Matthew 12 : 1 (GUV)
તે સમયે, ઈસુ વિશ્રામવારે પોતાના શિષ્યો સાથે અનાજના ખેતરોમાંથી જતો હતો. તેના શિષ્યો ભૂખ્યા થયા હતા. તેથી તેઓ અનાજના કણસલાં તોડી ખાવા લાગ્યા.
Matthew 12 : 2 (GUV)
ફરોશીઓએ આ જોયું અને તેમણે ઈસુને કહ્યું: “જો! તારા શિષ્યો શાસ્ત્રના નિયમનો ભંગ કરે છે. અને અનાજના કણસલાં તોડે છે જે વિશ્રામવારે કરવાની મનાઈ છે.”
Matthew 12 : 3 (GUV)
ઈસુએ તેમને કહ્યું, “શું તમે વાંચ્યું છે કે જ્યારે દાઉદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા ત્યારે દાઉદે શું કર્યુ હતું?
Matthew 12 : 4 (GUV)
દાઉદ દેવના ઘરમાં ગયો હતો અને દેવને અર્પેલી રોટલી ખાવાની છૂટ ફક્ત યાજકોને હોય છે તે તેણે ખાધી હતી. આ નિયમશાસ્ત્રનો ભંગ ન હતો?
Matthew 12 : 5 (GUV)
શું મૂસાના નિયમશાસ્ત્રમાં તમે કદીયે વાચ્યું નથી? વિશ્રામવારે ફરજ પાલન કરનારા યાજકો નિયમનો ભંગ કરે અને છતાં પણ તેમને દોષિત ગણાવતા નથી?
Matthew 12 : 6 (GUV)
હું તમને કહું છું, અહીં એવું કોઈક છે કે જે મંદિર કરતાં પણ મોટો છે.
Matthew 12 : 7 (GUV)
શાસ્ત્રો કહે છે, ‘મારે પ્રાણીના યજ્ઞો નથી જોઈતા; પણ હું લોકોમાં દયા ચાહું છું’ તમે જો શાસ્ત્રોના આ શબ્દોના સાચા અર્થો સમજતા હોત તો જેઓ નિર્દોષ છે, તેઓને દોષિત ન ઠરાવત.
Matthew 12 : 8 (GUV)
“આ માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
Matthew 12 : 9 (GUV)
ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યો.
Matthew 12 : 10 (GUV)
ત્યાં સભાસ્થાનમાં એક વ્યક્તિ હતી જેનો હાથ અપંગ હતો. તેથી લોકોએ ઈસુને પૂછયું, “શું નિયમશાસ્ત્ર અનુસાર વિશ્રામવારે કોઈને સાજો કરવો એ શું યોગ્ય ગણાય?”
Matthew 12 : 11 (GUV)
ઈસુએ ઉત્તર આપ્યો, “ધારો કે તમારી પાસે એક ઘેટું હોય અને વિશ્રામવારે તે ખાડામાં પડી ગયું હોય તો શું તમે તેને પકડી ખાડામાંથી બહાર નહિ કાઢો?
Matthew 12 : 12 (GUV)
ઘેટાં કરતાં મનુષ્ય વધારે મૂલ્યવાન છે, માટે વિશ્રામવારે ભલાઈનાં કામ કરવાની નિયમશાસ્ત્ર અનુસાર મંજૂરી હોય છે.”
Matthew 12 : 13 (GUV)
પછી ઈસુએ પેલા માણસને કહ્યું, “તારો હાથ મને જોવા દે.” તે માણસે પોતાને હાથ ઈસુ પાસે ધર્યો કે તરત જ તેનો હાથ બીજા હાથ જેવો થઈ ગયો.
Matthew 12 : 14 (GUV)
ફરોશીઓ ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુને મારી નાખવાની યોજના બનાવી.
Matthew 12 : 15 (GUV)
ફરોશીઓ શું કરવાના છે, તેની ઈસુને જાણ થઈ. તેથી ઈસુ તે જગ્યા છોડી ચાલ્યો ગયો. ઘણા લોકો તેની પાછળ ગયા. ઈસુએ બધા જ બિમાર લોકોને સાજા કર્યા.
Matthew 12 : 16 (GUV)
ઈસુએ લોકોને ચેતવણી આપી કે તે કોણ હતો, તે બીજા લોકોને કહેવું નહિ.
Matthew 12 : 17 (GUV)
આમ બન્યુ, જેથી યશાયા પ્રબોધકના શબ્દો સાચા પુરવાર થયા,
Matthew 12 : 18 (GUV)
“જુઓ, આ મારો સેવક છે; જેને મેં પસંદ કર્યો છે; હું તેને પ્રેમ કરું છું અને એનાથી હું સંતુષ્ટ છું; હું મારો આત્મા તેનામાં મૂકીશ, અને તે બધા દેશોના લોકોનો ન્યાય કરશે.
Matthew 12 : 19 (GUV)
તે વાદવિવાદ કરશે નહિ કે બૂમો પાડશે નહિ; લોકો તેને શેરીઓમાં ઊંચા અવાજે બોલતો સાંભળશે નહિ.
Matthew 12 : 20 (GUV)
કારણ કે ન્યાયનો વિજય ન થાય ત્યાં સુધી બરું જેવા કમજોરને તે કચડી નાખશે નહિ; કે મંદ મંદ સળગતી જ્યોતને તે હોલવી નાખશે નહિં. બધા જ દેશોને ન્યાયનો વિજય થશે ત્યાં સુધી પોતાનું કાર્ય ચાલુ રાખશે.
Matthew 12 : 21 (GUV)
બધા જ રાષ્ટ્રોના લોકો તેનામાં આશા રાખશે.”
Matthew 12 : 22 (GUV)
પછી કેટલાએક માણસો એક માણસને ઈસુ પાસે લાવ્યા. તે અંધ હતો અને બોલી પણ શકતો ન હતો, કારણ તેનામાં ભૂત હતું. ઈસુએ તેને સાજો કર્યો. તે માણસ બોલતો થયો અને દેખતો પણ થયો.
Matthew 12 : 23 (GUV)
બધા જ લોકો આશ્ર્ચર્યમુગ્ધ થઈ ગયા અને કહેવા લાગ્યા કે, “તે (ઈસુ) દાઉદનો દીકરો હોય તેમ બની શકે! જેને દેવે આપણી પાસે મોકલવાનું વચન આપ્યું છે!”
Matthew 12 : 24 (GUV)
જ્યારે ફરોશીઓએ સાંભળ્યું ત્યારે કહેવા લાગ્યા, “ઈસુ ભૂતોના રાજા બઆલઝબૂલની મદદથી ભૂતોને હાંકી કાઢે છે.”
Matthew 12 : 25 (GUV)
ઈસુને જ્યારે તેમના વિચારોની જાણ થઈ, ત્યારે ઈસુએ કહ્યું, “દરેક રાજ્ય અંદરો અંદર લડે તો તેનો નાશ થાય છે. દરેક શહેરમાં જ્યારે ભાગલા પડે તો તે લાંબો સમય ટકી શકતું નથી. તેમ દરેક કુટુંબમાં પણ ભાગલા પડે તો તે કુટુંબ ઊભું રહી શકે નહિ.
Matthew 12 : 26 (GUV)
તે રીતે જો શેતાન શેતાનને હાંકી કાઢે તો તેના પોતાનાથી જ છૂટો પડે તો પછી તેનું રાજ્ય કેવી રીતે ટકાવી શકે.
Matthew 12 : 27 (GUV)
તમે કહો છો કે ભૂતોને કાઢી મૂકવા હૂં બાલઝબૂલનો ઉપયોગ કરું છું, જો એ સાચુ હોય તો તમારા લોકો ભૂતોને હાંકી કાઢવા કઈ શક્તિનો ઉપયોગ કરે છે? આથી તમારા લોકો જાતે જ સાબિત કરે છે કે, તમે ખોટા છો.
Matthew 12 : 28 (GUV)
પણ હું તો ભૂતોને કાઢવા દેવના આત્માના સાર્મથ્યનો ઉપયોગ કરું છું. જે બતાવે છે કે હવે દેવનું રાજ્ય તમારી નજીક આવી રહ્યું છે.
Matthew 12 : 29 (GUV)
જો કોઈએ બળવાનના ઘરમાં પ્રવેશ કરવો હોય અને તેની વસ્તુઓ ચોરી લેવી હોય તો, પહેલા તો બળવાન માણસને તમારે બાંધી દેવો જોઈએ, પછી જ તે માણસના ઘરમાં કોઈપણ વ્યક્તિ તેની વસ્તુઓની ચોરી કરી શકે છે.
Matthew 12 : 30 (GUV)
જો જે વ્યક્તિ મારી સાથે નથી તો તે મારી વિરૂદ્ધમાં છે. જે મારી સાથે કામ કરી શકતો નથી, તે મારી વિરૂદ્ધમાં કામ કરે છે.
Matthew 12 : 31 (GUV)
“તેથી હું કહું છું, લોકોએ કરેલું દરેક પાપ અને પ્રત્યેક દુર્ભાષણ આ બધુજ માફ થઈ શકે છે. પણ જે કોઈ માણસ પવિત્ર આત્માની વિરૂદ્ધ જે દુર્ભાષણ કરે છે તે માણસને માફ નહિ કરાશે.
Matthew 12 : 32 (GUV)
કોઈ માણસના દીકરાની વિરૂદ્ધ બોલે તો તેને માફ થઈ શકે, પરંતુ કોઈ પવિત્ર આત્માની વિરૂદ્ધ બોલે તો તે વ્યક્તિને માફ કરી શકાય નહિ. આ યુગમાં પણ નહિ, ને આવનાર યુગમાં પણ નહિ.
Matthew 12 : 33 (GUV)
“જો તમારે સારું ફળ જોઈતું હોય તો સારું વૃક્ષ રોપવું જોઈએ, તમારું વૃક્ષ સારું નહિ હોય તો તેને ખરાબ ફળ મળશે. વૃક્ષની ઓળખાણ તેના ફળથી જાણી શકાય છે.
Matthew 12 : 34 (GUV)
ઓ સર્પોના વંશ, તમે જ ખરાબ હો તો સારી વાત કેવી રીતે કરી શકો? તમારા હૃદયમાં જે કાંઈ ભર્યુ છે તે જ મુખ બોલે છે.
Matthew 12 : 35 (GUV)
સારા માણસના હૃદયમાં સારી વસ્તુ સંધરેલી હોય તો તે સારું જ ખોલે છે. પણ જો દુષ્ટના હૃદયમાં ખરાબ વાત સંઘરેલી હોય તો તેને હોઠે ખરાબ વાત જ બોલાય છે.
Matthew 12 : 36 (GUV)
પણ હું તમને કહું છું કે ન્યાયકાળે દરેક વ્યક્તિએ તેણે બોલેલા પ્રત્યેક અવિચારી શબ્દ માટે ઉત્તર આપવો પડશે.
Matthew 12 : 37 (GUV)
તમે બોલેલા શબ્દોના આધારે જ તમારો ન્યાય કરવામાં આવશે, તમારી કહેલી કેટલીક વાતો તમને નિર્દોષ ઠરાવશે. અને તમારી કહેલી કેટલીક વાતો તમને દોષિત કરાવશે.”
Matthew 12 : 38 (GUV)
એક દિવસે કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુની પાસે આવ્યા. તેમણે કહ્યું, “ઉપદેશક, અમને નિશાનીરૂપે કંઈ ચમત્કાર કરી બતાવ.”
Matthew 12 : 39 (GUV)
ઈસુએ કહ્યું, “દેવળ દુષ્ટ અને અવિશ્વાસી લોકો જ નિશાની તરીકે ચમત્કારની માંગણી કરે છે. પરંતુ યૂના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ નિશાની અપાશે નહિ.
Matthew 12 : 40 (GUV)
જેમ યૂના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રહ્યો તેમ માણસનો દોકરો પૃથ્વીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેશે.
Matthew 12 : 41 (GUV)
ન્યાયકાળે નિનવેહના લોકો આજની પેઢીના તમારા લોકો સાથે ઊભા રહેશે, અને તમને દોષિત ઠરાવશે. કેમ કે જ્યારે યૂનાએ તેઓને ઉપદેશ આપ્યો, ત્યારે તેઓએ પસ્તાવો કર્યો અને પોતાના ખરાબ માર્ગ છોડી દઈ દેવની તરફ વળ્યા. પણ જુઓ યૂના કરતાં અહીં એક મોટો છે તો પણ તમે તેના પર વિશ્વાસ કરવાનો ઈન્કાર કરો છો.
Matthew 12 : 42 (GUV)
“ન્યાયના દિવસે શેબાની રાણી આજની પેઢીના તમારા લોકો સાથે ઊભી રહેશે કારણ કે ઘણે દૂરથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી. અહીં સુલેમાન કરતાં પણ એક મોટો છે.
Matthew 12 : 43 (GUV)
“અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી ઉજજડ સ્થળોએ વિસામો શોધતો ફરે છે પણ એને એવું કોઈજ સ્થળ વિસામા માટે મળતું નથી.
Matthew 12 : 44 (GUV)
તેથી તે કહે છે, ‘જેના ઘેરથી (વ્યક્તિ) હું નીકળ્યો છું તેના જ ઘરે (વ્યક્તિ) હું પાછો જઈશ. તેથી તે પાછો આવે છે અને જુએ છે તો પેલા માણસનું ઘર ખાલી સ્વચ્છ અને સુઘડ બનાવેલું છે.
Matthew 12 : 45 (GUV)
પછી તે અશુદ્ધ આત્મા જાય છે અને પોતાના કરતાં વધુ ભૂંડા એવા સાત અશુદ્ધ આત્માઓને લાવે છે. અને એ બધાજ પેલા માણસમાં પ્રવેશીને રહે છે. આ અગાઉ કરતાં તેની દશા વધારે કફોડી બને છે. આ દુષ્ટ પેઢીના લોકો જે આજે છે તેમની હાલત પણ એવી જ થશે.”
Matthew 12 : 46 (GUV)
ઈસુ જ્યારે લોકોને વાત કરી રહયો હતો ત્યારે તેની સાથે વાત કરવાની ઈચ્છાથી તેની મા અને ભાઈઓ ઘરની બહાર ઊભા રહ્યા હતા.
Matthew 12 : 47 (GUV)
એક માણસે ઈસુને આવીને કહ્યું, “તારી મા અને ભાઈઓ તારી સાથે વાત કરવાની ઈચ્છાથી તારી રાહ જોઈને બહાર ઊભા રહ્યાં છે.”
Matthew 12 : 48 (GUV)
ઈસુએ ઉત્તર આપ્યો, “કોણ મારી મા અને કોણ મારા ભાઈઓ?”
Matthew 12 : 49 (GUV)
પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ આંગળી ચીંધી ને કહ્યું, “જુઓ! આ લોકો જ મારી મા અને મારા ભાઈઓ છે.
Matthew 12 : 50 (GUV)
મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે જે વર્તે છે તે જ મારા ભાઈ, બહેન, અને મા છે.”
❮
❯