ઝખાર્યા 14 : 1 (GUV)
“જો, યહોવાનો એક એવો દિવસ આવે છે કે જ્યારે તારી લૂંટ તારી મધ્યે વહેંચવામાં આવશે.
ઝખાર્યા 14 : 2 (GUV)
કેમ કે હું સર્વ પ્રજાઓને યરુશાલેમની સામે યુદ્ધ કરવાને એકત્ર કરીશ; અને તે નગર સર કરવામાં આવશે, ઘરો લૂંટવામાં આવશે, ને સ્ત્રીઓની આબરૂ લેવામાં આવશે. અડધું નગર ગુલામગીરીમાં જશે, પણ બાકીના લોકોને નગરમાંથી કાપી નાખવામાં આવશે નહિ.”
ઝખાર્યા 14 : 3 (GUV)
ત્યાર પછી યહોવા, જેમ પોતે યુદ્ધને દિવસે લડયા હતા તેમ, તે પ્રજાઓની સામે જઈને લડશે.
ઝખાર્યા 14 : 4 (GUV)
તે દિવસે તેમના પગ યરુશાલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતૂન પર્વત પર ઊભા રહેશે, ને જૈતૂન પર્વત વચ્ચોવચથી પૂર્વ તરફ ને પશ્ચિમ તરફ ફાટશે, જેથી બહુ મોટી ખીણ થઈ જશે; અડધો પર્વત ઉત્તર તરફ ને અડધો દક્ષિણ તરફ ખસી જશે.
ઝખાર્યા 14 : 5 (GUV)
તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો, કેમ કે પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. હા, યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપથી જેમ તમે નાસી છૂટયા હતા તેમ તમે નાસી જશો; અને મારો ઇશ્વર યહોવા પોતાની સાથે સર્વ પવિત્રોને લઈને આવશે.
ઝખાર્યા 14 : 6 (GUV)
તે દિવસે અજવાળામાં [ચોખ્ખો] પ્રકાશ કે [ચોખ્ખો] અંધકાર હશે નહિ.
ઝખાર્યા 14 : 7 (GUV)
પણ તે એવો દિવસ હશે‍ કે જે વિષે યહોવા જ જાણે છે. એટલે દિવસ નહિ, તેમ રાત પણ નહિ; પણ એવું બનશે કે, સાંજની વખતે અજવાળું હશે.
ઝખાર્યા 14 : 8 (GUV)
વળી તે દિવસે યરુશાલેમમાંથી જીવતાં પાણી નીકળીને વહેશે; એટલે અડધાં પૂર્વ સમુદ્ર તરફ ને અડધાં પશ્ચિમ સમુદ્ર તરફ; એમ ઉનાળામાં તથા શિયાળામાં પણ થશે.
ઝખાર્યા 14 : 9 (GUV)
યહોવા આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવા એક જ મનાશે, ને તેમનું નામ એક જ હશે.
ઝખાર્યા 14 : 10 (GUV)
આખો દેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી બદલાઈને મેદાન થઈ જશે. બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજા સુધી, અને હનાનેલના બુરજથી તે રાજાના દ્રાક્ષાકુંડ સુધી, [યરુશાલેમને] ઊંચું કરવામાં આવશે, અને તે પોતાને સ્થાને રહેશે.
ઝખાર્યા 14 : 11 (GUV)
માણસો તેમાં વસશે, ને ફરીથી શાપ આવશે નહિ; પણ યરુશાલેમ સહીસલામત રહેશે.
ઝખાર્યા 14 : 12 (GUV)
જે સર્વ પ્રજાઓએ યરુશાલેમની વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે તેમના ઉપર યહોવા મરકીનો માર લાવશે: [એ માર એવો આવશે કે] તેઓ પોતાને પગે ઊભા હશે એટલામાં તેમનું માંસ ક્ષીણ થઈ જશે, તેમની આંખો તેઓના ખાડામાં ક્ષીણ થઈ જશે.
ઝખાર્યા 14 : 13 (GUV)
તે દિવસે યહોવા તરફથી તેઓમાં મોટો ગભરાટ થઈ રહેશે. તેઓ એકબીજાના હાથ પકડશે, ને દરેક માણસન હાથ પોતાના પડોશીના હાથ સામે ઉઠાવવામાં આવશે.
ઝખાર્યા 14 : 14 (GUV)
વળી યહૂદિયા પણ યરુશાલેમની સામે યુદ્ધ મચાવશે; અને આસપાસની સર્વ પ્રજાઓની સંપત્તિ, એટલે સોનું, રૂપું તથા વસ્ત્રો મોટા જથાબંધ ભેગાં કરવામાં આવશે.
ઝખાર્યા 14 : 15 (GUV)
અને [ઉપર કહ્યા પ્રમાણે] તે છાવણીઓમાંના ઘોડાઓનો, ખચ્ચરોનો, ઊંટોનો, ગધેડાનો તથા સર્વ પશુઓનો મરો થશે.
ઝખાર્યા 14 : 16 (GUV)
યરુશાલેમ સામે ચઢી આવેલી સર્વ પ્રજાઓમાંનો બચી ગયેલો દરેક માણસ રાજાની, એટલે સૈન્યોના [ઈશ્વર] યહોવાની આરાધના કરવા તથા માંડવાપર્વ પાળવા વર્ષોવર્ષ જશે.
ઝખાર્યા 14 : 17 (GUV)
પૃથ્વી પરની પ્રજાઓમાંથી જે કોઈ [પોતાના] રાજા, એટલે સૈન્યોના [ઈશ્વર] યહોવાની આરાધના કરવાને યરુશાલેમ નહિ જાય, તેમા પર વરસાદ આવશે નહિ.
ઝખાર્યા 14 : 18 (GUV)
અને જો મિસરના લોકો ત્યાં જાય નહિ, તો તેમનામાં મરકી ચાલશે; જે પ્રજાઓ માંડવાપર્વ પાળવાને જાય નહિ તેઓમાં મરકી મોકલીને યહોવા તેમને મારશે.
ઝખાર્યા 14 : 19 (GUV)
મિસરને તથા માંડવાપર્વ પાળવા નહિ જનારી સર્વ પ્રજાઓને એ સજા થશે.
ઝખાર્યા 14 : 20 (GUV)
તે દિવસે ઘોડાઓની ઘંટડીઓ ઉપર ‘યહોવાને માટે પવિત્ર’ [એ શબ્દો] હશે; અને યહોવાના મંદિરમાંનાં તપેલાં વેદી આગળના પ્યાલા જેવાં થશે.
ઝખાર્યા 14 : 21 (GUV)
હા, યરુશાલેમમાંનું તથા યહૂદિયામાંનું દરેક તપેલું સૈન્યોના [ઈશ્વર] યહોવાને માટે પવિત્ર થશે. અને બલિદાન આપનારા સર્વ માણસો આવીને તેમાંના કેટલાંક [તપેલાં] લઈને તેમાં બાફશે; અને તે સમયે સૈન્યોના [ઈશ્વર] યહોવાના મંદિરમાં કદી કોઈ કનાની હશે નહિ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: