પુનર્નિયમ 2 : 1 (GUV)
ત્યાર પછી યહોવાએ મને કહ્યું હતું તે પ્રમાણે આપણે પાછા ફરીને સૂફ સમુદ્રને રસ્તેથી અરણ્યમાં ચાલ્યા. અને આપણે ઘણા દિવસ સુધી સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા.
પુનર્નિયમ 2 : 2 (GUV)
પછી યહોવાએ મને એમ કહ્યું કે,
પુનર્નિયમ 2 : 3 (GUV)
આ પર્વતની આસપાસ તમે પૂરતી મુદત સુધી ફર્યા કર્યું છે. હવે તમે ઉત્તર તરફ વળો.’
પુનર્નિયમ 2 : 4 (GUV)
વળી [કહ્યું કે,] ‘લોકોને તું એવી આજ્ઞા કર કે, તમે સેઈરમાં રહેનારા તમારા ભાઈઓ એસાવપુત્રોની સીમમાં થઈને જવાના છો, અને તેઓ તમારાથી બીશે, માટે તમે બરાબર ખબરદા રહેજો.
પુનર્નિયમ 2 : 5 (GUV)
તેઓની સાથે લડ્યો નહિ; કેમ કે તેમના દેશમાંથી હું તમને કંઈ આપીશ નહિ, અરે, ડગલા જેટલું પણ આપીશ નહિ. કેમ કે સેઈર પર્વત તો મેં એસાવને તેના વતનને માટે આપ્યો છે.
પુનર્નિયમ 2 : 6 (GUV)
તમે ખાવા માટે ખોરાક પૈસા આપીને તેમની પાસેથી ખરીદો. અને પીવા માટે પાણી પણ પૈસા આપીને તેમની પાસેથી ખરીદો.’
પુનર્નિયમ 2 : 7 (GUV)
કેમ કે યહોવા તારા ઈશ્વરે તારા હાથનાં સર્વ કામ પર આશીર્વાદ આપ્યો છે. આ મોટા અરણ્યમાં તારું ચાલવું તેણે જાણ્યું છે. આ ચાળીસ વર્ષ સુધી યહોવા તારા ઈશ્વર તારી સાથે રહ્યા છે. તને કશાની ખોટ પડી નથી.
પુનર્નિયમ 2 : 8 (GUV)
તેથી સેઈરવાસી આપણા ભાઈઓ એસાવપુત્રોને છેડ્યા વગર આપણે તેમના [પ્રાંત] માં થઈને અરાબાને રસ્તે થઈને એલાથ તથા એશ્યોન-ગેબેરથી ગયા. અને આપણે વળીને મોઆબના અરણ્યને રસ્‍તે ચાલ્યા.
પુનર્નિયમ 2 : 9 (GUV)
અને યહોવાએ મને કહ્યું કે, ‘મોઆબને સતાવશો નહિ, તેમજ તેમની સામે યુદ્ધ કરી લડશો નહિ, કેમ કે હું તેના દેશમાંથી તને વતન આપીશ નહિ. કેમ કે આ તો મેં લોતપુત્રોને વતન તરીકે આપ્યું છે.’
પુનર્નિયમ 2 : 10 (GUV)
[અગાઉ તેમાં એમીઓ વસતા હતા, તે લોક અનાકીઓના જેવા બળવાન તથા કદાવર તથા ઘણા હતા.
પુનર્નિયમ 2 : 11 (GUV)
અનાકીઓની જેમ તેઓ પણ રફાઈઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ નામ આપે છે.
પુનર્નિયમ 2 : 12 (GUV)
અગાઉ હોરીઓ પણ સેઈરમાં રહેતા હતા, પણ તેઓ પછી એસાવપુત્રો તેમની જગાએ આવ્યા; અને તેઓ પોતાની આગળથી તેમનો નાશ કરીને તેમની જગાએ વસ્યા. જેમ ઇઝરાયલે જે દેશ યહોવાએ તેઓને વતનને માટે આપ્યો તેને કર્યું હતું તેમ જ].
પુનર્નિયમ 2 : 13 (GUV)
હવે ઊઠો, ને ઝેરેદ નાળું ઊતરો. અને આપણે ઝેરેદ નાળું ઊતર્યા.
પુનર્નિયમ 2 : 14 (GUV)
અને આપણે કાદેશ-બાર્નેઆથી નીકળ્યા ત્યારથી તે આપણે ઝેરેદ નાળું ઊતર્યા ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષની મુદત વીતી. એ મુદતમાં લડવૈયા પુરુષોની આખી પેઢી, યહોવાએ તેઓને પ્રતિ પૂર્વક કહ્યું હતું તે પ્રમાણે, છાવણી મધ્યેથી નાશ પામી હતી.
પુનર્નિયમ 2 : 15 (GUV)
વળી તેઓ નષ્ટ થાય ત્યાં સુધી છાવણી મધ્યેથી તેઓનો નાશ કરવા માટે યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ હતો.
પુનર્નિયમ 2 : 16 (GUV)
હવે લોકો મધ્યેથી સર્વ લડવૈયાઓ નષ્ટ થયા તથા મરી ગયા, ત્યાર પછી એમ બન્યું કે,
પુનર્નિયમ 2 : 17 (GUV)
યહોવાએ મને કહ્યું કે,
પુનર્નિયમ 2 : 18 (GUV)
‘તું આજે આર, એટલે મોઆબની સરહદ ઓળંગવાનો છે.
પુનર્નિયમ 2 : 19 (GUV)
અને જ્યારે તું આમ્મોનપુત્રોની સામે નજીક આવે, ત્યારે તેમને સતાવીશ નહિ, તેમજ તેમની સાથે લડીશ નહિ. કેમ કે હું તને આમ્મોનપુત્રોના દેશમાંથી વતન આપીશ નહિ. કેમ કે મેં તે લોતપુત્રોને વતન તરીકે આપ્યું છે.
પુનર્નિયમ 2 : 20 (GUV)
[તે પણ રાઈઓનો દેશ ગણાય છે. અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા; પણ આમ્મોનીઓ તેઓને ઝામઝૂમીઓ એવું નામ આપે છે.
પુનર્નિયમ 2 : 21 (GUV)
તે લોક અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા, ને તેઓની સંખ્યા ઘણી હતી; પણ યહોવાએ એમની આગળથી તેમનો વિનાશ કર્યો. અને તેઓ તેમના વતનમાં દાખલ થઈને તેમની જગ્યાએ વસ્યા.
પુનર્નિયમ 2 : 22 (GUV)
જેમ હોરીઇઓનો વિનાશ કરીને તેમણે સેઈરવાસી એસાવપુત્રોના લાભમાં કર્યું હતું તેમજ. અને તેઓએ તેમનું વતન લઈ લીધું, ને તેમની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા.
પુનર્નિયમ 2 : 23 (GUV)
અને આવ્વીઓ જેઓ ગાઝા સુધીનાં ગામડાંમાં રહેતા હતા, તેઓનો કાફતોરીઓએ કાફતોરમાંથી ધસી આવીને વિનાશ કર્યો, ને તેમની જગાએ રહ્યા.]
પુનર્નિયમ 2 : 24 (GUV)
હવે તમે ઊઠો, આગળ ચાલો, ને આર્નોનની ખીણ ઓળંગો. જુઓ, મેં અમોરી સિહોનને એટલે હેશ્બોનના રાજાને તથા તેના દેશને તારે સ્વાધીન કર્યો છે. તેનું વતન પ્રાપ્ત કરવું શરૂ કર, ને તેની સાથે યુદ્ધ મચાવ.
પુનર્નિયમ 2 : 25 (GUV)
હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ ઉપર તારો ડર તથા ધાક એવો બેસાડવા માંડીશ કે, તેઓ તારું નામ સાંભળીને ધ્રૂજશે ને તારાથી ત્રાહેમામ પોકારશે.
પુનર્નિયમ 2 : 26 (GUV)
અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સિહોન પાસે માણસો મોકલ્યા કે, તેઓ સલાહનો સંદેશો લઈને કહે
પુનર્નિયમ 2 : 27 (GUV)
‘મને તારા દેશમાં થઈને જવા દે. હું રસ્તે રસ્તે જ ચાલીશ, હું ડાબે હાથે કે જમણે હાથે વળીશ નહિ.
પુનર્નિયમ 2 : 28 (GUV)
ખાવાને અન્‍ન તું મને પૈસા લઈને વેચાતું આપજે. અને પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે. ફક્ત તારા દેશમાં થઈને મને પગે ચાલીને જવા દે.
પુનર્નિયમ 2 : 29 (GUV)
જ્યાં સુધી હું યર્દન ઊતરીને અમારા ઈશ્વર યહોવા અમને જે દેશ આપવાના છે તેમાં પહોંચું ત્યાં સુધી જેમ સેઈરવાસી એસાવપુત્રો તથા આરવાસી મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્ત.’
પુનર્નિયમ 2 : 30 (GUV)
પણ હેશ્બોનના રાજા સિહોને પોતાના [દેશ] માં થઈને આપણને જવા દેવાની ના પાડી. કેમ કે યહોવા તારા ઈશ્વરે તેનું મન કઠણ કર્યું હતું, ને તેનું હ્રદય હઠીલું કર્યું હતું કે, તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજ છે તેમ.
પુનર્નિયમ 2 : 31 (GUV)
અને યહોવાએ મને કહ્યું કે, ‘જો, સિહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરી દેવાનો મેં આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવા માંડ કે, તું તેના દેશનો વારસો પામે.’
પુનર્નિયમ 2 : 32 (GUV)
ત્યારે સિહોન પોતે તથા તેના સર્વ લોકો યાહાસ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા.
પુનર્નિયમ 2 : 33 (GUV)
અને યહોવા આપણા ઈશ્વરે તેને આપણને સ્વાધીન કરી દીધો. અને આપણે તેનો તથા તેના પુત્રોનો તથા તેના સર્વ લોકોનો પરાજ્ય કર્યો.
પુનર્નિયમ 2 : 34 (GUV)
અને તે સમયે આપણે તેનાં સર્વ નગરો લઈ લીધાં, ને વસતીવાળાં સર્વ નગરોનો તેમની સ્‍ત્રીઓ તથા બાળકો સહિત પૂરો નાશ કર્યો. આપણે કોઈને પણ જીવતું રહેવા દીધું નહિ.
પુનર્નિયમ 2 : 35 (GUV)
માત્ર જે નગરો આપણે લીધાં હતાં તેમની લૂટ સાથે આપણે પોતાને માટે ઢોર લીધાં.
પુનર્નિયમ 2 : 36 (GUV)
આર્નોનનીખીણની સરહદ પર અરોએરથી તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એકે નગર એવું મજબૂત ન હતું કે જે આપણાથી જીતાય નહિ. યહોવા આપણા ઈશ્વરે બધું આપણને સ્વાધીન કર્યું.
પુનર્નિયમ 2 : 37 (GUV)
ફક્ત આમ્મોનપુત્રોના દેશની નજીક, [તથા] યાબ્બોક નદીના કાંઠા પરનો બધો પ્રદેશ, તથા પહાડી પ્રદેશમાં નગરો, તથા જે જે જગા વિશે યહોવા આપણા ઈશ્વરે આપણને મના કરી, તેમની નજીક તું આવ્યો નહિ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37

BG:

Opacity:

Color:


Size:


Font: