Gujarati બાઇબલ

ઊત્પત્તિ total 50 પ્રકરણો

ઊત્પત્તિ

ઊત્પત્તિ પ્રકરણ 46
ઊત્પત્તિ પ્રકરણ 46

1 ઇઝરાયલ પોતાના કુટુંબકબીલા અને સર્વ સહિત બેર-શેબા આવ્યો. અહીં તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં.

2 ઈશ્વરે ઇઝરાયલને રાત્રે સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “યાકૂબ, યાકૂબ.” તેણે કહ્યું, “હું અહીં છું.”

3 તેમણે કહ્યું, “હું પ્રભુ, તારા પિતાનો ઈશ્વર છું. મિસરમાં જતા બીશ નહિ, કેમ કે ત્યાં હું તારાથી વિશાળ પ્રજા ઉત્પન્ન કરીશ.

ઊત્પત્તિ પ્રકરણ 46

4 હું તારી સાથે મિસરમાં આવીશ અને હું ત્યાંથી નિશ્ચે તારા વંશજોને પાછા લાવીશ. મિસરમાં તારા મૃત્યુસમયે યૂસફ તારી પાસે હશે.”

5 યાકૂબ બેર-શેબાથી રવાના થયો. તેને લઈ જવાને જે ગાડાં ફારુને મોકલ્યાં હતાં તેમાં ઇઝરાયલના પુત્રોએ પોતાના પિતા યાકૂબને, પોતાના બાળકોને તથા પોતાની પત્નીઓને બેસાડ્યાં.

6 તેમનાં જાનવરો તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેના વંશજો મિસરમાં આવ્યા.

ઊત્પત્તિ પ્રકરણ 46

7 તેના દીકરા તથા તેની સાથે તેના દીકરાના દીકરા, તેની દીકરીઓ તથા તેના દીકરાઓની દીકરીઓને તથા તેના સર્વ સંતાનને તે તેની સાથે મિસરમાં લાવ્યો.

8 જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે: યાકૂબ તથા તેના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન;

9 રુબેનના દીકરા: હનોખ, પાલ્લૂ, હેસરોન તથા કાર્મી;

10 શિમયોન તથા તેના દીકરા: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીનો દીકરો શાઉલ;

ઊત્પત્તિ પ્રકરણ 46

11 લેવી તથા તેના દીકરા: ગેર્શોન, કહાથ તથા મરારી;

12 યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરા, (પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસરોન તથા હામૂલ હતા);

13 ઇસ્સાખાર તથા તેના દીકરા: તોલા, પુવાહ, યોબ તથા શિમ્રોન;

14 ઝબુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ.

ઊત્પત્તિ પ્રકરણ 46

15 આ લેઆથી પાદ્દાનારામમાં જન્મેલા દીકરા તથા તેની દીકરી દીના. તેઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.

16 ગાદ તથા તેના દીકરા: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી તથા આરએલી;

17 આશેર તથા તેના દીકરા: યિમ્ના, યિસ્યા, યિસ્વી, બરિયા તથા તેઓની બહેન સેરા; અને બરિયાના દીકરા: હેબેર તથા માલ્કીએલ.

18 લાબાને તેની દીકરી લેઆને જે દાસી ઝિલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં;

ઊત્પત્તિ પ્રકરણ 46

19 યાકૂબની પત્ની રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન;

20 યૂસફના મિસર દેશમાં જન્મેલા દીકરાઓ મનાશ્શા તથા એફ્રાઇમ. તેઓને ઓનના યાજક પોટીફારની દીકરી આસનાથે જન્મ આપ્યો હતો;

21 બિન્યામીનના દીકરા: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ તથા આર્દ.

22 તેઓ રાહેલના દીકરા, જે યાકૂબ દ્વારા થયા. તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા;

ઊત્પત્તિ પ્રકરણ 46

23 દાન તથા તેનો દીકરો હુશીમ;

24 નફતાલી તથા તેના દીકરા: યાહસેલ, ગૂની, યેસેર તથા શિલ્લેમ.

25 લાબાને તેની દીકરી રાહેલને જે દાસી બિલ્હા આપી તેના દીકરા એ છે જેઓ યાકૂબ દ્વારા તેને થયા. તે સર્વ મળીને સાત જણ હતા.

26 યાકૂબના દીકરાઓની પત્નીઓ સિવાય કનાનમાં જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં.

ઊત્પત્તિ પ્રકરણ 46

27 યૂસફના દીકરા જે મિસર દેશમાં તેને જન્મ્યા હતા, તે બે હતા. યાકૂબના ઘરનાં સર્વ માણસો જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.

28 યાકૂબે તેની આગળ યહૂદાને યૂસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ બતાવે અને તેઓ ગોશેન દેશમાં આવ્યા.

29 યૂસફે તેના રથ તૈયાર કર્યા અને તેના પિતા ઇઝરાયલને મળવાને તે ગોશેનમાં આવ્યો. પિતાને જોઈને યૂસફ ભેટીને ઘણી વાર સુધી રડ્યો.

ઊત્પત્તિ પ્રકરણ 46

30 ઇઝરાયલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું અને તું હજી હયાત છે. હવે મારું મરણ ભલે આવે.”

31 યૂસફે તેના ભાઈઓને તથા તેના પિતાના ઘરનાંને કહ્યું, “હું જઈને ફારુનને જણાવીને કહીશ કે, 'મારા ભાઈઓ તથા મારા પિતાના ઘરનાં જે કનાન દેશમાં હતાં તેઓ મારી પાસે આવ્યાં છે.

32 તેઓ ભરવાડ છે અને જાનવરો પાળનારા છે. તેઓ તેમનાં બકરાં, અન્ય જાનવરો તથા તેઓનું જે સર્વ છે તે બધું લાવ્યા છે.'

ઊત્પત્તિ પ્રકરણ 46

33 અને એમ થશે કે, જયારે ફારુન તમને બોલાવે અને તમને પૂછે, તમારો વ્યવસાય શો છે?'

34 ત્યારે તમારે આ પ્રમાણે કહેવું, 'તારા ચાકરોનો એટલે અમારો તથા અમારા પિતૃઓનો વ્યવસાય નાનપણથી તે અત્યાર સુધી જાનવરો પાળવાનો છે.' આ પ્રમાણે કહેશો એટલે તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળશે. કેમ કે મિસરીઓ ભરવાડોને ધિક્કારે છે.”