Romans 11 : 1 (GUV)
તેથી હું પૂછું છું, “શું દેવે પોતાના માણસોને તરછોડી દીઘા?” ના! હું પોતે ઈસ્રાએલનો (યહૂદિ) છું. હું ઈબ્રાહિમના વંશનો અને બિન્યામીનના કુળનો છું.
Romans 11 : 2 (GUV)
ઈસ્રાએલના લોકો જનમ્યા તે પહેલાં દેવે તેમને પોતાના માણસો તરીકે પસંદ કર્યા. અને દેવે એ લોકોને તરછોડ્યા નથી. એલિયા પ્રબોધક વિષે ધર્મશાસ્ત્ર જે કહે છે તે તમે સારી રીતે જાણો છો. ઈસ્રાએલના લોકોની વિરુંદ્ધમાં દેવને પ્રાર્થના કરતા એલિયા વિષે શાસ્ત્રમાં ઉલ્લેખ છે.
Romans 11 : 3 (GUV)
એલિયા બોલ્યો, “હે પ્રભુ, આ લોકોએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે અને તારી વેદીઓનો વિનાશ કર્યો છે. પ્રબોધકોમાં એક માત્ર હું જ હજી જીવતો છું. અને હવે એ લોકો મને પણ મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.”
Romans 11 : 4 (GUV)
પરંતુ દેવે એલિયાને શું જવાબ આપ્યો, તે જાણો છો? દેવે તેને કહ્યું, “જે 7,000 માણસો હજી પણ મારી ભક્તિ કરે છે તેઓને મેં મારા માટે રાખી મૂક્યા છે. આ 7,000 માણસો ‘બઆલ’ની આગળ ઘૂંટણે પડયા નથી.”
Romans 11 : 5 (GUV)
એવું જ અત્યારે પણ છે. થોડાક માણસો એવા છે કે જેઓ દેવ કૃપાથી પસંદ કરાયા છે.
Romans 11 : 6 (GUV)
અને જો દેવ-કૃપાને કારણે એમની પસંદગી થઈ હોય, અને તેઓ દેવના માણસો થયા હોય, તો તે તેઓનાં કર્મોને આધારે નહિ. પરંતુ તેમનાં કર્મોને આધારે તેઓ દેવના ખાસ માણસો થઈ શક્યા હોત તો, દેવ લોકોને કૃપાની જે બક્ષિસ આપે છે તે ખરેખર બક્ષિસ ન ગણાત.
Romans 11 : 7 (GUV)
તો એ આમ થયું છે: ઈસ્રાએલના લોકોએ દેવ-પ્રાપ્તિ માટે યોગ્યતા કેળવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ સફળ ન થયા. પરંતુ દેવે જે માણસો પસંદ કર્યા, તેઓ સુપાત્ર થયા. બીજા લોકો કઠણ થયા અને તેમણે દેવનો આદેશ સાંભળવાનો ઈન્કાર કરી દીઘો.
Romans 11 : 8 (GUV)
શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:“દેવે તેઓની પર ભર ઊંઘનો આત્મા રેડયો છે.” યશાયા 29:10“દેવે તેઓની આંખો બંધ કરી દીધી જેથી તેઓ સત્ય જોઈ શકે નહિ, અને દેવે તેઓના કાન પણ બંધ કરી દીધા જેથી કરીને તેઓ સત્ય સાંભળી શકે નહિ. અત્યાર સુધી આ સ્થિતિ ચાલુ જ રહી છે.” પુર્નનિયમ 29:4
Romans 11 : 9 (GUV)
અને દાઉદ કહે છે:“મિજબાની ઉડાવતા લોકો ભલે ફસાઈ જાય, અને પકડાઈ જાય. ભલે તેઓને પડવા દો અને શિક્ષા થવા દો.
Romans 11 : 10 (GUV)
તેઓ જોઈ શકે નહિ એવી તેઓની આંખો અંધકારમય થાઓ, અને તેઓની પીઠ તું સદા વાંકી વાળ, અને પછી હંમેશને માટે ભલે તેઓ દુ:ખ ભોગવે.” ગીતશાસ્ત્ર 69:22-23
Romans 11 : 11 (GUV)
તેથી હું પૂછી રહ્યો છું: “યહૂદિઓની પડતીના કારણે શું તેઓ તેમનો વિનાશ લાવ્યા? ના! એમની ભૂલો જ બિનયહૂદિ લોકો માટે મુક્તિ લાવી. અને યહૂદિઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય માટે આમ બન્યું.
Romans 11 : 12 (GUV)
જો કે યહૂદિઓની ભૂલ આખી દુનિયા માટે સમૃદ્ધ આશીર્વાદો લઈ આવી. અને યહૂદિઓએ જે ખોયું તે બાબતે બિનયહૂદિ લોકો માટે અઢળક આશિષ લાવી. દેવની ઈચ્છા પ્રમાણે યહૂદિઓ જ્યારે લોકો પ્રત્યેક દયાળુ બનશે ત્યારે આખી દુનિયા ખરેખર વધારે સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત કરશે.
Romans 11 : 13 (GUV)
હવે, જે લોકો યહૂદિ નથી તેમને હું સંબોધું છું. બિનયહૂદિઓનો પણ હું પ્રેરિત છું. તેથી જ્યાં સુધી મારે એ કાર્ય કરવાનું છે, ત્યાં સુધી હું મારાથી શક્ય હોય એવી સર્વોત્તમ રીતે કરીશ.
Romans 11 : 14 (GUV)
મને આશા છે કે હું મારા પોતાના લોકોને ઈર્ષાળુ બનાવી શકીશ. એ રીતે કદાચ એમાંના કેટલાએકને હું બચાવી શકીશ.
Romans 11 : 15 (GUV)
દેવ યહૂદિઓથી વિમુખ થઈ ગયો. જ્યારે એવું થયું ત્યારે દેવે દુનિયાના અન્ય લોકો સાથે મૈત્રી કરી. તેથી જ્યારે દેવ યહૂદિઓને સ્વીકાર કરશે. ત્યારે લોકોને ખરેખર મૃત્યુ પછીનું તે સાચું જીવન પ્રાપ્ત થશે.
Romans 11 : 16 (GUV)
જો રોટલીનો પ્રથમ ટૂકડો દેવને અર્પણ કરવામાં આવે છે, તો તે આખી રોટલી પવિત્ર બની જાય છે. જો વૃક્ષનાં મૂળિયાં પવિત્ર હોય તો વૃક્ષની ડાળીઓ પણ પવિત્ર હોય છે.
Romans 11 : 17 (GUV)
એ વાત એવી છે જાણે કે ઉછેરવામાં આવેલ જૈતૂન વૃક્ષની કેટલીક ડાળીઓ કાપી નાખવામાં આવી છે અને જંગલી જૈતૂન વૃક્ષની એક ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિનયહૂદિઓ તે જંગલી ડાળી જેવા છો, અને તમે હવે પ્રથમ વૃક્ષની શક્તિ અને જીવનના સહભાગી થયા છે.
Romans 11 : 18 (GUV)
અસલ વૃક્ષની ડાળીઓ જે કાપી નાખવામાં આવી હતી, તે વિષે તમે ગર્વ કરશો નહિ. એનું ગર્વ કરવા માટે તમારી પાસે કોઈ યોગ્ય કારણ પણ નથી. શા માટે? કેમ કે તમે એ અસલ વૃક્ષનાં મૂળિયાંને જીવન આપતા નથી. તે મૂળિયાં તમને જીવન આપે છે, તમારા જીવનને આધાર આપે છે.
Romans 11 : 19 (GUV)
તમે કહેશો, “ડાળીઓ એટલા માટે તોડી નાખવામાં આવી હતી કે જેથી કરીને હું તે ઝાડમાં જોડાઈ શકું.”
Romans 11 : 20 (GUV)
એ સાચું છે. પરંતુ એ ડાળીઓ તોડી નાખવામાં આવી હતી કેમ કે અસલ વૃક્ષમાં તેઓને વિશ્વાસ ન હતો. અને તમે એ અસલ વૃક્ષના ભાગ બની જીવી રહ્યાં છો, કારણ કે તમે વિશ્વાસ ધરાવો છો. અભિમાન ન કરશો, પરંતુ દેવનો ડર રાખો.
Romans 11 : 21 (GUV)
જેમ દેવે એ વૃક્ષની કુદરતી ડાળીઓને રહેવા ન દીઘી, એ જ રીતે જો તમે વિશ્વાસ નહિ રાખો તો, દેવ તમને પણ રહેવા નહિ દે.
Romans 11 : 22 (GUV)
આમ, તમે જોઈ શકો છો કે દેવ દયાળુ છે, પરંતુ તે ઘણી સખતાઈ પણ રાખી શકે છે. જે લોકો દેવને અનુસરવાનું બંધ કરે છે તેઓને દેવ શિક્ષા કરે છે. પરંતુ જો તમે દેવની દયા હેઠળ જીવન જીવતા હશો તો તે હંમેશા તમારા પ્રત્યે કૃપાળુ રહેશે. જો તમે દેવની દયાને અનુસરવાનું ચાલુ નહિ રાખો તો વૃક્ષમાંથી ડાળીની જેમ કપાઈ જશો.
Romans 11 : 23 (GUV)
અને જો યહૂદિઓ ફરીથી દેવમાં માનતા થશે તો, દેવ એમને ફરી પાછા અપનાવી લેશે. તેઓ જ્યાં હતા ત્યાં મૂળ સ્થાને તેમને પુન:સ્થાપિત કરવા દેવ સમર્થ છે.
Romans 11 : 24 (GUV)
કોઈ જંગલી ડાળી એક સારા વૃક્ષનું અંગ બને એ કાંઈ કુદરતી ઘટના નથી. તમે બિનયહૂદિઓ તો કોઈ જંગલી જૈતૂન વૃક્ષની તૂટેલી ડાળી જેવા છો. અને એક સારા જૈતૂન વૃક્ષ સાથે તમને જોડવામાં આવ્યા હતા. પરંતુ પેલા યહૂદિઓ તો સારા વૃક્ષની ફૂટેલી ડાળી જેવા છે. તેથી, તેમના પોતાના અસલ વૃક્ષ સાથે તેમને ફરીથી જોડી શકાય છે.
Romans 11 : 25 (GUV)
ભાઈઓ તથા બહેનો, આ રહસ્યમય સત્ય હું તમને સમજાવવા માગું છું. હું ઈચ્છું છું કે આ સત્ય તમને સમજવા માટે સહાયરૂપ થશે કે તમે સર્વજ્ઞ નથી. તે સત્ય આ છે: ઈસ્રાએલના એક ભાગને હઠીલો બનાવવામાં આવ્યો છે. પરંતુ પુરતા પ્રમાણમાં બિનયહૂદિઓ જ્યારે દેવના શરણે આવશે ત્યારે એ સ્થિતિ પણ બદલાશે.
Romans 11 : 26 (GUV)
અને એ રીતે આખા ઈસ્રાએલને બચાવશે. શાસ્ત્રોમાં લખેલું છે:“સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે; તે યાકૂબના કુટુંબના અધર્મને તથા સર્વ અનિષ્ટોને દૂર કરશે.
Romans 11 : 27 (GUV)
અને જ્યારે હું તેઓનાં પાપ દૂર કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે.” યશાયા 59:20-21; 27:9
Romans 11 : 28 (GUV)
યહૂદિઓ સુવાર્તા સ્વીકારવાનો ઈન્કાર કરે છે, તેથી તેઓ દેવના શત્રું છે. તમે બિનયહૂદિઓને મદદ કરવા આમ કર્યુ છે. પરંતુ એ ભૂલશે નહિ કે યહૂદિઓ હજૂ પણ દેવની ખાસ પસંદગી પામેલા લોકો છે. તેથી દેવ તેઓને ખૂબજ ચાહે છે. દેવે તેમના બાપદાદાઓને વચનો આપ્યાં હતાં, તેથી દેવ તેમને ચાહે છે.
Romans 11 : 29 (GUV)
દેવ જ્યારે જે લોકોને પાસે બોલાવીને એમને કઈક આપે છે, તે પછી દેવ લોકોને આપેલું પોતાનું વચન કદી પણ પાછું ખેંચી લેતો નથી.
Romans 11 : 30 (GUV)
એક સમય એવો હતો કે જ્યારે તમે દેવના આદેશનો અનાદર કરતા હતા. પરંતુ હમણા તમે દયાપાત્ર બન્યા, કેમ કે પેલા યહૂદિ લોકોએ દેવ-આજ્ઞાનો અનાદર કર્યો છે.
Romans 11 : 31 (GUV)
અને હવે યહૂદિઓ આજ્ઞાપાલનનો અનાદર કરે છે, કેમ કે દેવે તમને ક્ષમા આપી છે. પરંતુ આમ એટલા માટે બન્યું, જેથી તેઓની ઉપર દેવ દયા કરે.
Romans 11 : 32 (GUV)
દેવ-આજ્ઞાનો અનાદર બધા લોકોએ કર્યો જ છે. આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા બધા લોકોને દેવે એક સાથે એક જગ્યાએ એકત્રિત કરી રાખ્યા છે, જેથી કરીને તે તેઓ પર દયા વરસાવી શકે.
Romans 11 : 33 (GUV)
હા, દેવની સમૃદ્ધિ અત્યંત મહાન છે! દેવની કૃપા અને ક્ષમા અપરંપાર છે! દેવનું જ્ઞાન અને વિવેક-બૂદ્ધિ અનંત છે! દેવના નિર્ણયોને કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. દેવના માર્ગો કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ.
Romans 11 : 34 (GUV)
શાસ્ત્ર કહે છે તેમ,“પ્રભુનું મન કોણે જાણ્યું છે? તેનો મંત્રી કોણ થયો છે?” યશાયા 40:13
Romans 11 : 35 (GUV)
“દેવને કોઈએ કઈ પણ ક્યારે આપ્યું છે? દેવ કોઈ પણ વ્યક્તિનો ઋણી નથી. જેથી કોઈને પાછું ભરી આપવામાં આવે?” અયૂબ 41:11
Romans 11 : 36 (GUV)
હા, બધી વસ્તુઓના સર્જક દેવ છે. અને દરેક વસ્તુ દેવ દ્વારા અને દેવ માટે જ ટકી રહે છે. દેવનો સર્વકાળ મહિમા થાઓ! આમીન.
❮
❯