નીતિવચનો 30 : 1 (GUV)
યાકેના પુત્ર આગૂરનાં વચનો, જે ઈશ્વરવાણી છે. [કોઈ] માણસ ઈથિયેલને, ઈથિયેલ તથા ઉક્કાલને [આ પ્રમાણે] કહે છે,
નીતિવચનો 30 : 2 (GUV)
“નિશ્ચય હું કોઈ પણ માણસ કરતાં અધિક પશુવત છું, અને મારામાં મનુષ્યબુદ્ધિ નથી.
નીતિવચનો 30 : 3 (GUV)
હું જ્ઞાન પણ શીખ્યો નથી, તેમ જ મને પવિત્ર [ઈશ્વર] નું જ્ઞાન નથી.
નીતિવચનો 30 : 4 (GUV)
આકાશમાં કોણ ચઢ્યો અને પાછો ઊતર્યો? કોણે પવનને પોતાની મુઠ્ઠીમાં સમેટી લીધો છે? કોણે પોતાના વસ્‍ત્રમાં પાણી બાંધી લીધાં છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું જાણતો હોય તો [કહે], તેનું નામ શું છે, અને તેના દીકરાનું નામ શું છે?
નીતિવચનો 30 : 5 (GUV)
પરમેશ્વરનું દરેક વચન પરખેલું છે; જેઓ પરમેશ્વર પર ભરોસો રાખે છે તેમની તે ઢાલ છે.
નીતિવચનો 30 : 6 (GUV)
તેમનાં વચનોમાં તું ઉમેરો ન કર, રખેને તે તને ઠપકો દે, અને તું જૂઠો ઠરે.”
નીતિવચનો 30 : 7 (GUV)
“હે પ્રભુ, મેં તમારી પાસેથી બે વરદાન માગ્યાં છે; મારા મૃત્યુ પહેલાં મને તેની ના ન પાડતા;
નીતિવચનો 30 : 8 (GUV)
[તે એ કે] વ્યર્થતા તથા જૂઠ મારાથી દૂર કરો; મને દરિદ્રતા ન આપો, તેમજ દ્રવ્ય પણ ન આપો; મારે માટે અગત્યનું હોય તેટલા અન્‍નથી મારું પોષણ કરો;
નીતિવચનો 30 : 9 (GUV)
રખેને હું છલકાઈ જાઉં, અને તમારો નકાર કરીને કહું કે, ‘યહોવા કોણ છે?’ અથવા રખેને હું દરિદ્રી થઈને ચોરી કરું, અને મારા ઈશ્વરના નામની નિંદા કરાવું.”
નીતિવચનો 30 : 10 (GUV)
ચાકરની ચાડી તેના શેઠ આગળ ન કર, રખેને તે તને શાપ દે, ને તું દોષપાત્ર ઠરે.
નીતિવચનો 30 : 11 (GUV)
એવી પણ એક પેઢી છે કે જે પોતાના પિતાને શાપ આપે છે, અને પોતાની માને આશીર્વાદ આપતી નથી.
નીતિવચનો 30 : 12 (GUV)
એવી પણ પેઢી છે કે જે પોતાને પવિત્ર માને છે, પરંતુ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી.
નીતિવચનો 30 : 13 (GUV)
એવી પણ પેઢી છે કે જેની આંખો કેટલી બધી ઊંચી ચઢેલી છે; અને તેનાં પોપચાં ઊંચાં કરેલાં છે.
નીતિવચનો 30 : 14 (GUV)
એવી પણ પેઢી છે કે જેના દાંત તરવાર જેવા, અને જેની દાઢો ચપ્પુ જેવી છે! તે વડે તેઓ ગરીબોને પૃથ્વી પરથી, અને કંગાલોને માણસોમાંથી ખાઈ જાય છે.
નીતિવચનો 30 : 15 (GUV)
“આપ આપ, ” એ [નામની] જળોને બે દીકરીઓ છે. કદી તૃપ્ત થતાં નથી એવાં ત્રણ વાનાં છે, અને જે એમ કહેતાં જ નથી, કે “બસ, ” એવાં ચાર [વાનાં] છે:
નીતિવચનો 30 : 16 (GUV)
એટલે શેઓલ; વાંઝણીનું ઉદર; પાણીથી નહિ તૃપ્ત થતી જમીન; તથા “બસ” નહિ કહેનાર અગ્નિ.
નીતિવચનો 30 : 17 (GUV)
જે આંખ પોતાના પિતાની મશ્કરી કરે છે. અને જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે. અને ગીધનાં બચ્‍ચાં તેને ખાઈ જશે.
નીતિવચનો 30 : 18 (GUV)
ત્રણ વાનાં મને એવાં આશ્ચર્યકારક લાગે છે કે તેઓ મારી સમજમાં આવતાં નથી; હા, ચાર [વાનાં] હું જાણતો નથી:
નીતિવચનો 30 : 19 (GUV)
[એટલે] વાયુમાં ગરૂડનો માર્ગ; ખડક ઉપર સર્પનો માર્ગ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી સાથે પુરુષનો માર્ગ.
નીતિવચનો 30 : 20 (GUV)
વ્યભિચારી સ્‍ત્રીનો માર્ગ પણ એવો જ છે; તે ખાઈને પોતાનું મોં લૂછે છે, અને કહે છે, “મેં કંઈ કુકર્મ કર્યું નથી.”
નીતિવચનો 30 : 21 (GUV)
ત્રણ વાનાંને લીધે, હા, ચાર વાનાંને લીધે પૃથ્વી કાંપે છે; કેમ કે તે તેને સહન કરી શકતી નથી:
નીતિવચનો 30 : 22 (GUV)
[એટલે] રાજપદવી પામેલા ચાકરને લીધે; અન્‍નથી તૃપ્ત થયેલા મૂર્ખને લીધે;
નીતિવચનો 30 : 23 (GUV)
પરણેલી કર્કશાને લીધે; અને પોતાની શેઠાણીની વારસ થયેલી દાસીને લીધે.
નીતિવચનો 30 : 24 (GUV)
ચાર વાનાં પૃથ્વી પર નાનાં છે, પણ તેઓ અતિશય શાણાં છે.
નીતિવચનો 30 : 25 (GUV)
કીડી કંઈ બળવાન પ્રજા નથી, પણ તેઓ ઉનાળામાં પોતાનો ખોરાક ભેગો કરે છે;
નીતિવચનો 30 : 26 (GUV)
સસલાં તો ઘણી જ નિર્બળ પ્રજા છે. તોપણ તેઓ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે;
નીતિવચનો 30 : 27 (GUV)
તીડોને રાજા હોતો નથી, તોપણ તેઓ સર્વ ટોળાબંધ નીકળે છે;
નીતિવચનો 30 : 28 (GUV)
ઘરોળીને તું તારા હાથથી પકડી શકે છે, તોપણ તે રાજાઓના મહેલોમાં [હરેફરે] છે.
નીતિવચનો 30 : 29 (GUV)
ત્રણ પ્રાણીઓની ગતિ રુઆબદાર હોય છે, હા, ચારની ચાલ દમામદાર હોય છે:
નીતિવચનો 30 : 30 (GUV)
એટલે સિંહ જે પશુઓમાં સૌથી બળવાન છે, અને કોઈને લીધે પોતાનો માર્ગ મરડતો નથી;
નીતિવચનો 30 : 31 (GUV)
વળી શિકારી કૂતરો; તથા બકરો; તેમ જ રાજા કે જેની સામે થઈ શકાય નહિ.
નીતિવચનો 30 : 32 (GUV)
જો ગર્વિષ્ઠ થવાની મૂર્ખાઈ તેં કરી હોય, અથવા તેં ભૂંડો વિચાર કર્યો હોય, તો તારો હાથ તારા મોં પર [મૂક].
નીતિવચનો 30 : 33 (GUV)
કેમ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે, અને નાક મચડ્યાથી લોહી નીકળે છે; તેમજ ક્રોધને છંછેડ્યાથી ઝઘડો ઊભો થાય છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: