Gujarati Bible

Genesis total 50 Chapters

Genesis

Genesis Chapter 40
Genesis Chapter 40

1 એ બીનાઓ પછી એમ થયું કે મિસરના રાજાના પાત્રવાહકે તથા રસોઈયાએ તેમના માલિક મિસરના રાજાનો ગુન્હો કર્યો.

2 ફારુન તેના બન્ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ક્રોધિત થયો.

3 જ્યાં યૂસફ બંદીવાન હતો તે કેદખાનામાં એટલે અંગરક્ષકોના ઉપરી અમલદારને ત્યાં તેણે તે બન્નેને કેદ કરાવ્યા.

4 અંગરક્ષકોના ઉપરી અમલદારે યૂસફને તેઓના ઉત્તરદાયી તરીકે નીમ્યો. તેણે તેઓની દેખભાળ રાખી. તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા.

Genesis Chapter 40

5 આ કેદી પાત્રવાહકને તથા રસોઈયાને એક જ રાત્રે, સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં.

6 યૂસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા ત્યારે તેઓ ઉદાસ હતા.

7 ફારુનના એ અમલદારો કે જેઓ તેની સાથે તેના માલિકના ઘરમાં કેદી હતા તેઓને યૂસફે પૂછ્યું, “તમે આજે ઉદાસ કેમ દેખાઓ છો?”

8 તેઓએ તેને કહ્યું, “અમને બન્નેને સ્વપ્ન આવ્યું છે અને તેનો અર્થ બતાવે એવો કોઈ મળી શકે તેમ નથી.” યૂસફે તેઓને કહ્યું, “અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તમારા સ્વપ્ન વિષે મને જણાવો તો ખરા!”

Genesis Chapter 40

9 મુખ્ય પાત્રવાહકે તેનું સ્વપ્ન યૂસફને જણાવ્યું, “જુઓ, મારા સ્વપ્નમાં મારી સામે એક દ્રાક્ષવેલો દેખાયો.

10 તે દ્રાક્ષવેલાને ત્રણ ડાળીઓ હતી. તેઓને જાણે કળીઓ આવી, મોર ખીલ્યો અને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી.

11 ફારુનનો પ્યાલો મારા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નિચોવીને એ પ્યાલો ફારુનના હાથમાં આપ્યો.”

Genesis Chapter 40

12 યૂસફે તેને કહ્યું, “એનો અર્થ આ છે: ત્રણ ડાળી તે ત્રણ દિવસ છે.

13 ત્રણ દિવસમાં ફારુન તને પ્રતિષ્ઠિત કરશે અને તને પાછો તારી અસલ ફરજ પર પુનઃનિયુક્ત કરશે. તું તેનો પાત્રવાહક હતો ત્યારની પ્રણાલી પ્રમાણે તું ફારુનને તેનો પ્યાલો તેના હાથમાં આપીશ.

14 પણ તારું સારું થાય ત્યારે કૃપા કરીને મને યાદ કરીને મારા પર દયા કરજે. મારા વિષે ફારુનને જણાવીને આ કેદમાંથી હું બહાર આવું એવું કરજે.

Genesis Chapter 40

15 કેમ કે હિબ્રૂઓના દેશમાંથી હું ખરેખર ફેંકાઈ ગયેલો છું. અહીં પણ કેદમાં નંખાવા જેવો કોઈ અપરાધ મેં કરેલો નથી.”

16 જયારે મુખ્ય રસોઈયાએ જોયું કે ખુલાસાનો અર્થ સારો છે, ત્યારે તેણે યૂસફને કહ્યું, “મને પણ સ્વપ્ન આવ્યું હતું. રોટલી ભરેલી ત્રણ ટોપલીઓ મારા માથા પર હતી.

17 ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં, પણ મારા માથા પરની એ ટોપલીઓમાંથી પક્ષીઓ ખાઈ જતા હતાં.”

Genesis Chapter 40

18 યૂસફે ઉત્તર આપીને કહ્યું, “એનો અર્થ આ છે. તે ત્રણ ટોપલી ત્રણ દિવસ છે.

19 ત્રણ દિવસમાં ફારુન તારું માથું તારા ધડ પરથી દૂર કરશે અને તને ઝાડ પર લટકાવવામાં આવશે. પક્ષીઓ તારું માંસ ખાશે.”

20 ત્રીજે દિવસે, એટલે ફારુનના જન્મ દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી. તેણે તેના બીજા અધિકારીઓ સમક્ષ કરતાં મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ધ્યાન આપ્યું.

Genesis Chapter 40

21 તેણે મુખ્ય પાત્રવાહકને તેની અસલની પદવી પર પાછો નિયુક્ત કર્યો અને તેણે પ્યાલો ફારુનના હાથમાં ફરીથી મુક્યો.

22 યૂસફે મુખ્ય રસોઈયાને અર્થ સમજાવ્યો હતો તે પ્રમાણે ફારુને તેને ફાંસી આપી.

23 પણ મુખ્ય પાત્રવાહકે યૂસફને યાદ કર્યો નહિ. તે તેને ભૂલી ગયો.