Gujarati બાઇબલ

2 શમએલ total 24 પ્રકરણો

2 શમએલ

2 શમએલ પ્રકરણ 15
2 શમએલ પ્રકરણ 15

1 પછી આબ્શાલોમે પોતાને માટે રથ અને ઘોડા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો સાથે તૈયાર કર્યા.

2 આબ્શાલોમ વહેલી સવારે ઊઠીને નગરના દરવાજાના રસ્તાની બાજુએ ઊભો રહેતો. જયારે કોઈ માણસ વાદવિવાદ કે તેના ન્યાય માટે રાજા પાસે જતો, ત્યારે આબ્શાલોમ તેને બોલાવીને પૂછતો કે, “તું કયા નગરમાંથી આવ્યો છે?” ત્યારે તે માણસ ઉત્તર આપતો કે, “તારો દાસ ઇઝરાયલના એક કુળમાંનો છે. પછી તે તેનું સાંભળતો હતો.”

2 શમએલ પ્રકરણ 15

3 અને આબ્શાલોમ તેને કહેતો કે, “જો, તારી ફરિયાદ ખરી તથા યોગ્ય છે, પણ તારી ફરિયાદ સાંભળવા માટે રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી.”

4 વળી આબ્શાલોમ ઇચ્છતો હતો કે આ દેશમાં મને ન્યાયાધીશ બનાવવામાં આવે, તો કેવું સારું પછી જે કોઈને તકરાર કે ફરિયાદ હોય તે પ્રત્યેક માણસ મારી પાસે આવે અને હું તેનો ન્યાય કરું!”

5 જયારે કોઈ માણસ તેને માન આપવા માટે તેની પાસે આવતો, ત્યારે તે પોતાના હાથ લાંબા કરીને તેને ભેટીને ચુંબન કરતો.

2 શમએલ પ્રકરણ 15

6 સર્વ ઇઝરાયલના માણસો રાજા પાસે ન્યાય માગવા આવતા ત્યારે તેઓની સાથે આબ્શાલોમ એ પ્રમાણે વર્તતો હતો. તેથી આબ્શાલોમે ઇઝરાયલના માણસોનાં મન જીતી લીધાં.

7 ચાર વર્ષ પછી એમ થયું કે, આબ્શાલોમે રાજાને કહ્યું, “ઈશ્વર સમક્ષ હેબ્રોનમાં મેં શપથ લીધા હતા તે પૂર્ણ કરવાને કૃપા કરી મને જવા દે.

8 તારો સેવક અરામના ગશૂરમાં રહેતો હતો ત્યારે શપથ લીધા હતા કે, 'જો ઈશ્વર મને યરુશાલેમમાં પાછો લાવશે, તો હું ઈશ્વરની સ્તુતિ કરીશ.'”

2 શમએલ પ્રકરણ 15

9 રાજાએ તેને કહ્યું, “શાંતિએ જા.” તેથી આબ્શાલોમ ત્યાંથી હેબ્રોનમાં ગયો.

10 પણ પછી આબ્શાલોમે ઇઝરાયલનાં સઘળાં કુળોમાં જાસૂસો મોકલીને કહાવ્યું કે, “જો તમે રણશિંગડાંનો અવાજ સાંભળો, કે તરત જ તમારે કહેવું કે, 'આબ્શાલોમ હેબ્રોનનો રાજા છે.'”

11 બસો આમંત્રિત માણસો યરુશાલેમથી આબ્શાલોમની સાથે ગયા. તેઓ તેમના ભોળપણમાં તેની સાથે ગયા હતા, આબ્શાલોમની યોજના વિષે તેઓ તદ્દન અજાણ હતા.

2 શમએલ પ્રકરણ 15

12 જયારે આબ્શાલોમ યજ્ઞ કરતો હતો, ત્યારે તેણે અહિથોફેલ ગીલોનીને તેના નગર ગીલોમાં મોકલ્યો. તે દાઉદનો સલાહકાર હતો. આબ્શાલોમનું ષડ્યંત્ર આયોજનબધ્ધ હતું, કેમ કે આબ્શાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા.

13 એક સંદેશાવાહકે દાઉદ પાસે આવીને કહ્યું કે, “ઇઝરાયલના માણસોના હૃદય આબ્શાલોમ તરફ છે.”

14 તેથી દાઉદે પોતાના જે બધા ચાકરો યરુશાલેમમાં તેની સાથે હતા તેઓને કહ્યું કે, “ઊઠો આપણે નાસી જઈએ, નહિ તો આપણામાંનો કોઈપણ આબ્શાલોમથી બચી શકવાનો નથી. ઉતાવળે અહીં જવાની તૈયારી કરીએ, નહિ તો તે આપણને જલ્દી પકડી પાડશે અને આપણા પર આફત લાવીને તરવારથી હુમલો કરી નગરનો નાશ કરશે.”

2 શમએલ પ્રકરણ 15

15 રાજાના સેવકોએ તેને કહ્યું કે, “જો, અમારો માલિક રાજા જે કંઈ નિર્ણય કરે તે કરવાને તારા સેવકો તૈયાર છે.”

16 રાજા તથા તેની પાછળ તેના કુટુંબનાં સર્વ ચાલી નીકળ્યાં, પણ મહેલ સંભાળવા માટે રાજાએ પોતાની દસ ઉપપત્નીઓને ત્યાં રહેવા દીધી.

17 પછી રાજા તથા તેની પાછળ સર્વ લોક બહાર ચાલી નીકળ્યા અને તેઓ રસ્તા પરના છેલ્લાં ઘરે ઊભા રહ્યા.

2 શમએલ પ્રકરણ 15

18 તેનું સઘળું સૈન્ય તેની પડખે ચાલતું હતું અને સર્વ કરેથીઓ, સર્વ પલેથીઓ અને સર્વ ગિત્તીઓ એટલે ગાથથી તેની સાથે આવેલા છસો માણસો તેની આગળ ચાલતા હતા.

19 ત્યારે રાજાએ ઇત્તાય ગિત્તીને કહ્યું કે, “અમારી સાથે તું પણ કેમ આવે છે? પાછો જા અને આબ્શાલોમ રાજા પાસે રહે, કેમ કે તું વિદેશી તથા દેશ નિકાલ થયેલો છે. તારી પોતાની જગ્યાએ પાછો જા.

20 વળી તું ગઈકાલે જ આવ્યા છો, તો શા માટે હું તને અમારી સાથે ભટકવા દઉં? વળી મને ખબર પણ નથી કે હું કયાં જાઉં છું. તેથી પાછો જઈને તારા ભાઈઓને પાછા લઈ જા. દયા તથા સત્યતા તારી સાથે આવો.”

2 શમએલ પ્રકરણ 15

21 પણ ઇત્તાયે રાજાને કહ્યું, “મારા માલિક રાજાના જીવના સમ, કે જે જગ્યાએ મારા માલિક રાજા જશે, પછી મરવાનું હશે કે જીવવાનું તોપણ તારો દાસ ત્યાં આવશે.”

22 તેથી દાઉદે ઇત્તાયને કહ્યું, “આગળ જા અને અમારી સાથે પ્રયાણ કર.” માટે ઇત્તાય ગિત્તીએ તેના સઘળાં માણસો તથા સઘળાં કુટુંબો સાથે મળીને રાજા સાથે પ્રયાણ કર્યું.

23 આખો દેશ પોક મૂકીને રડ્યો સઘળા લોકોએ કિદ્રોનની ખીણ પસાર કરી, રાજા પણ કિદ્રોનની ખીણ પરથી પસાર થયો, સઘળા લોકોએ અરણ્યના માર્ગ તરફ સામે પાર ગયા.

2 શમએલ પ્રકરણ 15

24 પણ સાદોક તથા તેની સાથે સર્વ લેવીઓ ઈશ્વરનો કરાર કોશ ઊંચકીને ત્યાં આવ્યા. તેઓએ ઈશ્વરના કોશને નીચે મૂક્યો અને પછી અબ્યાથાર તેમની સાથે જોડાયો. સર્વ લોકો નગરમાંથી બહાર નીકળી ગયા ત્યાં સુધી તેઓએ રાહ જોઈ.

25 રાજાએ સાદોકને કહ્યું કે, “ઈશ્વરનો કોશ ઊંચકીને પાછો નગરમાં લઈ જા. જો ઈશ્વરની કૃપાદ્રષ્ટિ મારા પર થશે, તો તેઓ મને અહીં પાછો લાવશે અને કોશ તથા જ્યાં તે રહે છે તે જગ્યા મને ફરીથી બતાવશે.

2 શમએલ પ્રકરણ 15

26 પણ જો તે એમ કહે કે, 'હું તારા પર પ્રસન્ન નથી,' તો જો, હું અહિંયા છું, જેમ તેને સારું લાગે તેમ તે મને કરે.”

27 રાજાએ સાદોક યાજકને કહ્યું, શું “તું પ્રબોધક નથી? તારા બે દીકરા, અહિમાઆસને તથા અબ્યાથારના દીકરા યોનાથાનને તારી સાથે લઈને શાંતિથી નગરમાં પાછો જા.

28 જ્યાં સુધી તમારી તરફથી મને ખાતરીપૂર્વક ખબર નહિ મળે, ત્યાં સુધી હું અરણ્ય તરફના ઘાટ આગળ ઊભો રહીશ.

2 શમએલ પ્રકરણ 15

29 માટે સાદોક અને અબ્યાથાર ઈશ્વરનો કોશ ઊંચકીને પાછો યરુશાલેમમાં લાવ્યા અને તેઓ ત્યાં રહ્યા.

30 પણ દાઉદ રડતો રડતો ઉઘાડા પગે જૈતૂન પર્વત પર ગયો, તેનું માથું ઢાંકેલું હતું. તેની સાથેના લોકોમાંના પ્રત્યેક માણસ પોતાનું માથું ઢાંકીને રડતો રડતો ચાલતો હતો.

31 કોઈએકે દાઉદને કહ્યું કે, “અહિથોફેલ આબ્શાલોમની સાથેના કાવતરાખોરોની સાથે છે. તેથી દાઉદે પ્રાર્થના કરી કે, 'હે ઈશ્વર, કૃપા કરી, અહિથોફેલની સલાહને મૂર્ખતામાં બદલી નાખજે.”

2 શમએલ પ્રકરણ 15

32 અને એમ થયું કે, જયારે દાઉદ પર્વતના શિખર પર, કે જ્યાં લોકો ઈશ્વરનું ભજન કરતા હતા ત્યાં પહોંચ્યો, ત્યારે હુશાય આર્કી તેને મળવા માટે આવ્યો. તેનો અંગરખો ફાટેલો અને તેના માથા પર ધૂળ હતી.

33 દાઉદે તેને કહ્યું કે, “જો તું મારી સાથે મુસાફરી કરશે તો તું મને બોજારૂપ થઈ પડશે.

34 પણ જો તું નગરમાં પાછો જઈને આબ્શાલોમને કહે કે, હે રાજા, હું તારો સેવક થઈશ, જેમ પાછલા સમયમાં હું તારા પિતાનો ચાકર હતો, તે પ્રમાણે હવે હું તારો ચાકર થઈશ, તો તું મારા માટે અહિથોફેલની સલાહને નિષ્ફળ કરીશ.'

2 શમએલ પ્રકરણ 15

35 વળી શું સાદોક તથા અબ્યાથાર યાજકો તારી સાથે ત્યાં નથી? તેથી જે વાતો રાજાના મહેલમાં તું સાંભળે તે તું સાદોક તથા અબ્યાથાર યાજકોને કહેજે.

36 ત્યાં તેઓના બે દીકરા, એટલે સાદોકનો દીકરો અહિમાઆસ તથા અબ્યાથારનો દીકરો યોનાથાન, તેઓની સાથે છે. તું જે કંઈ સાંભળે તે તેઓના દ્વારા નિશ્ચે મને કહેવડાવજે.

37 તેથી દાઉદનો મિત્ર, હુશાય, જયારે નગરમાં પહોંચ્યો ત્યારે આબ્શાલોમ યરુશાલેમમાં પ્રવેશતો હતો.