ્યારે યહોવા તેઓને શિક્ષા કરશે ત્યારે યહોવાના લોકો વાજીંત્રોના નાદ સાથે ગાયનોથી આનંદ કરશે.
યશાયા 30 : 33 (GUV)
આશ્શૂરના રાજાને દફનાવવા માટે લાંબા સમયથી ખાડો તૈયાર રાખવામાં આવેલો છે, એને ખોદીને ઊંડો અને પહોળો કરેલો છે, એમાં પુષ્કળ લાકડાં ખડકેલાં છે; અને યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.
❮
❯