ગીતશાસ્ત્ર 22 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે; રાગ આયેલેથ હાશ-શાહાર. દાઉદનું ગીત. હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને [તમે એટલે] દૂર કેમ રહો છો?
ગીતશાસ્ત્ર 22 : 2 (GUV)
હે મારા ઈશ્વર, હું દિવસે અરજ કરું છું, પણ તમે ઉત્તર દેતા નથી; અને રાત્રે પણ અરજ કરું છું, પણ મને આરામ મળતો નથી.
ગીતશાસ્ત્ર 22 : 3 (GUV)
તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજનાર, તમે પવિત્ર છો.
ગીતશાસ્ત્ર 22 : 4 (GUV)
તમારા પર અમારા પિતૃઓએ ભરોસો રાખ્યો હતો; તેઓએ ભરોસો રાખ્યો હતો, અને તમે તેઓને છોડાવ્યા.
ગીતશાસ્ત્ર 22 : 5 (GUV)
તેઓએ તમને અરજ કરી, અને તેઓ બચી ગયા; તેઓએ તમારા પર ભરોસો રાખ્યો, અને નાસીપાસ થયા નહિ.
ગીતશાસ્ત્ર 22 : 6 (GUV)
પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી; માણસોથી ધિક્કાર પામેલો, અને લોકોથી તુચ્છ ગણાયેલો છું.
ગીતશાસ્ત્ર 22 : 7 (GUV)
જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં મરડીને અને માથું ધુણાવીને કહે છે,
ગીતશાસ્ત્ર 22 : 8 (GUV)
“તું પોતાને યહોવાના હાથમાં સોંપ; તે તને છોડાવે; તે તારા પર રાજી છે, માટે તે તને બચાવે.”
ગીતશાસ્ત્ર 22 : 9 (GUV)
પણ તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; મારી માને હું ધાવતો હતો ત્યારે પણ તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.
ગીતશાસ્ત્ર 22 : 10 (GUV)
જન્મથી હું તમારા હાથમાં સોંપાએલો છું; મારી માના ઉદરમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો.
ગીતશાસ્ત્ર 22 : 11 (GUV)
મારાથી આઘા ન થાઓ; કેમ કે સંકટ પાસે [આવી પડ્યું] છે; અને સહાય કરનાર કોઈ નથી.
ગીતશાસ્ત્ર 22 : 12 (GUV)
ઘણા ગોધાઓએ મને ઘેરી લીધો છે; બાશાનના બળવંત ગોધાઓ મારી આસપાસ ફરી વળ્યા છે.
ગીતશાસ્ત્ર 22 : 13 (GUV)
ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમ તેઓ મારી સામે પોતાનું મોં વિકાસે છે.
ગીતશાસ્ત્ર 22 : 14 (GUV)
મારું બળ પાણી થઈ ગયું છે; અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે; મારું હ્રદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.
ગીતશાસ્ત્ર 22 : 15 (GUV)
મારું બળ સુકાઈને ઠીકરા જેવું થઈ ગયું છે; મારાં જડબાં સાથે મારી જીભ ચોંટી જાય છે; અને તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.
ગીતશાસ્ત્ર 22 : 16 (GUV)
કેમ કે કૂતરા મારી આસપાસ ફરી વળ્યા છે; ભૂંડાઓની ટોળીએ મને ઘેરી લીધો છે; તેઓએ મારા હાથ તથા મારા પગ વીંધી નાખ્યા.
ગીતશાસ્ત્ર 22 : 17 (GUV)
હું મારાં સર્વ હાડકાં ગણી શકું છું; તેઓ મને ધારીને જુએ છે.
ગીતશાસ્ત્ર 22 : 18 (GUV)
તેઓ અંદરોઅંદર મારાં લૂગડાં વહેંચી લે છે; અને મારા ઝભ્ભાને માટે તેઓ ચિઠ્ઠી નાખે છે.
ગીતશાસ્ત્ર 22 : 19 (GUV)
પણ, હે યહોવા, તમે દૂર ન થાઓ; હે મારા આશ્રય, મારી મદદે આવો.
ગીતશાસ્ત્ર 22 : 20 (GUV)
મારા આત્માને તરવારથી, અને મારા જીવને કૂતરાના કબજામાંથી છોડાવો.
ગીતશાસ્ત્ર 22 : 21 (GUV)
સિંહના મોંમાંથી મને બચાવો; તમે જંગલી ગોધાના શિંગથી મને [બચાવીને] ઉત્તર આપ્યો છે.
ગીતશાસ્ત્ર 22 : 22 (GUV)
હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; મંડળીમાં હું તમારી સ્તુતિ કરીશ.
ગીતશાસ્ત્ર 22 : 23 (GUV)
હે યહોવાનો ભય રાખનારાઓ, તમે તેમની સ્તુતિ કરો; હે યાકૂબનાં સર્વ સંતાનો, તમે તેમને ગૌરવ આપો; અને હે ઇઝરાયલનાં સર્વ પરિવાર, તમે તેમનું ભય રાખો.
ગીતશાસ્ત્ર 22 : 24 (GUV)
કેમ કે તેમણે દુ:ખીઓના દુ:ખને તુચ્છ ગણ્યું નથી, તેનાથી કંટાળ્યા નથી; અને તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી. પણ તેણે ઈશ્વરને અરજ કરી ત્યારે તેમણે તેનું સાંભળ્યું.
ગીતશાસ્ત્ર 22 : 25 (GUV)
તમારી કૃપાથી હું મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું. તેમનું ભય રાખનારાની આગળ હું મારી માનતા પૂરી કરીશ.
ગીતશાસ્ત્ર 22 : 26 (GUV)
દરિદ્રીઓ ખાશે અને તૃપ્ત થઈ જશે; યહોવાને શોધનારા તેમની સ્તુતિ કરશે; [તે કહેશે કે,] તમારું હ્રદય સર્વકાળ જીવો.
ગીતશાસ્ત્ર 22 : 27 (GUV)
પૃથ્વીની સર્વ સીમા [ના લોકો] યહોવાને સંભારીને તેમની તરફ ફરશે; અને વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે.
ગીતશાસ્ત્ર 22 : 28 (GUV)
કેમ કે રાજ્ય યહોવાનું છે. અને વિદેશીઓ પર રાજ કરનાર તે જ છે.
ગીતશાસ્ત્ર 22 : 29 (GUV)
પૃથ્વીના સર્વ મોટા મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.
ગીતશાસ્ત્ર 22 : 30 (GUV)
તેમના વંશજો ઈશ્વરની સેવા કરશે; આવતી પેઢીની આગળ યહોવા વિષેની વાત પ્રગટ કરવામાં આવશે.
ગીતશાસ્ત્ર 22 : 31 (GUV)
તેઓ આવશે, અને હવે પછી જન્મનારા લોકોને યહોવાનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે, “તેમણે તે કર્યું છે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: