Jeremiah 14 : 1 (GUV)
યહોવા શા માટે વરસાદને રોકી રાખતા હતાં તે સમજાવતો આ વચન, યહોવા તરફથી યમિર્યા પાસે આવ્યું:
Jeremiah 14 : 2 (GUV)
“યહૂદિયા શોકમાં છે, તેનાં નગરો મરવા પડ્યા છે, તેનાં માણસો દુ:ખના માર્યા ભૂમિ પર ઢળી પડ્યા છે. યરૂશાલેમમાંથી મદદ માટે પોકાર ઊઠે છે.
Jeremiah 14 : 3 (GUV)
ધનવાનો પોતાના ચાકરોને પાણી લાવવા માટે ટાંકા પાસે મોકલે છે, પણ તેમાં પાણી હોતું નથી. તેઓ ખાલી ઘડા લઇને પાછા ફરે છે; ચાકરો સંતાપથી અને હતાશ થઇનેં દુ:ખને કારણે પોતાનાં માથાં ઢાંકે છે.
Jeremiah 14 : 4 (GUV)
વરસાદ વિના ધરતી સુકાઇ ગઇ છે. અને તેમાં તિરાડો પડી છે. ખેડૂતો હેબતાઇ ગયા છે. તેઓ પોતાનાં ચેહરા છુપાવે છે.
Jeremiah 14 : 5 (GUV)
ઘાસની અછતને કારણે હરણી પણ પોતાનાં તાજાં જન્મેલા બચ્ચાંનો ત્યાગ કરે છે.
Jeremiah 14 : 6 (GUV)
જંગલી ગધેડાં ઉજ્જડ ટેકરા પર ઊભાં ઊભાં શિયાળવાની જેમ હવાને માટે હાંફે છે. તેમની આંખે જાંખ વળે છે અને અંધારા આવે છે. કારણ કે, તેઓને ખાવા માટે ઘાસ નથી.”
Jeremiah 14 : 7 (GUV)
લોકો કહે છે, “અમારા પાપો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવા, તારા નામ ખાતર કઇંક કર; અમે અનેકવાર તારો ત્યાગ કર્યો છે, અમે તારી વિરુદ્ધ પાપ કર્યું છે.
Jeremiah 14 : 8 (GUV)
હે યહોવા, ઇસ્રાએલની એક માત્ર આશા, સંકટ સમયના તારણહાર, તું અમારા દેશમાં પારકા જેવો કેમ છે? એક રાત માટે મુકામ કરતા વટેમાર્ગુ જેવો કેમ થઇ ગયો છે?
Jeremiah 14 : 9 (GUV)
તમે પણ શું મૂંઝવણમાં છો? અમારો બચાવ કરવા શું તમે નિ:સહાય છો? હે યહોવા, તમે અહીં અમારી મધ્યે છો અને અમે તમારું નામ ધારણ કરીએ છીએ; અમે તમારા લોક છીએ. હે યહોવા, હવે અમારો ત્યાગ કરશો નહિ!”
Jeremiah 14 : 10 (GUV)
યહોવા આ લોકો વિષે કહે છે, “એ લોકોને ભટકવામાં એટલો આનંદ આવે છે કે, તેઓ પોતાના પગને કાબૂમાં રાખી શકતાં નથી; આથી હું એમના પર પ્રસન્ન નથી. હું હમણા તેમના અપરાધો, ને તેમનાં પાપોની સજા કરનાર છું.”
Jeremiah 14 : 11 (GUV)
ત્યારબાદ યહોવાએ મને કહ્યું, “મને આ લોકોને મદદ કરવાનું કહેવા માટે થઇને મારી પ્રાર્થના કરીશ નહિ.
Jeremiah 14 : 12 (GUV)
એ લોકો ઉપવાસ કરશે તોયે, હું એમની પ્રાર્થના સાંભળનાર નથી. તેઓ મને દહનાર્પણ અને ખાદ્યાર્પણ ચઢાવે તોયે, હું પ્રસન્ન થનાર નથી. હું તેમનો યુદ્ધ દુકાળ, અને રોગચાળાથી અંત લાવીશ.”
Jeremiah 14 : 13 (GUV)
પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવા, અહીયાં પ્રબોધકો તો તેમને એમ કહે છે કે, ‘તમારે યુદ્ધ જોવું નહિ પડે કે દુકાળ વેઠવો નહિ પડે. આ દેશમાં સદા શાંતિ અને સલામતી રહેશે.”‘
Jeremiah 14 : 14 (GUV)
ત્યારે યહોવાએ કહ્યું, “પ્રબોધકો મારે નામે જૂઠાણું ચલાવે છે. મેં એમને મોકલ્યા નથી, મેં એમને કોઇ આજ્ઞા આપી નથી. તે પ્રબોધકો તમને ખોટાં સંદર્શનો, નકામી આગાહીઓ અને પોતાનાં ભ્રામક દિવ્યસ્વપ્નો સંભળાવે છે.
Jeremiah 14 : 15 (GUV)
તેથી યહોવા કહે છે, મેં મોકલ્યા નહોતાં છતાં જે જૂઠાં પ્રબોધકો મારા નામે ભવિષ્ય ભાખે છે અને કહે છે કે, ‘આ દેશમાં યુદ્ધ થાય કે દુકાળ પડે એમ નથી.’ તેમના સંબંધમાં મારાં વચન આ પ્રમાણે છે: એ પ્રબોધકો તરવાર અને દુકાળનો ભોગ બનશે.
Jeremiah 14 : 16 (GUV)
જે લોકોને પ્રબોધકો ભવિષ્યવાણી સંભળાવે છે, તેમની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓ સહિત તરવાર અને દુકાળના ભોગ બની તેઓ યરૂશાલેમના રસ્તાઓ પર ફેંકાઇ જશે. કોઇ તેમને દફનાવનાર પણ નહિ હોય. હું તેમને દુષ્ટતાના ફળ ચખાડીશ.”
Jeremiah 14 : 17 (GUV)
યહોવાએ મને કહ્યું, “તારે લોકોની આગળ આ પ્રમાણે કહેવું; ‘મારી આંખોમાંથી દિનરાત અવિરત અશ્રુધારા વહ્યા કરો, કારણ, મારી પ્રજા દારૂણ આઘાતથી ઘવાઇને ઢળી પડી છે.
Jeremiah 14 : 18 (GUV)
જો હું ખેતરોમાં જાઉં છું, તો યુદ્ધમાં તરવારથી માર્યા ગયેલાઓનાં મૃતદેહો ત્યાં પડ્યા છે; જો હું શહેરમાં જાઉં છું, તો ત્યાં લોકોને દુકાળથી પીડાતાં જોઉં છું. પ્રબોધકો અને યાજકો સુદ્ધાં આમ તેમ ભટક્યા કરે છે. શું કરવું તે તેમને સૂઝતું નથી!”‘
Jeremiah 14 : 19 (GUV)
લોકો કહે છે, “હે યહોવા, શું તમે યહૂદિયાને સંપૂર્ણ પણે તજી દીધું છે? શું તમે યરૂશાલેમને ધિક્કારો છો? શું શિક્ષા પછી પણ ત્યાં શાંતિ નહિ સ્થપાય? તે અમને સાજાપણું આપશે તથા અમારા ઘા પર પાટા બાંધશે એવું અમે માનતા હતા. પરંતુ શાંતિ સ્થપાઇ નહિ અને સર્વત્ર ફકત સંકટ અને ત્રાસ જ જોવા મળે છે.
Jeremiah 14 : 20 (GUV)
હે યહોવા, અમે અમારી દુષ્ટતા અને અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; અમે પોતે પણ તારી વિરુદ્ધ પાપો આચર્યા છે.
Jeremiah 14 : 21 (GUV)
તારા નામની ખાતર અમારો ત્યાગ ના કરીશ, તારા ગૌરવ પ્રતાપી સિંહાસન યરૂશાલેમને બેઆબરૂ ના કરીશ. અમારી સાથેના તારા કરારનું સ્મરણ કર, તેનો ભંગ કરીશ નહિ.
Jeremiah 14 : 22 (GUV)
બીજી પ્રજાઓમાંના જૂઠા દેવોમાંથી કયો વિદેશી દેવ વરસાદ લાવી શકે? અથવા આકાશ પોતાની જાતે ઝાપટાં વરસાવી શકે, હે યહોવા, અમારા દેવ, માત્ર તમે જ તેમ કરી શકો છો. તેથી મદદ માટે અમે તમારી જ આશા રાખીશું.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22