યશાયા 31 : 1 (GUV)
અફસોસ છે તેઓને કે જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે, ને ઘોડાઓ પર આધાર રાખે છે! અરે રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે, ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે! પણ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની તરફ તેઓ દષ્ટિ કરતા નથી, ને યહોવાને શોધતા નથી!
યશાયા 31 : 2 (GUV)
તથાપિ ઈશ્વર જ્ઞાની છે, ને આફત લાવે છે, ને પોતાના શબ્દો મિથ્યા કરતા નથી; અને દુષ્ટોનાં સંતાનોની સામે, ને અન્યાય કરનારાને સહાય [કરનાર] ની સામે તે ઊઠે છે.
યશાયા 31 : 3 (GUV)
હવે મિસરીઓ તો માણસ છે, તેઓ ઈશ્વર નથી; તેમના ઘોડા માંસ છે, તેઓ આત્મા નથી; જ્યારે યહોવા પોતાનો હાથ લાંબો કરશે, ત્યારે જે સહાય કરનાર છે તે ઠોકર ખાશે, ને સહાય લેનાર પડી જશે, તેઓનો એકત્ર નાશ થઈ જશે.
યશાયા 31 : 4 (GUV)
કેમ કે યહોવાએ મને કહ્યું છે, “જ્યારે સિંહ તથા સિંહનો બચ્ચો પોતાના શિકાર પર ઘૂરકે છે, ત્યારે જો તેની સામા ભરવાડોનો મોટો જથો બોલાવવામાં આવે, તો તેઓની બૂમ સાંભળીને તે બી જતો નથી, અને તેમના હોકારાથી તે ભયભીત થતો નથી; તેમ સૈન્યોના યહોવા સિયોન પર્વત પર, તથા તેના ડુંગર પર યુદ્ધ કરવાને ઊતરી આવશે.
યશાયા 31 : 5 (GUV)
ઊડનારાં પક્ષીની જેમ સૈન્યોના ઈશ્વર યહોવા યરુશાલેમ પર આચ્છાદન કરશે; તે આચ્છાદન કરીને તેને છોડાવશે, તેને છોડાવીને તે તેનું રક્ષણ કરશે.
યશાયા 31 : 6 (GUV)
હે ઇઝરાયલીઓ જેમની સામે તમે ભારે ફિતૂર કરેલું છે, તેમની તરફ ફરો.
યશાયા 31 : 7 (GUV)
કેમ કે તે દિવસે તેઓ દરેક પોતાની સોનારૂપાની મૂર્તિ કે, જે તમારા પોતાના હાથોએ પોતાને માટે પાપરૂપ કરી છે, તેઓને ફેંકી દેશે.
યશાયા 31 : 8 (GUV)
ત્યારે જે તરવાર માણસની નથી તેથી આશૂર પડશે; અને જે તરવાર માણસની નથી તે તેનો સંહાર કરશે; અને તેની આગળથી તે નાસશે, ને તેના જુવાનો વેઠિયા થશે.
યશાયા 31 : 9 (GUV)
તેનો ખડક ભયને લીધે જતો રહેશે, ને તેના સરદારો ધ્વજાથી બીશે.” યહોવા, જેનો અગ્નિ સિયોનમાં, ને જેની ભઠ્ઠી યરુશાલેમમાં છે, તેમનું કહેવું એમ છે.

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: