ઊત્પત્તિ 39 : 1 (GUV)
અને તેઓ યૂસફને મિસરમાં લાવ્યા. અને ત્યાં જે ઇશ્માએલીઓ તેને લઈને ઊતરી ગયા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસરી, જે ફારુનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે તેને વેચાતો લીધો.
ઊત્પત્તિ 39 : 2 (GUV)
અને યહોવા યૂસફની સાથે હતો, ને તે સફળ થતો હતો; અને તે તેના શેઠના એટલે તે મિસરીના ઘરમાં રહ્યો.
ઊત્પત્તિ 39 : 3 (GUV)
અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે, ને તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે.
ઊત્પત્તિ 39 : 4 (GUV)
અને યૂસફ તેની દષ્ટિમાં કૃપા પામ્યો, ને તેણે તેની સેવા કરી. અને તેણે તેને તેના ઘરનો કારભારી ઠરાવ્યો, ને તેનું જે હતું તે સર્વ તેણે તેના હાથમાં સોપ્યું.
ઊત્પત્તિ 39 : 5 (GUV)
અને એમ થયું કે, તેણે તેને તેના ઘરનો કારભારી ઠરાવ્યો હતો, ત્યારથી યહોવાએ યૂસફને લીધે તે મિસરીના ઘરને આશીર્વાદ આપ્યો. અને ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર યહોવાનો આશીર્વાદ હતો.
ઊત્પત્તિ 39 : 6 (GUV)
અને પોતાનું જે હતું તે સર્વ તેણે યૂસફના હાથમાં સોપ્યું; અને તે જે અન્‍ન ખાતો તે વિના પોતાનું શું શું છે, એ કંઈપણ તે જાણતો નહોતો. અને યૂસફ સુંદર તથા રૂપાળો હતો.
ઊત્પત્તિ 39 : 7 (GUV)
અને ત્યાર પછી એમ થયું કે, તેના શેઠની પત્નીએ યૂસફ પર કુદષ્ટિ કરી; અને તેને કહ્યું, “મારી સાથે સૂઈ જા.”
ઊત્પત્તિ 39 : 8 (GUV)
પણ તેણે ના કહી, ને તેના શેઠની પત્નીને તેણે કહ્યું, “જો, ઘરમાં મારા હવાલામાં શું શું છે તે મારા શેઠ જાણતા નથી, ને તેમનું જે સર્વ છે તે તેમણે મારા હાથમાં સોપ્યું છે.
ઊત્પત્તિ 39 : 9 (GUV)
આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી; અને તેમણે તમારા વિના બીજું કંઈ જ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તમે તેમની પત્ની છો. માટે એવું મોટું ભૂંડું કામ કરીને, હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?”
ઊત્પત્તિ 39 : 10 (GUV)
અને એમ થયું કે, તે યૂસફને રોજ રોજ એમ કહેતી હતી, પણ તેણે તેની સાથે સૂવા વિષે તથા તેની પાસે રહેવા વિષે તેનું કહેવું માન્યું નહિ.
ઊત્પત્તિ 39 : 11 (GUV)
અને આસરે તે સમયે એમ થયું કે, યુસફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો, અને ઘરનું કોઈ માણસ અંદર ન હતું.
ઊત્પત્તિ 39 : 12 (GUV)
ત્યારે શેઠની પત્નીએ યૂસફનું વસ્‍ત્ર પકડયું, ને કહ્યું, “મારી સાથે સૂઈ જા;” પણ યૂસફ પોતાનું વસ્‍ત્ર તે સ્‍ત્રીના હાથમાં મૂકી દઈને નાસી ગયો, ને બહાર નીકળી ગયો.
ઊત્પત્તિ 39 : 13 (GUV)
અને એમ થયું કે, જ્યારે સ્‍ત્રીએ જોયું કે યૂસફ પોતાનું વસ્‍ત્ર મારા હાથમાં મૂકી દઈને બહાર નાસી ગયો છે,
ઊત્પત્તિ 39 : 14 (GUV)
ત્યારે તેણે પોતાના ઘરમાંનાં માણસોને બોલાવીને તેઓને કહ્યું, “જુઓ, આપણું અપમાન કરવાને તેઓ આ હિબ્રૂ માણસને આપણી પાસે લાવ્યા છે. અને તે મારી સાથે સુવાને મારી પાસે આવ્યો, ને મેં મોટે અવાજે બૂમ પાડી.
ઊત્પત્તિ 39 : 15 (GUV)
અને એમ થયું કે, મેં મોટે અવાજે બૂમ પાડી, એ તેણે સાંભળ્યું, ત્યારે તે તેનું વસ્‍ત્ર મારા હાથમામ મૂકીને નાસી ગયો અને બહાર નીકળી ગયો.”
ઊત્પત્તિ 39 : 16 (GUV)
અને તેનો પતિ ઘેર આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્‍ત્ર પોતાની પાસે રાખ્યું.
ઊત્પત્તિ 39 : 17 (GUV)
અને પોતાના પતિને એ પ્રમાણે કહ્યું, “આ હિબ્રૂ દાસ જેને તમે આપણે ત્યાં લાવ્યા છો, તે મારું અપમાન કરવાને મારી પાસે આવ્યો હતો;
ઊત્પત્તિ 39 : 18 (GUV)
અને એમ થયું કે, મેં બૂમ પાડી, ત્યારે તે તેનું વસ્‍ત્ર મારા હાથમાં મૂકી દઈને નાસી ગયો.”
ઊત્પત્તિ 39 : 19 (GUV)
અને એમ થયું કે, જ્યારે તેના શેઠે પોતાની પત્નીની કહેલી વાત સાંભળી, “તારા દાસે મને એમ કર્યું, ” ત્યારે તેનો કોપ સળગી ઊઠયો.
ઊત્પત્તિ 39 : 20 (GUV)
અને યૂસફના શેઠે તેને પકડયો, ને જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા, તે કેદખાનામાં તેણે યૂસફને નાખ્યો; અને તે ત્યાં કેદખાનામાં રહ્યો.
ઊત્પત્તિ 39 : 21 (GUV)
પણ યહોવા યૂસફની સાથે હતા, ને યહોવાએ તેના પર દયા કરી, ને તેને કેદખાનાના દરોગાની દષ્ટિમાં કૃપા પમાડી.
ઊત્પત્તિ 39 : 22 (GUV)
અને જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને દરોગાએ યૂસફના હાથમાં સોંપ્યા; અને ત્યાં જે કામ તેઓ કરતા તેનો કરાવનાર તે જ હતો.
ઊત્પત્તિ 39 : 23 (GUV)
અને કેદખાનાનો દરોગો યૂસફને સોંપેલા કોઈ પણ કામ પર દેખરેખ રાખતો નહોતો, કેમ કે યહોવા તેની સાથે હતા; અને તે જે કંઈ કામ કરતો તેમાં યહોવા તેને ફતેહ પમાડતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: