ગીતશાસ્ત્ર 18 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. યહોવાના સેવક દાઉદનું [ગીત]. જે દિવસે યહોવાએ તેને તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાને આ ગીતનાં વચન કહ્યાં કે, હે યહોવા, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ રાખું છું.
ગીતશાસ્ત્ર 18 : 2 (GUV)
યહોવા મારા ખડક, મારો કિલ્લો તથા મારા બચાવનાર છે; મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખતર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.
ગીતશાસ્ત્ર 18 : 3 (GUV)
યહોવા સ્તુતિપાત્ર છે, તેમને હું વિનંતી કરીશ. એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.
ગીતશાસ્ત્ર 18 : 4 (GUV)
મરણનાં બંધનોએ મને ઘેર્યો, અને દુષ્ટતાનાં મોજાંએ મને બીવડાવ્યો.
ગીતશાસ્ત્ર 18 : 5 (GUV)
શેઓલનાં બંધનોએ મને ઘેરો ઘાલ્યો, મરણના પાશ મારા પર આવી પડ્યા.
ગીતશાસ્ત્ર 18 : 6 (GUV)
મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી, અને મારા ઈશ્વરને અરજ કરી; તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, અને તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી.
ગીતશાસ્ત્ર 18 : 7 (GUV)
ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી, વળી પર્વતોના પાયા ખસી ગયા. તથા હાલ્યા, કેમ કે ઈશ્વર કોપાયમાન હતા.
ગીતશાસ્ત્ર 18 : 8 (GUV)
તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળ્યો, અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો; તેથી કોલસા સળગી ઊઠયા
ગીતશાસ્ત્ર 18 : 9 (GUV)
વળી તે આકાશોને નમાવીને ઊતર્યા; અને તેમના પગ નીચે ઘોર અંધકાર હતો.
ગીતશાસ્ત્ર 18 : 10 (GUV)
તે કરૂબ ઉપર સવારી કરીને ઊડયા; અને વાયુની પાંખો વડે વેગે ઊડયા.
ગીતશાસ્ત્ર 18 : 11 (GUV)
તેમણે અંધકારને એટલે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષનાં ગાઢાં વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસનું આચ્છાદન બનાવ્યું.
ગીતશાસ્ત્ર 18 : 12 (GUV)
તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢાં વાદળ જતાં રહ્યાં, કરાં તથા અગ્નિના અંગારા [પડ્યા].
ગીતશાસ્ત્ર 18 : 13 (GUV)
યહોવાએ આકાશમાં ગર્જના કરી, અને પરાત્પરે મોટો અવાજ કાઢયો; કરાં અને અગ્નિના અંગારા [પડ્યા].
ગીતશાસ્ત્ર 18 : 14 (GUV)
તેમણે બાણો મારીને તેઓને વિખેરી નાખ્યા; વળી તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.
ગીતશાસ્ત્ર 18 : 15 (GUV)
ત્યારે, હે યહોવા, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, અને જગતના પાયા ઉઘાડા થયા.
ગીતશાસ્ત્ર 18 : 16 (GUV)
તેમણે ઉપરથી પોતાને હાથે મને પકડી લીધો. તેમણે ઘણાં પાણીમાંથી મને કાઢયો.
ગીતશાસ્ત્ર 18 : 17 (GUV)
તેમણે મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી મને બચાવ્યો, કેમ કે તેઓ મારા કરતાં જોરાવર હતા.
ગીતશાસ્ત્ર 18 : 18 (GUV)
મારી વિપત્તિને દિવસે તેઓ મારા પર તૂટી પડ્યા; પણ યહોવા મારો આધાર હતા.
ગીતશાસ્ત્ર 18 : 19 (GUV)
વળી તે મને ખુલ્લી જગામાં કાઢી લાવ્યા; તેમણે મને છોડાવ્યો, કેમ કે તે મારા પર પ્રસન્ન હતા.
ગીતશાસ્ત્ર 18 : 20 (GUV)
યહોવાએ મને મારા ન્યાયીપણાનું ફળ આપ્યું; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે.
ગીતશાસ્ત્ર 18 : 21 (GUV)
કેમ કે હું યહોવાને માર્ગે ચાલ્યો છું, અને ભૂંડાઈ કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી.
ગીતશાસ્ત્ર 18 : 22 (GUV)
તેમની સર્વ આજ્ઞાઓ હું મારી સંમુખ રાખતો, અને મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા.
ગીતશાસ્ત્ર 18 : 23 (GUV)
વળી હું તેમની આગળ નિર્દોષ હતો, અને હું અન્યાયથી દૂર રહ્યો.
ગીતશાસ્ત્ર 18 : 24 (GUV)
માટે યહોવાએ મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે.
ગીતશાસ્ત્ર 18 : 25 (GUV)
કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો; ન્યાયીની સાથે તમે ન્યાયી દેખાશો;
ગીતશાસ્ત્ર 18 : 26 (GUV)
શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો; પણ હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો
ગીતશાસ્ત્ર 18 : 27 (GUV)
કેમ કે તમે દુ:ખીઓને બચાવશો; પણ અભિમાની આંખોને તમે નીચું જોવડાવશો.
ગીતશાસ્ત્ર 18 : 28 (GUV)
કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવા મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે.
ગીતશાસ્ત્ર 18 : 29 (GUV)
કેમ કે તમારી [સહાય] થી હું પલટણ ઉપર ધસી પડું છું; અને મારા ઈશ્વર [ની કૃપા] થી હું કોટ કૂદી જાઉં છું.
ગીતશાસ્ત્ર 18 : 30 (GUV)
ઈશ્વરનો માર્ગ તો પરિપૂર્ણ છે; યહોવાનો શબ્દ પરખેલો છે; જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની ઢાલ તે છે.
ગીતશાસ્ત્ર 18 : 31 (GUV)
કેમ કે યહોવા વિના બીજો ઈશ્વર કોણ છે? અને અમારા ઈશ્વર વિના બીજો ગઢ કોણ છે?
ગીતશાસ્ત્ર 18 : 32 (GUV)
ઈશ્વર જે મારી કમરે સામર્થ્ય [રૂપી પટો] બાંધે છે, અને મારો માર્ગ સીધો કરે છે.
ગીતશાસ્ત્ર 18 : 33 (GUV)
તે મારા પગ હરણીના જેવા કરે છે. અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે.
ગીતશાસ્ત્ર 18 : 34 (GUV)
તે મારા હાથોને લડતાં શીખવે છે; તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.
ગીતશાસ્ત્ર 18 : 35 (GUV)
વળી તમે તમારા તારણની ઢાલ મને આપી છે; તમારે જમણે હાથે મને ઊંચકી રાખ્યો છે, અને તમારી અમીદષ્ટિએ મને મોટો કર્યો છે.
ગીતશાસ્ત્ર 18 : 36 (GUV)
તમે મારી ચાલવાની જગા ખુલ્લી કરી છે, જેથી મારા પગ સરકી ગયા નથી.
ગીતશાસ્ત્ર 18 : 37 (GUV)
હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; અને તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ.
ગીતશાસ્ત્ર 18 : 38 (GUV)
હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ઊઠી શકે નહિ; તેઓ મારે પગે પડશે.
ગીતશાસ્ત્ર 18 : 39 (GUV)
કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્ય [રૂપી પટો] બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારાને તમે મારે તાબે કર્યા છે.
ગીતશાસ્ત્ર 18 : 40 (GUV)
વળી તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવાવી છે કે, જેથી મારા દ્વેષીઓનો હું નાશ કરું.
ગીતશાસ્ત્ર 18 : 41 (GUV)
તેઓએ બૂમ મારી, પણ બચાવનાર કોઈ નહોતો; હા, તેઓએ યહોવાને [વિનંતી કરી], પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો નહિ.
ગીતશાસ્ત્ર 18 : 42 (GUV)
ત્યારે પવન આગળ ધૂળની જેમ મેં તેઓને બારીક ખાંડયા; રસ્તાના કાદવની જેમ મેં તેઓને ફેંકી દીધા.
ગીતશાસ્ત્ર 18 : 43 (GUV)
લોકોના સંઘર્ષમાંથી તમે મને છોડાવ્યો છે. તમે વિદેશીઓને મારે તાબે કર્યા છે. જે લોકોને હું ઓળખતો નહોતો તેઓએ મારી તાબેદારી કરી.
ગીતશાસ્ત્ર 18 : 44 (GUV)
મારે વિષે સાંભળતાં જ તેઓએ મારું માન્યું; પરદેશીઓ મારે શરણે આવ્યા.
ગીતશાસ્ત્ર 18 : 45 (GUV)
પરદેશીઓનો ક્ષય થયો, તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રુજતા ધ્રુજતા આવ્યા.
ગીતશાસ્ત્ર 18 : 46 (GUV)
યહોવા જીવતા જાગતા ઈશ્વર છે; મારા ખડકને ધન્ય હો. મારા તારણના ઈશ્વર ઉત્તમ મનાઓ.
ગીતશાસ્ત્ર 18 : 47 (GUV)
એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે, અને લોકને મારે તાબે કરે છે તેમને [ધન્ય હો].
ગીતશાસ્ત્ર 18 : 48 (GUV)
તે મારા શત્રુઓથી મને છોડાવે છે; હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો; બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો.
ગીતશાસ્ત્ર 18 : 49 (GUV)
માટે, હે યહોવા હું વિદેશીઓમાં તમારી આભારસ્તુતિ કરીશ, અને તમારા નામનાં સ્તોત્ર ગાઈશ.
ગીતશાસ્ત્ર 18 : 50 (GUV)
તે પોતાના રાજાને વિજય આપે છે; અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના સંતાન ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50

BG:

Opacity:

Color:


Size:


Font: