યશાયા 19 : 1 (GUV)
મિસર વિષે દેવવાણી: જુઓ, યહોવા વેગીલા વાદળ પર સવારી કરીને મિસર આવે છે, અને મિસરની મૂર્તિઓ તેને જોઇને ધ્રૂજવા માંડશે, અને મિસરની હિંમત જતી રહેશે.
યશાયા 19 : 2 (GUV)
દેવ કહે છે, “હું મિસરીઓને મિસરીઓ સામે ઉશ્કેરીશ, અને તેઓ અંદરોઅંદર લડશે, પડોશીની સામે પડોશી, શહેરની સામે શહેર અને રાજ્ય સામે રાજ્ય.
યશાયા 19 : 3 (GUV)
મિસર તેને લીધે હિંમત હારી જશે; અને હું તેની યોજના ઊંધી વાળીશ, અને તેઓ મૂર્તિઓને, મૃતાત્માઓને, તાંત્રિકોને અને પ્રેતાત્માઓને પ્રશ્ર્ન પૂછશે.”
યશાયા 19 : 4 (GUV)
આ સૈન્યોના દેવ યહોવાના વચન છે, “હું મિસરીઓને જુલમી રાજાના હાથમાં સોંપી દઇશ, જે તેમના પર રાજ્ય કરશે.”
યશાયા 19 : 5 (GUV)
નીલના પાણી સૂકાઇ જશે, નદીનાં પાણી ઓછાં થઇને સુકાઇ જશે.
યશાયા 19 : 6 (GUV)
નદીઓ ગંધ મારશે; મિસરની નહેરો ખાલી થઇને સુકાઇ જશે; નાળાં સુકાઇ જશે. ગંધાઇ ઊઠશે, અને બરુ અને કમળ ચીમળાઇ જશે.
યશાયા 19 : 7 (GUV)
નીલનદીને કાંઠે આવેલી તમામ લીલોતરી અને તેની આસપાસ જે કઇં વાવ્યું છે તે બધું સૂકાઇ જશે. પવનમાં ઊડી જશે. અને તેનું કોઇ નામો નિશાન નહિ રહે.
યશાયા 19 : 8 (GUV)
માછીઓ શોક કરશે, નીલમાં ગલ નાખનારાઓ આક્રંદ કરશે, અને પાણીમાં જાળ નાખનારાઓ નાસીપાસ થશે.
યશાયા 19 : 9 (GUV)
પીંજેલા શણનું કામ કરનારા તથા સુતરાઉ કાપડના વણનારા નિરાશ થશે.
યશાયા 19 : 10 (GUV)
તેણીના (મિસરના) પાયાઓ હચમચી જશે અને બધા કામદારો નિરાશ થઇ જશે.
યશાયા 19 : 11 (GUV)
સોઆનના રાજકર્તાઓ બિલકુલ મૂર્ખ છે, ફારુનના ડાહ્યા ગણાતા મંત્રીઓ પણ અક્કલ વગરની સલાહ આપે છે. તેઓ ફારુન આગળ એવું કેવી રીતે કહી શકે કે, “અમે પ્રાચીન કાળના જ્ઞાની પુરુષોના અને રાજાઓના વંશજ છીએ?”
યશાયા 19 : 12 (GUV)
હે હારુન, તારા એ જ્ઞાની પુરુષો ક્યાં છે? હોય તો આગળ આવે અને સૈન્યોના દેવ યહોવાએ મિસરનું શું કરવા ધાર્યુ છે, તે તને જણાવે અને સમજાવે.
યશાયા 19 : 13 (GUV)
સોઆનના રાજકર્તાઓ બેવકૂફ છે, નોફના રાજકર્તાઓ મમાં છે; મિસરના આગેવાનોએ જ દેશને ખોટે રસ્તે ચડાવ્યો છે.
યશાયા 19 : 14 (GUV)
યહોવાએ તેમની બુદ્ધિને ભમાવી છે, અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં તમામ કામોમાં ખોટે રસ્તે ચડાવ્યો છે.
યશાયા 19 : 15 (GUV)
કોઇપણ વ્યકિત, મહત્વની કે બિન મહત્વની, તે સમયે મિસરને બચાવી નહિં શકે.
યશાયા 19 : 16 (GUV)
તે દિવસે મિસરીઓ સૈન્યોના દેવ યહોવાને પોતાની સામે હાથ ઉગામતો જોઇને, સ્ત્રીની જેમ ભયભીત થઇને થથરવા લાગશે.
યશાયા 19 : 17 (GUV)
યહૂદાનો દેશ મિસરને બિહામણો લાગશે. સૈન્યોના દેવ યહોવાએ મિસરના જે હાલ કરવા ધાર્યા છે તેને લીધે યહૂદાનું નામ સાંભળતાં વેંત મિસરીઓ થથરી જશે.
યશાયા 19 : 18 (GUV)
તે સમયે મિસરમાં પાંચ નગરો એવાં હશે, જ્યાં કનાની ભાષા બોલાતી હોય અને જ્યાં સૈન્યોના દેવ યહોવાના સોગંદ લેવાના હોય તેમાનું એક “વિનાશનું નગર” કહેવાશે.
યશાયા 19 : 19 (GUV)
તે દિવસે મિસર દેશમાં યહોવાની એક યજ્ઞવેદી હશે અને મિસરની સરહદે યહોવાના એક સ્તંભ હશે.
યશાયા 19 : 20 (GUV)
એ મિસર દેશમાં સૈન્યોનો દેવ યહોવાની એંધાણી અને સાક્ષીરૂપ બની રહેશે. તેઓ જ્યારે જુલમગારના અન્યાયથી ત્રાસીને યહોવાને ધા નાખશે ત્યારે તેમને એક તારક તથા રક્ષક મોકલશે તે તેઓને છોડાવશે,
યશાયા 19 : 21 (GUV)
યહોવા મિસરીઓને પોતાનો પરચો બતાવશે અને પછી મિસરીઓ તેને પ્રેમ કરશે; અને યહોવાને બલિદાન તથા અર્પણો આપીને તેની ઉપાસના કરશે; અને યહોવાને વચનો આપીને અને તેને પરિપૂર્ણ કરીને તેને પ્રસન્ન કરશે.
યશાયા 19 : 22 (GUV)
યહોવા મિસર પર ઘા કરશે. અને પછી ઘાને રૂઝવશે, મિસરીઓ યહોવા તરફ વળશે અને તે તેમની અરજ સાંભળી તેમના ઘા રૂઝવશે.
યશાયા 19 : 23 (GUV)
તે દિવસે મિસરથી આશ્શૂર સુધી ધોરી માર્ગ હશે અને આશ્શૂરના લોકો મિસર અને મિસરના લોકો આશ્શૂર આવશે અને મિસરના અને આશ્શૂરના લોકો ભેગા ઉપાસના કરશે.
યશાયા 19 : 24 (GUV)
તે દિવસે મિસર તથા આશ્શૂરની સાથે ત્રીજો ઇસ્રાએલ ભળશે, તે પૃથ્વી પર આશીર્વાદરૂપ થઇ જશે.
યશાયા 19 : 25 (GUV)
સૈન્યોના દેવ યહોવા તેમને એમ કહીને આશીર્વાદ આપશે કે, “મારી પ્રજા મિસર, મારા હાથનું સર્જન આશ્શૂર અને મારું પોતાનું વતન ઇસ્રાએલ, સુખી રહો!”
❮
❯