માર્ક 14 : 1 (GUV)
હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું. અને કેવી રીતે તેને દગાથી પકડીને મારી નાખવો, એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ શોધ કરતા હતા.
માર્ક 14 : 2 (GUV)
કેમ કે તેઓએ કહ્યું, “પર્વમાં નહિ, રખેને લોકોનું હુલ્લડ થાય.”
માર્ક 14 : 3 (GUV)
અને જ્યારે તે બેથાનિયામાં સિમોન કોઢિયાના ઘરમાં હતા, અને ખાવા બેઠા હતા, ત્યારે એક સ્‍ત્રી જટાંમાસીના અતિ મૂલ્યવાન અત્તરની ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી, અને એ ડબ્બી ભાંગીને તેણે તેમના માથા પર તે રેડ્યું.
માર્ક 14 : 4 (GUV)
પણ કેટલાક પોતાના મનમાં નારાજ થઈને કહેવા લાગ્યા, “અત્તરનો આવી રીતે બગાડ શા માટે કર્યો?
માર્ક 14 : 5 (GUV)
કેમ કે એ અત્તર ત્રણસો દીનાર કરતાં વધારે કીમતે વેચી શકાત, ને દરિદ્રીઓને અપાત.” અને તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી.
માર્ક 14 : 6 (GUV)
પણ ઈસુએ તેઓને કહ્યું, “એને રહેવા દો; એને કેમ સતાવો છો? એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે.
માર્ક 14 : 7 (GUV)
કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે, ને તમે ચાહો ત્યારે તમે તેઓનું ભલું કરી શકો છો. પણ હું સદા તમારી સાથે નથી.
માર્ક 14 : 8 (GUV)
જે તેનાથી બની શક્યું, તે તેણે કર્યું છે. દફનને માટે અગાઉથી તેણે મારા શરીરને અત્તર ચોળ્યું છે.
માર્ક 14 : 9 (GUV)
વળી હું તમને ખરેખર કહું છું કે, આખા જગતમાં જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્‍ત્રીએ જે કર્યું છે, તે એની યાદગીરીમાં કહેવામાં આવશે.”
માર્ક 14 : 10 (GUV)
અને બારમાંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ માટે કે તે તેઓના હાથમાં તેમને સોંપે.
માર્ક 14 : 11 (GUV)
તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તેથી તે તેમને પરસ્વાધીન કરવાનો લાગ શોધતો હતો.
માર્ક 14 : 12 (GUV)
બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે લોકો પાસ્ખાયજ્ઞ કરતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને પૂછે છે, “તમે પાસ્ખા ખાવ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્‍છા છે?”
માર્ક 14 : 13 (GUV)
તે પોતાના શિષ્યોમાંના બે ને મોકલે છે, ને તેઓને કહે છે, “શહેરમાં જાઓ, ને પાણીની ગાગર લઈ જતો એક માણસ તમને મળશે; તેની પાછળ પાછળ જાઓ.
માર્ક 14 : 14 (GUV)
અને જ્યાં તે પેસે, ત્યાંના ઘરધણીને કહો, ઉપદેશક કહે છે કે, મારે ઊતરવાની ઓરડી ક્યાં છે કે, જ્યાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?
માર્ક 14 : 15 (GUV)
અને તે તમને એક મોટી મેડી શણગારેલી ને તૈયાર કરેલી બતાવશે; ત્યાં આપણે માટે તૈયારી કરેલી બતાવશે; ત્યાં આપણે માટે તૈયારી કરો.”
માર્ક 14 : 16 (GUV)
તે શિષ્યો નીકળીને શહેરમાં આવ્યા, ને જેવું તેમણે તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું. અને તેઓએ ત્યાં પાસ્ખા તૈયાર કર્યું.
માર્ક 14 : 17 (GUV)
સાંજ પડી ત્યારે બારની સાથે તે આવે છે.
માર્ક 14 : 18 (GUV)
તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને પરસ્વાધીન કરશે.”
માર્ક 14 : 19 (GUV)
તેઓ‍ શોકાતુર થવા લાગ્યા; અને એક પછી એક તેમને પૂછવા લાગ્યા, “શું તે હું છું?”
માર્ક 14 : 20 (GUV)
તેમણે તેઓને કહ્યું, “બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં બોળે છે તે જ તે છે.
માર્ક 14 : 21 (GUV)
માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જેનાથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે, તે માણસને હાયહાય! તે માણસ જો જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું થાત.”
માર્ક 14 : 22 (GUV)
તેઓ ખાતા હતા ત્યારે તેમણે રોટલી લઈને ને આશીર્વાદ માગીને તે ભાંગી, ને તેઓને આપીને કહ્યું, “લો; આ મારું શરીર છે.”
માર્ક 14 : 23 (GUV)
પછી પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો; અને બધાંએ તેમાંથી પીધું.
માર્ક 14 : 24 (GUV)
તેમણે તેઓને કહ્યું, “કરારનું આ મારું રક્ત છે કે, જે ઘણાને લીધે વહેવડાવવામાં આવ્યું છે.
માર્ક 14 : 25 (GUV)
હું તમને ખચીત કહું છું કે, જે દિવસે હું ઈશ્વરના રાજ્યમાં નવો નહિ પીઉં, તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષાનો રસ પીનાર નથી.”
માર્ક 14 : 26 (GUV)
ત્યાર પછી ગીત ગાઈને તેઓ જૈતુનના પહાડ પર ગયા.
માર્ક 14 : 27 (GUV)
ઈસુ તેઓને કહે છે, “તમે સહુ ઠોકર ખાશો, કેમ કે એવું લખેલું છે કે, ‘હું પાળકને મારીશ ને ઘેટાં વિખેરાઈ જશે.’
માર્ક 14 : 28 (GUV)
પરંતુ મારા પાછા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”
માર્ક 14 : 29 (GUV)
પણ પિતરે તેમને કહ્યું, “અગર જો બધા ઠોકર ખાય, તોપણ હું નહિ.”
માર્ક 14 : 30 (GUV)
ઈસુ તેને કહે છે, “હું તને ખચીત કહું છું કે, આજ રાત્રે જ, મરઘો બે વાર બોલ્યા અગાઉ, તું ત્રણ વાર મારો નકાર કરીશ.”
માર્ક 14 : 31 (GUV)
પણ તેણે બહુ જુસ્સાથી કહ્યું, “મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધાએ પણ એમ જ કહ્યું.
માર્ક 14 : 32 (GUV)
તેઓ ગેથસેમાને નામે એક જગાએ આવે છે. તે પોતાના શિષ્યોને કહે છે, “હું [ત્યાં જઈને] પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.”
માર્ક 14 : 33 (GUV)
તે પોતાની સાથે પિતર, યાકૂબ અને યોહાનને લઈ જાય છે, અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા.
માર્ક 14 : 34 (GUV)
પછી તે તેઓને કહે છે, “મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે! અહીં રહીને જાગતા રહો. ”
માર્ક 14 : 35 (GUV)
થોડે આગળ જઈને તેમણે જમીન પર પડીને પ્રાર્થના કરી કે, જો બની શકે તો આ ઘડી મારાથી દૂર થાઓ.”
માર્ક 14 : 36 (GUV)
તેમણે કહ્યું, “આબ્બા, પિતા, તમારાથી બધું થઈ શકે છે! આ પ્યાલો મારાથી દૂર કરજો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
માર્ક 14 : 37 (GUV)
પછી તે પાછા આવે છે, ને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે, “સિમોન, શું તું ઊંઘે છે? શું તું એક ઘડી પણ જાગતો રહી શકતો નથી?
માર્ક 14 : 38 (GUV)
જાગતા રહો અને પ્રાર્થના કરો કે, તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે ખરો, પણ દેહ અબળ છે.”
માર્ક 14 : 39 (GUV)
ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી.
માર્ક 14 : 40 (GUV)
અને પાછા આવીને તેમણે તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો [ઊંઘથી] ઘેરાયેલી હતી. તેમને શો જવાબ આપવો, એ તેઓ જાણતા ન હતા.
માર્ક 14 : 41 (GUV)
તે ત્રીજી વાર આવીને તેઓને કહે છે, “હવે ઊંઘ્યા કરો તથા આરામ લો! બસ છે, તે ઘડી આવી પહોંચી છે! જુઓ, માણસનો દીકરો પાપીઓના હાથમાં સ્વાધીન કરાય છે.
માર્ક 14 : 42 (GUV)
ઊઠો, આપણે જઈએ. જુઓ, મને જે પરસ્વાધીન કરે છે તે પાસે આવ્યો છે.”
માર્ક 14 : 43 (GUV)
તે બોલતા હતા તે જ પળે બારમાંનો એક એટલે યહૂદા, ને તેની સાથે મુખ્ય યાજકોની તથા શાસ્‍ત્રીઓની તથા વડીલોની પાસેથી ઘણા લોકો તરવારો અને સોટા લઈને પાસે આવે છે.
માર્ક 14 : 44 (GUV)
હવે તેમને પરસ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી, “જેને હું ચૂમીશ તે જ તે છે; તેને પકડીને ચોકસાઈથી લઈ જજો.”
માર્ક 14 : 45 (GUV)
તે આવ્યો કે તરત ઈસુની પાસે જઈને તે કહે છે, “રાબ્બી!” અને તે તેમને ચૂમ્યો.
માર્ક 14 : 46 (GUV)
તેઓએ તેમના પર હાથ નાખ્યા, ને તેમને પકડી લીધા.
માર્ક 14 : 47 (GUV)
પણ પાસે ઊભા‍‍ રહેનારાઓમાંના એકે તરવાર તાણીને મુખ્‍ય યાજકના દાસને મારીને તેનો કાન કાપી નાખ્યો.
માર્ક 14 : 48 (GUV)
ઈસુએ તેઓને કહ્યું, “જેમ લૂટારાની સામે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને મને પકડવાને આવ્યા છો શું?
માર્ક 14 : 49 (GUV)
હું દરરોજ તમારી આગળ મંદિરમાં બોધ કરતો હતો, ને તમે મને પકડ્યો નહિ! પણ શાસ્‍ત્રવચન પૂરાં થાય, માટે [આમ થાય છે.]
માર્ક 14 : 50 (GUV)
પછી બધા તેમને મૂકીને નાસી ગયા.
માર્ક 14 : 51 (GUV)
એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્‍ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ પાછળ આવતો હતો; તેઓએ તેને પકડ્યો.
માર્ક 14 : 52 (GUV)
પણ તે વસ્‍ત્ર મૂકીને ઉઘાડે શરીરે તેઓ પાસેથી નાસી ગયો.
માર્ક 14 : 53 (GUV)
તેઓ ઈસુને પ્રમુખ યાજક પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્‍ત્રીઓ તેમની સાથે ભેગા થાય છે.
માર્ક 14 : 54 (GUV)
પિતર ઘણે દૂર રહીને તેમની પાછળ પાછળ ચાલતો છેક પ્રમુખ યાજકના‍ ચોકની અંદર આવ્યો હતો; અને ભાલદારોની સાથે બેસીને [અંગારાની] રોશનીમાં તાપતો હતો.
માર્ક 14 : 55 (GUV)
હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા માટે તેમની વિરદ્ધ સાક્ષી શોધી; પણ તેઓને કંઈ જડી નહિ.
માર્ક 14 : 56 (GUV)
કેમ કે ઘણાઓએ તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.
માર્ક 14 : 57 (GUV)
કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું,
માર્ક 14 : 58 (GUV)
“અમે તેને એમ કહેતાં સાંભળ્યો કે, હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ, અને ત્રણ દિવસમાં વગર હાથે બનેલું હોય એવું બીજું [મંદિર] બાંધીશ.”
માર્ક 14 : 59 (GUV)
એમાં પણ તેઓની સાક્ષી મળતી નહોતી.
માર્ક 14 : 60 (GUV)
પછી પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું, “શું તું કંઈ ઉત્તર આપતો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?”
માર્ક 14 : 61 (GUV)
પણ તે છાના રહ્યા, ને કંઈ ઉત્તર દીધો નહિ, ફરી પ્રમુખ યાજક તેમને પૂછે છે, “શું તું સ્‍તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?”
માર્ક 14 : 62 (GUV)
ઈસુએ તેને કહ્યું, “હું છું; અને માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલો તથા આકાશનાં વાદળાંસહિત આવતો તમે જોશો.”
માર્ક 14 : 63 (GUV)
પ્રમુખ યાજક પોતાનાં વસ્‍ત્ર ફાડીને કહે છે, “હવે આપણને બીજી સાક્ષીની શી અગત્ય છે?
માર્ક 14 : 64 (GUV)
તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે; તમને શું લાગે છે?” સર્વએ તેમને મરણદંડને યોગ્ય ઠરાવ્યા.
માર્ક 14 : 65 (GUV)
પછી કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા, તથા તેમને મુક્‍કીઓ મારીને તેમને કહેવા લાગ્યા, “ [તું પ્રબોધક હોય તો] કહી બતાવ!” અને ભાલદારોએ તેમને તમાચા માર્યા.
માર્ક 14 : 66 (GUV)
હવે પિતર નીચે ચોકમાં હતો, ત્યારે પ્રમુખ યાજકની એક દાસી ત્યાં આવે છે.
માર્ક 14 : 67 (GUV)
અને પિતરને તાપતો જોઈને તેને નિહાળીને કહે છે, “તું પણ ઈસુ નાઝારીની સાથે હતો.”
માર્ક 14 : 68 (GUV)
પણ તેણે ઇનકાર કરીને કહ્યું, “તું શું કહે છે, તે હું જાણતો નથી તેમ સમજતો પણ નથી.” પછી તે બહાર પરસાળમાં ગયો, એટલે મરઘો બોલ્યો.
માર્ક 14 : 69 (GUV)
પછી તે દાસી તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી, “એ તેઓમાંનો છે.”
માર્ક 14 : 70 (GUV)
પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડી વાર પછી પાસે ઊભા રહેનારાઓએ પિતરને ફરી કહ્યું, “ખરેખર તું તેઓમાંનો છે; કેમ કે તું ગાલીલનો છે.”
માર્ક 14 : 71 (GUV)
પણ તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો, “જે માણસ વિષે તમે બોલો છો, તેને હું ઓળખતો જ નથી.”
માર્ક 14 : 72 (GUV)
તરત મરઘો બીજી વાર બોલ્યો. ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, ‘મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.’ તે તેને યાદ આવી, અને તે પર મન લગાડીને તે રડ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72

BG:

Opacity:

Color:


Size:


Font: