Gujarati Bible
John total 21 Chapters
John Chapter 3
ઈસુ અને નિકોદેમસ 1 નિકોદેમસ નામે ફરોશીઓમાં એક માણસ હતો, તે યહૂદીઓની સભાનો સભ્ય હતો.
2 તે માણસે રાત્રે ઈસુની પાસે આવીને કહ્યું કે, 'ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારિક ચિહ્નો તમે કરો છો તે તે કરી શકે નહિ.'
3 ઈસુએ તેને જવાબ આપ્યો કે, 'હું તને ખાતરીપૂર્વક કહું છું કે, જો કોઈ મનુષ્ય નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.'
John Chapter 3
4 નિકોદેમસે ઈસુને કહ્યું કે, 'માણસ વૃદ્ધ હોય તો તે કેવી રીતે જન્મ પામી શકે? શું તે બીજી વાર પોતાની માના ગર્ભમાં પ્રવેશીને જન્મ લઈ શકે?'
5 ઈસુએ જવાબ આપ્યો કે, 'હું તને ખાતરીપૂર્વક કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી.
6 જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે.
John Chapter 3
7 મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, તેથી આશ્ચર્ય પામતો નહિ.
8 પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે તું જાણતો નથી; દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.'
9 નિકોદેમસે તેમને કહ્યું કે, 'તે બાબતો કેવી રીતે બની શકે?'
John Chapter 3
10 ઈસુએ તેને જવાબ આપ્યો કે, 'શું તું ઇઝરાયલનો શિક્ષક થઈને આ વિષે જાણતો નથી?
11 હું તને ખાતરીપૂર્વક કહું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે જોયું છે તેની સાક્ષી આપીએ છીએ; પણ તમે અમારી સાક્ષી માનતા નથી.
12 જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને સ્વર્ગમાંની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો?
John Chapter 3
13 સ્વર્ગમાંથી ઊતરેલો માણસનો દીકરો જે સ્વર્ગમાં છે તેમના સિવાય સ્વર્ગમાં કોઈ ઊંચે ગયું નથી.
14 જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે;
15 જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે.
16 કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.
John Chapter 3
17 કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે.
18 તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.
19 અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં.
John Chapter 3
20 કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી.
21 પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાવવામાં આવ્યાં છે એમ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે.'
ઈસુ અને યોહાન બાપ્તિસ્ત 22 આ પછી, ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા પ્રાંતમાં ગયા; ત્યાં તેઓની સાથે રહીને લોકોને બાપ્તિસ્મા આપતા હતા.
John Chapter 3
23 યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા.
24 કેમ કે હજી સુધી યોહાનને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો.
25 ત્યાં યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિષે વાદવિવાદ થયો.
26 તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું કે, 'ગુરુજી, જે તારી સાથે યર્દન નદીને પેલે પાર હતા, જેને વિષે તેં સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા આપે છે અને સઘળાં તેની પાસે આવે છે.'
John Chapter 3
27 યોહાને જવાબ આપ્યો કે, 'જો કોઈ માણસને સ્વર્ગેથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી.
28 તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું તે પ્રમાણે, હું તો ખ્રિસ્ત નથી, પણ તેમની અગાઉ મોકલાયેલો છું.
29 જેને કન્યા છે તેને જ વર છે; પણ વરનો જે મિત્ર ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરના શબ્દોથી બહુ આનંદ પામે છે; માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.
John Chapter 3
30 તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે.
આકાશથી ઊતરી આવેલો 31 જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે.
32 તેમણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેમની સાક્ષી કોઈ માનતું નથી.
John Chapter 3
33 જેણે તેની સાક્ષી માની છે, તેમણે ઈશ્વર સત્ય છે, તે વાત પર મહોર કરી છે.
34 જેને ઈશ્વરે મોકલ્યા છે તે ઈશ્વરનાં શબ્દો બોલે છે; કેમ કે તેઓ માપથી આત્મા નથી આપતા.
35 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે સર્વસ્વ તેમના હાથમાં સોંપ્યું છે.
36 દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.'