Ezekiel 45 : 1 (GUV)
“જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વંશો વચ્ચે જમીનની વહેંચણી કરો ત્યારે 25,000 હાથ લાંબી અને 25,000 હાથ પહોળી જમીન યહોવા માટે જુદી કાઢવી. એ બધી જ જમીન પવિત્ર ગણાશે.
Ezekiel 45 : 2 (GUV)
આ જમીનમાંથી 500 હાથ લાંબો અને 50 હાથ જમીનનો પટ્ટો ખાલી રાખવો.
Ezekiel 45 : 3 (GUV)
બધી જમીનમાંથી તમારે 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો ટુકડો અલગ કાઢવો. એમાં મંદિર આવશે. એ પરમ પવિત્ર હશે.
Ezekiel 45 : 4 (GUV)
આ સમગ્ર વિસ્તાર દેશનો પવિત્ર ભાગ ગણાશે. અને યહોવાની સંમુખ રહીને પવિત્ર સ્થાનમાં જેઓ સેવા કરે છે તે યાજકોના ઘરો અને મારું પવિત્રસ્થાન બાંધવા ઉપયોગમાં લેવાશે.
Ezekiel 45 : 5 (GUV)
બાકીની જમીનનો ભાગ મંદિરના પરચૂરણ કામો કરતા લેવીઓ માટે રાખવો. એની માલિકી તેમની ગણાશે. એમાં તેમને વસવા માટે જગ્યાઓ હશે.
Ezekiel 45 : 6 (GUV)
“પવિત્ર ભૂમિની પાસે અડીને 25,000 હાથ લાંબો અને 5,000 હાથ પહોળો જમીનનો ટુકડો સર્વ ઇસ્રાએલના લોકો માટે ખુલ્લો રહેશે.
Ezekiel 45 : 7 (GUV)
રાજકુમાર માટે પણ જમીન અલગ રાખવામાં આવશે. રાજકુમારની મિલકત પવિત્ર વિસ્તારની બન્ને બાજુએ હશે. અને નગરની મિલકત પૂર્વતરફ અને પશ્ચિમ તરફ હશે. દરેક બાજુની લંબાઇ બીજાં કુળોને આપવામાં આવેલી જમીન જેટલી જ હશે.
Ezekiel 45 : 8 (GUV)
ઇસ્રાએલની જમીનમાં આ ભાગ રાજકુમારની મિલકત ગણાશે, જેથી તેઓ લોકોને ત્રાસ ન આપે અને દેશનો બાકીનો ભાગ ઇસ્રાએલના વંશજો પાસે રહેવા દે.”
Ezekiel 45 : 9 (GUV)
યહોવા મારા માલિક કહે છે: “હે ઇસ્રાએલના સરદારો, મારા લોકોને તેઓના પોતાના દેશમાં લૂંટવાનું અને છેતરવાનું તથા તેઓને દેશમાંથી હાંકી કાઢવાનું બંધ કરો. પણ હંમેશા, નીતિમત્તાને માર્ગે અને ન્યાયના માગેર્ ચાલો અને પ્રામાણિક બનો,” એમ યહોવા મારા માલિક કહે છે.
Ezekiel 45 : 10 (GUV)
“તમારે સાચાં માપ અને વજન વાપરવાં, તમારો ભરવાનો એફાહ સાચો હોવો જોઇએ, તમારો બાથ સાચો હોવો જોઇએ.
Ezekiel 45 : 11 (GUV)
પ્રવાહી અને અપ્રવાહી વસ્તુઓના માપ માટે હોમેર તે તમારું અધિકૃત કરેલું એકમ રહેશે. અપ્રવાહી વસ્તુઓ માટે નાનું એકમ એફાહ રહેશે અને પ્રવાહી વસ્તુઓ માટે બાથ રહેશે; બંને એફાહ અને બાથ, હોમેરના દશમાં ભાગ જેટલું છે.
Ezekiel 45 : 12 (GUV)
તમારો વજન કરવાનો વીસ શેકેલ ગેરાહનો હોવો જોઇએ અને માનેહ 60 શેકેલનો હોવો જોઇએ.
Ezekiel 45 : 13 (GUV)
“આ ખાસ ભેટ તમારે રાજકર્તાને આપવાની રહેશે; એક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠોભાગ, ને એક હોમેર જવમાંથી એફાહનો છઠ્ઠો ભાગ.
Ezekiel 45 : 14 (GUV)
અને તમારા જૈતતેલનો એક ટકા ભાગ,
Ezekiel 45 : 15 (GUV)
ઇસ્રાએલના સારી રીતે પાણી પાયેલા મેદાનોમાં ચારેલા ધેટામાંથી 200 ઘેટાંએ તમારે એક ઘેટું વિશેષ અર્પણ તરીકે.“ખાદ્યાર્પણ તરીકે, દહનાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે આપવું.
Ezekiel 45 : 16 (GUV)
“ઇસ્રાએલના બધા લોકોએ આ પ્રમાણેની ખાસ ભેટ રાજકુમાર આગળ લઇ જવી.
Ezekiel 45 : 17 (GUV)
અને રાજકુમાર ઇસ્રાએલની સમગ્ર પ્રજા તરફથી મારા ધણીને ચંદ્રદર્શનોએ, સાબ્બાથોએ અને બાકીના બધા ખાસ તહેવારોએ દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણો પૂરા પાડશે. ઇસ્રાએલના લોકોનાં પાપના પ્રાયશ્ચિત માટે પાપાર્થાર્પણો, ખાદ્યાર્પણો, દહનાર્પણો અને શાંત્યર્પણો પૂરા પાડશે.”
Ezekiel 45 : 18 (GUV)
આ યહોવા મારા માલિકના વચન છે: “પહેલાં મહિનાના પહેલા દિવસે તમારે ખોડખાંપણ વગરનો એક વાછરડો ધરાવી મંદિરની શુદ્ધિ કરવી.
Ezekiel 45 : 19 (GUV)
યાજકે વધ કરેલા પાપાર્થાર્પણનું લોહી લઇ તે મંદિરના ઉબરે, યજ્ઞવેદીને ચાર ખૂણે અને અંદરની ઓસરીના બારણાની બારસાખે લગાડવું.
Ezekiel 45 : 20 (GUV)
જો કોઇ પણ વ્યકિતએ ભૂલથી કે અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તો તે માટે તે મહિનાના સાતમા દિવસે પણ આ પ્રમાણે કરવું. મંદિર માટે આ રીતે તમારે પ્રાયશ્ચિત કરવું.
Ezekiel 45 : 21 (GUV)
“પહેલા મહિનાના ચૌદમા દિવસે તમારે પાસ્ખાનો તહેવાર ઊજવવાની શરૂઆત કરવી. સાત દિવસ સુધી સૌએ બેખમીર રોટલી જ ખાવી.
Ezekiel 45 : 22 (GUV)
ઉત્સવને પહેલે દિવસે સરદારોએ પોતાનાં અને ઇસ્ત્રાએલની પ્રજાના પાપને માટે એક બળદને પાપાર્થાર્પણ તરીકે ધરાવવો.
Ezekiel 45 : 23 (GUV)
ઉત્સવના દિવસે તેણે ખોડખાંપણ વગરના સાત બળદો અને ખોંડખાંપણ વગરના સાત મેંઢાને દહનાપર્ણ તરીકે યહોવાને બલિ ચઢાવવા. અને તેણે પાપાર્થાર્પણ તરીકે દરરોજ એક બકરો હોમવો.
Ezekiel 45 : 24 (GUV)
હોમેલા દરેક બળદ અને ઘેટાં દીઠ સત્તર કિલો ખાદ્યાર્પણ અને ત્રણ લિટર જૈતૂનનું તેલ પણ ચઢાવવાં.
Ezekiel 45 : 25 (GUV)
સાતમા મહિનાના પંદરમાં દિવસે શરૂ થતાં માંડવાપર્વ માટે પણ તેણે સાતે સાત દિવસ આવો જ બલિ, પાપાર્થાર્પણ, દહનાર્પણ, ખાદ્યાર્પણ અને જૈતૂનના તેલના અર્પણ ચઢાવવા.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25