ન્યાયાધીશો 20 : 1 (GUV)
ત્યારે દાનથી તે છેક બેરશેબા સુધીના તથા ગિલ્યાદ દેશના સર્વ ઇઝરાયલી લોકો નીકળી આવીને સમગ્ર પ્રજા મિસ્પામાં યહોવાની આગળ એક મતે ભેગી મળી.
ન્યાયાધીશો 20 : 2 (GUV)
સર્વ લોકોના, એટલે ઇઝરાયલનાં સર્વ કુળોના મુખ્યો ચાર લાખ તરવારિયા પેદલ પુરુષો ઈશ્વરના લોકોની સભામાં હાજર થયા.
ન્યાયાધીશો 20 : 3 (GUV)
(હવે ઇઝરાયલી લોકો મિસ્પામાં ભેગા થયા છે એ વાત બિન્યામીનપુત્રોએ સાંભળી.) અને ઇઝરાયલીઓએ પૂછ્યું, “આ દુષ્ટ કૃત્ય કેવી રીતે બન્યું તે અમને કહો.”
ન્યાયાધીશો 20 : 4 (GUV)
ત્યારે જે સ્‍ત્રીનું ખૂન થયું હતું તેના પતિ લેવીએ ઉત્તર આપ્યો, “હું તથા મારી ઉપપત્ની [રાત] રહેવા માટે બિન્યામીનના ગિબયામાં ગયાં હતાં.
ન્યાયાધીશો 20 : 5 (GUV)
ત્યાં ગિબયાનાં માણસોએ મારી પાસે આવીને ધાંધળ મચાવીને જે ઘરમાં હું હતો તેને રાત્રે ચારે બાજુ ઘેરી લીધું. તેઓએ મને મારી નાખવાનો વિચાર કર્યો, ને મારી ઉપપત્ની ઉપર તેઓએ બલાત્કાર ગુજારીને તેનો પ્રાણ લીધો.
ન્યાયાધીશો 20 : 6 (GUV)
તેથી મેં મારી ઉપપત્નીને લઈ તેને કાપીને ટુકડા કરીને ઇઝરાયલને મળેલા વારસાના આખા દેશમાં તે મોકલી દીધા; કેમ કે તેઓએ ઇઝરાયલ મધ્યે લંપટપણું તથા મૂર્ખાઈ ભરેલું કામ કર્યું છે.
ન્યાયાધીશો 20 : 7 (GUV)
હે સર્વ ઇઝરાયલી લોકો તમે સર્વ જુઓ, ને અત્રે શું કરવું તે વિચાર કરીને કહો.”
ન્યાયાધીશો 20 : 8 (GUV)
સર્વ લોકોએ એક મતે ઊભા થઈને કહ્યું, “અમારામાંનો કોઈપણ પોતાના તંબુએ જશે નહિ. કોઈ પણ પાછો ફરીને પોતાને ઘેર જશે નહિ. કોઈ પણ પાછો ફરીને પોતાને ઘેર જશે નહિ.
ન્યાયાધીશો 20 : 9 (GUV)
પણ હવે ગિબયાને આપણે જે કરીશું તે આ પ્રમાણે:ચિઠ્ઠી નાખીને [આપણે તે પર ચઢાઈ કરીશું].
ન્યાયાધીશો 20 : 10 (GUV)
આપણે ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી દર સો માણસોમાંથી દશદશ, તથા દર હજાર માણસોથી સોસો, તથા દર દશ હજારમાંથી હજારહજાર માણસો [લડનાર] લોકોને માટે ખોરાક લાવવા રાખીશું, એ માટે કે તેઓ બિન્યામીનના ગિબયામાં જઈને, તેઓએ ઇઝરાયલમાં મૂર્ખાઈ ભરેલું જે બધું કામ કર્યું છે તે પ્રમાણે તેમની વલે કરે.” પ્રમાણે તેમની વલે કરે.”
ન્યાયાધીશો 20 : 11 (GUV)
એવી રીતે ઇઝરાયલના સર્વ માણસો એક મતે તે નગર સામે ભેગા થયા.
ન્યાયાધીશો 20 : 12 (GUV)
પછી ઇઝરયલનાં કુળોએ બિન્યામીનના આખા કુળમાં માણસો મોકલીને કહાવ્યું, “આ કેવી દુષ્ટતા તમારામાં થવા પામી છે?
ન્યાયાધીશો 20 : 13 (GUV)
તો હવે એ જે માણસો એટલે બલિયાલપુત્રો ગિબયામાં છે તેઓને અમારે સ્વાધીન કરો કે, અમે તેઓને મારી નાખીને ઇઝરાયલમાંથી ભ્રષ્ટાચાર દૂર કરીએ.” પણ બિન્યામીનપુત્રોએ પોતાના ભાઈઓનું એટલે ઇઝરાયલી લોકોનું કહેવું સાંભળ્યું નહિ.
ન્યાયાધીશો 20 : 14 (GUV)
અને ઇઝરાયલી લોકો સાથે યુદ્ધ કરવા સામે જવા માટે બિન્યામીનપુત્રો જુદાં જુદાં નગરોમાંથી ગિબયામાં ભેગા થયા.
ન્યાયાધીશો 20 : 15 (GUV)
તે દિવસે બિન્યામીનપુત્રોની ગણતરી આ પ્રમાણે થઈ હતી, એટલે ગિબયાના રહેવાસીઓમાંથી ચૂંટી કાઢેલા સાતસો પુરુષો તથા તે ઉપરાંત જુદાં જુદાં નગરોમાંથી આવેલા છવ્વીસ હજાર તરવારિયા પુરુષો થયા.
ન્યાયાધીશો 20 : 16 (GUV)
આ સર્વ લોકોમાં ચૂંટી કાઢેલા સાતસો પુરુષો ડાબોડિયા હતા. તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારી શક્તો કે એક વાળપૂર પણ ચૂકી જતો નહિ.
ન્યાયાધીશો 20 : 17 (GUV)
બિન્યામીનીઓ સિવાય ઇઝરાયલીઓની ગણતરી ચાર લાખ તરવારિયા પુરુષોની થઈ; એ સર્વ લડવૈયા પુરુષો હતા.
ન્યાયાધીશો 20 : 18 (GUV)
ઇઝરાયલપુત્રો ઊઠીને બેથેલ ગયા, ને ઈશ્વરની સલાહ પૂછી; અને તેઓએ કહ્યું, “બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા માટે અમારા તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” યહોવાએ કહ્યું, “યહૂદા પહેલો [જાય].”
ન્યાયાધીશો 20 : 19 (GUV)
અને ઇઝરાયલી લોકોએ સવારે ઊઠીને ગિબયાની સામે છાવણી નાખી.
ન્યાયાધીશો 20 : 20 (GUV)
ઇઝરાયલીઓએ ગિબયા પાસે તેમની વિરુદ્ધ વ્યૂહ રચ્યો.
ન્યાયાધીશો 20 : 21 (GUV)
બિન્યામીનપુત્રોએ ગિબિયામાંથી ધસારો કરીને તે દિવસે બાવીસ હજાર ઇઝરાયલીઓને મારીને જમીનદોસ્ત કર્યા.
ન્યાયાધીશો 20 : 22 (GUV)
પણ તે લોકોએ એટલે ઇઝરાયલીઓએ હિંમત રાખીને પહેલે દિવસે જ્યાં તેઓએ વ્યૂહ રચ્યો હતો ત્યાં જ ફરીથી વ્યૂહ રચ્યો.
ન્યાયાધીશો 20 : 23 (GUV)
(અને ઇઝરાયલી લોકો યહોવાની હજૂરમાં જઈને સાંજ સુધી રડ્યા. તેઓએ યહોવાની સલાહ પૂછી, “શું હું મારાભાઈ બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા ફરીથી જાઉં?” અને યહોવાએ કહ્યું, “તેની સામે ચઢાઈ કર.”)
ન્યાયાધીશો 20 : 24 (GUV)
બીજે દિવસે ઇઝરાયલી લોકો બિન્યામીનપુત્રોની સામે નજીક ગયા.
ન્યાયાધીશો 20 : 25 (GUV)
બિન્યામીનીઓએ બીજે દિવસે ગિબયામાંથી તેમની સામે ધસારો કર્યો, અને ફરીથી ઇઝરાયલી લોકોના અઢાર હજાર પુરુષોનો સંહાર કર્યો; એ બધા તરવારિયા હતા.
ન્યાયાધીશો 20 : 26 (GUV)
ત્યારે સર્વ ઇઝરાયલીપુત્રો તથા બધા લોકો બેથેલમાં જઈને રડ્યા, ને ત્યાં યહોવાની હજૂરમાં બેઠા, ને તે દિવસે સાંજ સુધી તેઓએ ઉપવાસ કર્યો; અને તેઓએ યહોવાને દહનીયાર્પણો તથા શાંત્યાર્પણો ચઢાવ્યાં.
ન્યાયાધીશો 20 : 27 (GUV)
પછી ઇઝરાયલી લોકોએ યહોવાની સલાહ પૂછી, (કેમ તે વખતે ઈશ્વરનો કરારકોશ ત્યાં હતો,
ન્યાયાધીશો 20 : 28 (GUV)
અને હારુનના દીકરા એલાઝારનો દીકરો ફીનહાસ તે વખતે તેની સમક્ષ ઊભો રહેતો હતો, ) અને કહ્યું, “શું હું હજીએ ફરીથી મારા ભાઈ બિન્યામીનપુત્રો સાથે યુદ્ધ કરવા જાઉં, કે હું બંધ રાખું?” યહોવાએ કહ્યું, “જા, કેમ કે કાલે હું તેને તારા હાથમાં સોંપી દઈશ.”
ન્યાયાધીશો 20 : 29 (GUV)
પછી ઇઝરાયલીઓએ સંતાઈ રહેનારાઓને ગિબયાની ચારે તરફ ગોઠવ્યા.
ન્યાયાધીશો 20 : 30 (GUV)
ત્રીજે દિવસે ઇઝરાયલી લોકોએ બિન્યામીનપુત્રો પર ચઢાઈ કરીને ગિબયાની સામે અગાઉની જેમ વ્યૂહ રચ્યો.
ન્યાયાધીશો 20 : 31 (GUV)
અને બિન્યામીનપુત્રો એ લોકો પર ઘડી આવ્યા, ને [તેઓને પાછા હઠાવતા હઠાવતા] નગરથી દૂર ખેંચાયા. અને તેઓએ અગાઉ જેમ ધોરી રસ્તાઓ પર લગભગ ત્રીસ ઇઝરાયલી માણસોને ખુલ્લા મેદાનમાં મારીને કાપી નાખ્યા. તે [રસ્તા] ઓમાંનો એક બેથેલમાં જાય છે, ને બીજો ગિબિયામાં જાય છે.
ન્યાયાધીશો 20 : 32 (GUV)
બિન્યામીનપુત્રોએ કહ્યું, “એ લોકો પહેલાંની જેમ આપણે હાથે માર્યા જાય છે.” પણ ઇઝરાયલી લોકોએ કહ્યું, “આપણે નાસીને તેઓને નગરમાંથી ધોરી રસ્તાઓ ઉપર દૂર ખેંચી લાવીએ.”
ન્યાયાધીશો 20 : 33 (GUV)
અને સર્વ ઇઝરાયલીઓ પોતાની જગાએથી ઊઠ્યા, ને તેઓએ બાલ-તામાર આગળ વ્યૂહ રચ્યો; અને ઇઝરાયલના સંતાઈ રહેલા માણસો તેમની જગામાંથી, એટલે માઅરેહ-ગેબામાંથી, બહાર નીકળી આવ્યા.
ન્યાયાધીશો 20 : 34 (GUV)
પછી સર્વ ઇઝરાયલીઓમાંથી ચૂંટી કાઢેલા દશ હજાર માણસોએ ગિબયા પર હલ્‍લો કર્યો, ને દારુણ યુદ્ધ મચ્યું, પણ બિન્યામીનીઓ જાણતા નહોતા કે હવે અમારું આવી બન્યું છે.
ન્યાયાધીશો 20 : 35 (GUV)
અને યહોવાએ ઇઝરાયલની આગળ બિન્યામીનીઓનો પરાજ્ય કર્યો; અને તે દિવસે ઇઝરાયલી લોકોએ બિન્યામીનના પચ્ચીસ હજાર ને એકસો માણસોનો સંહાર કર્યો; એ બધા તરવારિયા હતા.
ન્યાયાધીશો 20 : 36 (GUV)
હવે બિન્યામીનપુત્રોએ જોયું કે અમે હાર ખાધી છે; કેમ કે ઇઝરાયલીઓ બિન્યામીનીઓની આગળથી હઠી ગયા, કેમ કે જેઓને તેઓએ ગિબયાની સામે સંતાડી રાખ્યા હતા, તેઓના ઉપર તેમનો ભરોસો હતો.
ન્યાયાધીશો 20 : 37 (GUV)
સંતાઈ રહેલાઓએ એકદમ ગિબયા ઉપર ધસારો કર્યો; અને સંતાઈ રહેલાઓએ પસરી જઈને આખા નગરનો તરવારથી સંહાર કર્યો.
ન્યાયાધીશો 20 : 38 (GUV)
અને ઇઝરાયલીઓ તથા સંતાઈ રહેલા માણસો વચ્ચે નક્‍કી કરેલો સંકેત આ હતો કે, તેઓએ નગરમાંથી ધુમાડાના ગોટેગોટા ચઢાવવા.
ન્યાયાધીશો 20 : 39 (GUV)
ઇઝરાયલીઓએ યુદ્ધમાં પીઠ ફેરવી ત્યારે શરૂઆતમાં બિન્યામીનીઓએ ઇઝરાયલીઓના ત્રીસેક પુરુષોને ઘાયલ કરીને મારી નાખ્યા; કેમ કે તેઓએ કહ્યું, “પહેલા યુદ્ધની જેમ નક્‍કીઇ તેઓ આપણે હાથે માર્યા જાય છે.”
ન્યાયાધીશો 20 : 40 (GUV)
પણ જ્યારે નગરમાંથી ધુમાડાના ગોટેગોટા સ્તંભરૂપે ઉપર ચઢવા લાગ્યા ત્યારે બિન્યામીનીઓએ પાછા ફરી જોયું, તો જુઓ, આખું નગર [ધુમાડારૂપે] ગગનમાં ચઢતું હતું.
ન્યાયાધીશો 20 : 41 (GUV)
પછી ઇઝરાયલીઓ પાછા ફર્યા ને બિન્યામીનીઓ સ્તબ્ધ થઈ ગયા; કેમ કે તેઓએ જોયું કે હવે અમારું આવી બન્યું.
ન્યાયાધીશો 20 : 42 (GUV)
આથી તેઓ ઇઝરાયલીઓ આગળથી પીઠ ફેરવીને અરણ્યને માર્ગે નાઠા, પણ યુદ્ધ તો તેઓની પાછળ લાગુ રહ્યું. અને નગરોમાંથી નીકળેલા માણસોએ તેની મધ્યે તેઓનો સંહાર કર્યો.
ન્યાયાધીશો 20 : 43 (GUV)
તેઓ બિન્યામીનીઓને ચારે તરફથી ઘેરી લઈને પૂર્વ દિશાએ ગિબયાની સામે સુધી તેઓની પાછળ પડ્યા, ને તેમની આરામની જગાએ તેઓએ તેમને ખૂદી નાખ્યા.
ન્યાયાધીશો 20 : 44 (GUV)
બિન્યામીનના અઢાર હજાર માણસો માર્યા ગયા. એ સર્વ શૂરવીર પુરુષો હતા.
ન્યાયાધીશો 20 : 45 (GUV)
અને તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાઠા ને રિમ્મોન ગઢમાં જતા રહ્યાં; અને તેઓએ રાજમાર્ગમાં વિખૂટા પડી ગયેલા પાંચ હજાર માણસોને કતલ કર્યા. વળી ગિદિયોન સુધી તેમનો પીછો પકડીને તેઓના બીજા બે હજાર માણસોનો સંહાર કર્યો.
ન્યાયાધીશો 20 : 46 (GUV)
આ પ્રમાણે તે દિવસે સર્વ મળી બિન્યામીનના પચ્‍ચીસ હજાર તરવારિયા માર્યા ગયા; એ સર્વ શૂરવીર પુરુષો [હતા].
ન્યાયાધીશો 20 : 47 (GUV)
પણ છસો માણસો પાછા ફરીને અરણ્ય તરફ નાઠા, ને રિમ્મોન ગઢમાં જતા રહ્યા. તેઓ રિમ્મોન ગઢમાં ચાર માસ રહ્યા.
ન્યાયાધીશો 20 : 48 (GUV)
ઇઝરાયલીઓએ પાછા ફરીને ફરીથી બિન્યામીનપુત્રો ઉપર હલ્લો કર્યો, ને આખા નગરની વસતિનો, તેમ જ ઢોરઢાંકનો તથા જે તેમની નજરે પડ્યાં તે સર્વનો તેઓએ તરવારથી નાશ કર્યો. વળી જે નગરો તેમના જોવામાં આવ્યાં તે સર્વને તેઓએ બાળી નાખ્યાં.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48

BG:

Opacity:

Color:


Size:


Font: