Ezekiel 37 : 1 (GUV)
યહોવાનો હાથ મારા પર આવ્યો અને યહોવાનો આત્મા મને લઇ ગયો અને મને એક મેદાનમાં મૂક્યો, જે મેદાન સૂકાં હાડકાથી ભરેલું હતું,
Ezekiel 37 : 2 (GUV)
તેમણે મને તે હાડકા વચ્ચે આમતેમ ફેરવ્યો, જોઉં છું તો આખું મેદાન હાડકાંથી છવાયેલું હતું. હાડકાંનો કોઇ પાર નહોતો અને તે બધા તદૃન સુકાઇ ગયેલા હતા.
Ezekiel 37 : 3 (GUV)
યહોવા મારા માલિકે મને પ્રશ્ર્ન કર્યો; “હે મનુષ્યના પુત્ર, શું આ હાડકાં ફરીથી જીવતા માણસો બની શકે?”મેં જવાબ આપ્યો, “યહોવા, તમે એકલા જ આ પ્રશ્ર્નનો ઉત્તર જાણો છો.”
Ezekiel 37 : 4 (GUV)
તેણે મને કહ્યું, “તું મારા તરફથી એ હાડકાંઓને પ્રબોધ કર. ‘હે સૂકાં હાડકાંઓ, યહોવાનો સંદેશો સાંભળો,
Ezekiel 37 : 5 (GUV)
યહોવા મારા માલિક તમને આ પ્રમાણે કહે છે, ‘હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમે ફરી જીવતાં થશો.
Ezekiel 37 : 6 (GUV)
હું તમારા પર સ્નાયુઓ બાંધીશ, માંસ પૂરીશ, અને તમને ચામડીથી આવરી લઇ તમારામાં શ્વાસ પૂરીશ એટલે તમે જીવતાં થશો અને તમને ખાતરી થશે કે હું યહોવા છું.”‘
Ezekiel 37 : 7 (GUV)
તેથી યહોવા મારા માલિકે મને કહ્યું હતું તેમ મેં વચનો ઉચ્ચાર્યાં; હું બોલતો હતો ત્યારે જ ગડગડાટ સંભળાયો અને હાડકાં એકબીજા સાથે જોડાવા લાગ્યાં.
Ezekiel 37 : 8 (GUV)
હું જોતો હતો તેવામાં હાડકાની આસપાસ સ્નાયુઓ અને માંસ આવી ગયાં. અને તેઓને ચામડી વડે ઢાંકી દેવામાં આવ્યાં. પણ તેઓ હજુ શ્વાસ લેતા નહોતા.
Ezekiel 37 : 9 (GUV)
પછી મારા માલિક યહોવાએ મને કહ્યુ, “હે મનુષ્યના પુત્ર, તું પવનને પ્રબોધ કર, તું તેને કહે કે યહોવા મારા માલિક કહે છે, ‘હે પવન, ચારે દિશામાંથી આવ અને આ શરીરોમાં ફૂંક માર જેથી તેઓ સજીવન થાય.”‘
Ezekiel 37 : 10 (GUV)
તેથી તેના કહેવા પ્રમાણે મેં પ્રબોધવાનું શરૂ કર્યું તેમનામાં શ્વાસનો સંચાર થયો અને તેઓ સજીવન થઇને ઉભા થઇ ગયા. જાણે બહુ મોટું સૈન્ય!
Ezekiel 37 : 11 (GUV)
ત્યાર બાદ યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ હાડકાં એ બધા ઇસ્રાએલી લોકો છે, તેઓ કહે છે, ‘અમારા હાડકાં સૂકાઇ ગયાં છે, આશા ઊડી ગઇ છે, અમે કપાઇ ગયેલા છીએ.’
Ezekiel 37 : 12 (GUV)
તેથી પ્રબોધ કરીને તેઓને કહે કે, યહોવા મારા માલિક કહે છે: ‘હું તમારા બંદીવાસની કબરો ખોલી નાખીશ અને તમને ફરીથી ઊભા કરીશ અને ઇસ્રાએલ દેશમાં પાછા લાવીશ.
Ezekiel 37 : 13 (GUV)
તમારી કબરો ખોલીને હું તમને બહાર કાઢીશ ત્યારે તમને ખાતરી થશે કે હું યહોવા છું.
Ezekiel 37 : 14 (GUV)
પછી હું મારો આત્મા તમારામાં મૂકીશ અને તમે જીવશો અને તમે તમારા પોતાના દેશમાં ઘરે પાછા ફરશો. ત્યારે તમે જાણશો કે મેં યહોવાએ જે તમને વચન આપ્યું હતું તે હું કરી બતાવું છું.”‘ આ યહોવા મારા માલિકના વચન છે.
Ezekiel 37 : 15 (GUV)
પછી યહોવાએ મને આ પ્રમાણે કહ્યું;
Ezekiel 37 : 16 (GUV)
“હે મનુષ્યના પુત્ર, એક લાકડી લઇને તેના પર લખ; ‘યહૂદાનું રાજ્ય’. પછી બીજી લાકડી લઇને તેના પર લખ: ‘યૂસફ (એફ્રાઇમ)નું રાજ્ય’.
Ezekiel 37 : 17 (GUV)
હવે બંનેને જોડીને એક લાકડી બનાવી દે એટલે તારા હાથમાં એક જ લાકડી રહેશે.
Ezekiel 37 : 18 (GUV)
“તારા દેશબંધુઓ જો તને કહે કે, આથી તમે શું સૂચવવા માંગો છો,
Ezekiel 37 : 19 (GUV)
ત્યારે તારે તેઓને કહેવું કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: “હવે હું યૂસફ (એફ્રાઇમ) લાકડી લઇને હું એને યહૂદાની લાકડી સાથે જોડી દઉં છું. આ રીતે હું બે લાકડીમાંથી એક લાકડી બનાવી દઇશ અને એટલે મારા હાથમાં એક જ લાકડી થઇ જશે.’
Ezekiel 37 : 20 (GUV)
“બંને લાકડીઓ તારા હાથમાં એવી રીતે પકડી રાખજે કે લોકો તેને જોઇ શકે. અને પછી તું તેમને કહેજે કે આ યહોવા મારા માલિકના વચન છે.
Ezekiel 37 : 21 (GUV)
‘ઇસ્રાએલીઓ બીજી પ્રજાઓમાં ચાલ્યા ગયા છે તેમને હું ત્યાંથી લઇ આવીશ, ઠેકઠેકાણેથી એકત્ર કરીને તેમને પોતાની ભૂમિમાં પાછા વસાવીશ.
Ezekiel 37 : 22 (GUV)
‘હું મારી પોતાની ભૂમિમાં, ઇસ્રાએલના પર્વત પર તેમને એક જ પ્રજા બનાવીશ અને તે બધાનો એક જ રાજા હશે. તેઓ ફરી કદી બે પ્રજાઓ નહિ રહે કે બે રાજ્યોમાં વહેંચાઇ નહિ જાય.
Ezekiel 37 : 23 (GUV)
તેઓ મલિન મૂર્તિઓ દ્વારા તથા અપરાધ આચરીને પોતાને અપવિત્ર કરવાનું બંધ કરશે. કારણ કે હું તેઓને સર્વ અશુદ્ધતામાંથી બચાવી લઇશ. ત્યારે તેઓ સાચે જ મારા લોકો થશે અને હું તેઓનો દેવ થઇશ.
Ezekiel 37 : 24 (GUV)
“‘મારા સેવક દાઉદ જેવો એક રાજા તેમના પર રાજ્ય કરશે. તે જ બધાનો એક માત્ર પાળક હશે. તેઓ મારા નિયમો અનુસાર ચાલશે અને મારી આજ્ઞાઓને માથે ચઢાવી તેનું પાલન કરશે.
Ezekiel 37 : 25 (GUV)
વળી મારા સેવક યાકૂબને મેં જે ભૂમિ આપી હતી અને જેમાં તમારા પિતૃઓ રહેતા હતા તેમાં જ તેઓ રહેશે, તેઓ અને તેમના બાળકો અને તેમના પણ બાળકો ત્યા કાયમ માટે રહેશે. અને મારા સેવક દાઉદ જેવો રાજા કાયમ તેમના પર શાસન ચલાવશે.
Ezekiel 37 : 26 (GUV)
“‘હું તેઓની સાથે શાંતિનો કરાર અનંતકાળને માટે કરીશ, હું તેઓને આશીર્વાદ આપીશ. હું તેમને ફરી સ્થાપીશ અને તેમની વંશવૃદ્ધિ કરીશ. અને તેમની વચ્ચે મારા મંદિરની કાયમ માટે સ્થાપના કરીશ.
Ezekiel 37 : 27 (GUV)
હું મારું નિવાસસ્થાન તેઓની વચ્ચે રાખીશ. અને તેઓનો હું દેવ થઇશ અને તેઓ મારી પ્રજા થશે.
Ezekiel 37 : 28 (GUV)
જ્યારે મારું મંદિર તેઓ મધ્યે સદાને માટે રહેશે ત્યારે બીજી પ્રજાઓ સમજી જશે કે હું, યહોવા, ઇસ્રાએલને મારી પોતાની પ્રજા ગણું છું.”‘
❮
❯