1. યહોવા કહે છે કે, “અરે, શું કોઇ તરસ્યા છે? તમારી પાસે પૈસા ન હોય તો પણ આવો અને પીઓ! આવો, વગર પૈસે અનાજ લઇ જાઓ અને ખાઓ, અને દૂધ અને દ્રાક્ષારસ વિના મૂલ્યે લઇ જાઓ.
2. જે ખવાય એવું નથી તેની પાછળ શા માટે પૈસા ખચોર્ છો? જેનાથી તૃપ્તિ થતી નથી તેની પાછળ તમારી મજૂરી શા માટે ખચીર્ નાખો છો? મારું કહ્યું ધ્યાનથી સાંભળો, અને ઉત્તમ ખોરાક ખાવ.
3. “મારી પાસે આવો, હું કહુ છું તે સાંભળો. મારું સાંભળશો તો જીવન પામશો. હું તમારી સાથે કાયમનો કરાર કરીશ. મેં દાઉદને જે ઉપકારો કરવાનું વચન આપ્યું હતું તે તમારા ઉપર કરીશ.
4. મેં તેને લોકોની આગળ મારો સાક્ષી બનાવ્યો હતો. તેને મેં પ્રજાઓનો નેતા અને શાસક બનાવ્યો હતો.”
5. તેમે પણ અજાણી પ્રજાઓ પર અધિકાર ચલાવશો. અને તે પ્રજાઓ તમારી પાસે દોડી આવશે. કારણ કે ઇસ્રાએલના પરમ પવિત્ર યહોવાએ તમારું સન્માન કર્યું છે.”
6. યહોવા મળે એમ છે ત્યાં સુધીમાં તેને શોધી કાઢો, તે નજીક છે ત્યાં સુધીમાં તેને બોલાવો.
7. દુષ્ટ માણસો પોતાના દુષ્ટ આચરણોનો ત્યાગ કરે; અને પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે; તેઓ યહોવા પાસે પાછા ફરે; તે તેમના પર દયા કરશે; આપણા દેવને ચરણે પાછા વળો; તે પૂરી માફી આપશે.
8. યહોવા કહે છે, “મારા વિચારો એ તમારા વિચારો નથી અને તમારા રસ્તા એ મારા રસ્તા નથી.
9. કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ મારા માગોર્ તમારા માગોર્થી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.”
10. “જેમ વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે, અને ધરતીને જળથી સીંચ્યા વગર પાછા વળતા નથી; તેથી જ ધરતી ફૂલેફાલે છે અને વાવવા માટે બીજ અને ખાવા માટે અનાજ આપે છે.
11. તે જ રીતે મારા વચનો મારા મુખમાંથી નીકળે છે અને હંમેશ ફળ આપે છે. મારી ઇચ્છા પ્રમાણે તે કાર્ય પૂરું કર્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વિના એ પાછો ફરતો નથી.”
12. “તમે બાબિલમાંથી આનંદપૂર્વક નીકળી પડશો અને સુરક્ષિત રીતે તમને દોરી લઇ જવામાં આવશે. તમારી આગળ પર્વતો અને ડુંગરો આનંદના પોકારો કરીને અને જંગલના વૃક્ષો તાળીઓ પાડીને તમને આવકારશે.
13. એક વખતે જ્યાં કાંટા-ઝાંખરા હતા, ત્યાં દેવદાર અને મેંદી ઊગી નીકળશે. આ પરાક્રમને કારણે યહોવાના નામનો મહિમા અમર થશે. તે શાશ્વત સ્મારકરૂપ પરાક્રમ અને ક્યારેય ન ભૂંસાય તેવી નિશાની થશે.”