માર્ક 6 : 1 (GUV)
અને ત્યાંથી નીકળીને તે પોતાના દેશમાં આવ્યા; અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા.
માર્ક 6 : 2 (GUV)
અને વિશ્રામવાર આવ્યો ત્યારે ઈસુ સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા; અને ઘણાએ એ સાંભળીને છક થઈને કહ્યું, “આ બધું તેમની પાસે ક્યાંથી? અને તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે? અને એમના હાથથી આવાં પરાક્રમી કામો ક્યાંથી થાય છે?
માર્ક 6 : 3 (GUV)
શું એ સુથાર નથી? શું એ મરિયમનો દીકરો, યાકૂબ તથા યોસે તથા યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એમની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી.
માર્ક 6 : 4 (GUV)
પણ ઈસુએ તેઓને કહ્યું, “પોતાના દેશ તથા પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય પ્રબોધક [બીજે સ્થળે] માન વિનાનો નથી.”
માર્ક 6 : 5 (GUV)
અને તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં, એ વિના તે‍ ત્યાં કંઈ ચમત્કાર કરી ન શક્યા.
માર્ક 6 : 6 (GUV)
અને તેઓના અવિશ્વાસને લીધે તે નવાઈ પામ્યા. અને આસપાસ ગામોગામ તે બોધ કરતા ફર્યા.
માર્ક 6 : 7 (GUV)
અને બાર [શિષ્યો] ને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો;
માર્ક 6 : 8 (GUV)
અને તેઓને ફરમાવ્યું કે, માર્ગને માટે કેવળ એક લાકડી વિના બીજું કઈ લેવું નહિ:રોટલી નહિ, થેલી નહિ, તમારા કમરબંધમાં નાણું નહિ.
માર્ક 6 : 9 (GUV)
પણ ચંપલ પહેરવાં, ને બે અંગરખા પહેરવા નહિ.”
માર્ક 6 : 10 (GUV)
અને તેમણે તેઓને કહ્યું, “તમે જે કોઈ ઘરમાં પેસો ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો.
માર્ક 6 : 11 (GUV)
અને જ્યાં કહીં તેઓ તમારો આવકાર ન કરે, ને તમારું ન સાંભળે, ત્યાંથી નીકળતાં તેઓની વિરુદ્ધ સાક્ષી થવાને માટે તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખો.”
માર્ક 6 : 12 (GUV)
અને તેઓએ નીકળીને એવો ઉપદેશ આપ્યો, પસ્તાવો કરો.”
માર્ક 6 : 13 (GUV)
અને તેઓએ ઘણાં દુષ્ટાત્માઓ કાઢ્યા ને ઘણાં માદાંઓને તેલ ચોળીને તેઓને સાજાં કર્યાં.
માર્ક 6 : 14 (GUV)
અને હેરોદ રાજાએ તેમના વિષે સાંભળ્યું (કારણ, તેનું નામ પ્રસિદ્ધ થયું હતું); અને તેણે કહ્યું, “યોહાન બાપ્તિસ્ત મૂએલાંમાંથી ઊઠ્યો છે, ને તેથી આવાં પરાક્રમી કામો તેનાંથી થાય છે.
માર્ક 6 : 15 (GUV)
પણ બીજાઓએ કહ્યું, “તે એલિયા છે.” અને બીજાઓએ [કહ્યું], “પ્રબોધકોમાંના કોઈ એકના જેવો તે એક પ્રબોધક‍‌ છે.”
માર્ક 6 : 16 (GUV)
પણ હેરોદે તે સાંભળીને કહ્યું, “એ તો યોહાન છે કે જેનું માથું મેં કાપી નંખાવ્યું, તે મૂએલાંમાંથી ઊઠ્યો છે.”
માર્ક 6 : 17 (GUV)
કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો, અને તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને કેદખાનામાં બંદીવાન કર્યો હતો; કેમ કે હેરોદ તેને પરણ્યો હતો.
માર્ક 6 : 18 (GUV)
કેમ કે યોહાને હેરોદને કહ્યું હતું, “તારા ભાઈની પત્ની રાખવી તને ઉચિત નથી.”
માર્ક 6 : 19 (GUV)
અને હેરોદિયા તેના પર અદાવત રાખતી, ને તેને મારી નાખવા ચાહતી, પણ એમ ન કરી શકી;
માર્ક 6 : 20 (GUV)
કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી બીતો, ને તેની સંભાળ લેતો, ને તેનું સાંભળીને તે બહુ ગભરાતો, પણ ખુશીથી તે તેનું સાંભળતો.
માર્ક 6 : 21 (GUV)
અને છેવટે અનુકૂળ દિવસ આવ્યો, ત્યારે હેરોદે પોતાની વરસગાંઠને દિવસે પોતાના અમીરોને તથા સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને માટે મિજબાની કરાવી.
માર્ક 6 : 22 (GUV)
અને તે જ હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી, ને તેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું, “જે કંઈ તું ચાહે તે મારી પાસે માગ, ને હું તને તે આપીશ.”
માર્ક 6 : 23 (GUV)
અને તેણે સમ ખાઈને તેને કહ્યું, “જે કંઈ તું મારી પાસે માગે તે મારા અર્ધા રાજ્ય સુધી હું તને આપીશ.”
માર્ક 6 : 24 (GUV)
અને તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું, “હું શું માગું?”
માર્ક 6 : 25 (GUV)
અને તેણે તેને કહ્યું, યોહાન બાપ્તિસ્તનું માથું.” અને તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું, “હું ચાહું છું કે, યોહાન બાપ્તિસ્તનું માથું કથરોટમાં હમણાં જ તું મને અપાવ.”
માર્ક 6 : 26 (GUV)
અને રાજા બહુ દુ:ખી થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેઠેલાઓને લીધે તેણે તેને ના કહેવાનું ચાહ્યું નહિ.
માર્ક 6 : 27 (GUV)
અને તરત રાજાએ સિપાઈને મોકલીને યોહાનનું માથું લાવવાનો હુકમ કર્યો, ને તેણે જઈને કેદખાનામાં તેનું માથું કાપી નાખ્યું.
માર્ક 6 : 28 (GUV)
અને તેનું માથું કથરોટમાં લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.
માર્ક 6 : 29 (GUV)
અને યોહાનના શિષ્યો એ સાંભળીને આવ્યા, ને તેનું ધડ લઈ ગયા, ને તેને કબરમાં મૂક્યું.
માર્ક 6 : 30 (GUV)
અને પ્રેરિતો ઈસુની પાસે એકત્ર થાય છે, ને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેઓએ તેમને કહી સંભળાવ્યું.
માર્ક 6 : 31 (GUV)
અને તેમણે તેઓને કહ્યું, “તમે પોતે ઉજ્જડ સ્થળે એકાંતમાં આવો, ને થોડો આરામ લો.” કેમ કે આવનારા ને જનારા ઘણા હતા, અને તેમને ખાવાનો પણ અવકાશ મળતો નહોતો.
માર્ક 6 : 32 (GUV)
અને તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ સ્થળે એકાંતમાં ગયા.
માર્ક 6 : 33 (GUV)
અને લોકોએ તેઓને જતાં જોયા, ને ઘણાએ તેમને ઓળખ્યા, ને સર્વ શહેરોમાંથી પગે દોડીને તેઓ ત્યાં એકઠા થયા, ને તેઓની આગળ જઈ પહોંચ્યા.
માર્ક 6 : 34 (GUV)
અને ઈસુએ નીકળીને અતિ ઘણા લોકોને જોયા, ને તેમને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હતા. અને તે તેઓને ઘણી વાતો વિષે શીખવવા લાગ્યા.
માર્ક 6 : 35 (GUV)
અને જ્યારે દિવસ ઘણો નમી ગયો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, “આ સ્થળ ઉજ્જડ છે, ને દિવસ ઘણો નમી ગયો છે.
માર્ક 6 : 36 (GUV)
તેઓને વિદાય કરો કે તેઓ આસપાસનાં પરાંમાં તથા ગામોમાં જઈને પોતાને માટે કંઈ ખાવાનું વેચાતું લે.”
માર્ક 6 : 37 (GUV)
પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “તમે તેઓને ખાવાનું આપો.” અને તેઓ તેમને કહે છે, “શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?”
માર્ક 6 : 38 (GUV)
પણ તે તેઓને કહે છે, “તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ, ” અને ખબર કાઢ્યા પછી તેઓ તેમને કહે છે, “પાંચ તથા બે માછલી.”
માર્ક 6 : 39 (GUV)
અને તેમણે તેઓને હુકમ કર્યો, “બધાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.”
માર્ક 6 : 40 (GUV)
અને તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસ બેઠા.
માર્ક 6 : 41 (GUV)
અને તેમણે પાંચ રોટલી તથા બે માછલી લઈને આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો, ને રોટલીઓ ભાંગીને તેમણે તે પીરસવા માટે પોતાના શિષ્યોને આપી; અને બે માછલી સહુને વહેંચી આપી.
માર્ક 6 : 42 (GUV)
અને સહુએ ખાધું, ને તૃપ્ત થયાં.
માર્ક 6 : 43 (GUV)
અને તેઓએ ટુકડાની બાર ટોપલી ભરી, ને માછલીઓમાંથી પણ કંઈ વધ્યું.
માર્ક 6 : 44 (GUV)
અને રોટલી ખાનારા આશરે પાંચ હજાર પુરુષ હતા.
માર્ક 6 : 45 (GUV)
અને તત્કાળ તેમણે પોતાના શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા, ને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેમણે તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદા મોકલ્યા.
માર્ક 6 : 46 (GUV)
અને તેઓને વિદાય કરીને તે પહાડ પર પ્રાર્થના કરવા ગયા
માર્ક 6 : 47 (GUV)
અને સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી, ને તે એકલા જમીન પર હતા.
માર્ક 6 : 48 (GUV)
અને પવન સામો હોવાને કારણે તેઓ હલેસાં મારતાં હેરાન થાય છે, એ જોઈને, આશરે રાતને ચોથે પહોરે તે સમુદ્ર પર‍ ચાલતા તેઓની પાસે આવે છે, ને જાણે તેઓથી આગળ જવાનું તેમણે કર્યું.
માર્ક 6 : 49 (GUV)
અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને ધાર્યું, “એ તો આભાસ છે, ” ને બૂમ પાડી.
માર્ક 6 : 50 (GUV)
કેમ કે સહુ તેમને જોઈને ગભરાયા અને તરત તે તેઓની સાથે વાત કરીને તેઓને કહે છે, “હિમ્મત રાખો, એ તો હું છું; બીહો નહિ.”
માર્ક 6 : 51 (GUV)
અને તે તેઓની પાસે હોડી પર ચઢ્યા. અને પવન થંભી ગયો, અને તેઓ અતિશય વિસ્મિત થયા,
માર્ક 6 : 52 (GUV)
કેમ કે રોટલી સંબંધી તેઓ સમજ્યા નહિ, પણ તેઓનાં મન કઠણ રહ્યાં.
માર્ક 6 : 53 (GUV)
અને તેઓ પાર જઈને ગેન્‍નેસારેત દેશમાં આવ્યા, ને તેઓએ કિનારે લંગર કર્યું,
માર્ક 6 : 54 (GUV)
અને તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે લોકોએ તેમને તરત ઓળખ્યા,
માર્ક 6 : 55 (GUV)
ને ચોતરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં લઈને તેઓ ત્યાં લાવવા લાગ્યા.
માર્ક 6 : 56 (GUV)
અને તે જે જે ગામોમાં કે શહેરોમાં કે પરાંઓમાં આવ્યા, ત્યાં તેઓએ માંદાઓને ચૌટાઓમાં રાખ્યા, ને તેમને વિનંતી કરી, “તેઓને માત્ર તમારા વસ્‍ત્રની કોરને અડકવા દો:” અને જેટલા તેમને અડક્યા તેટલા સાજા થયા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56

BG:

Opacity:

Color:


Size:


Font: