Gujarati બાઇબલ

પ્રકટીકરણ total 22 પ્રકરણો

પ્રકટીકરણ

પ્રકટીકરણ પ્રકરણ 4
પ્રકટીકરણ પ્રકરણ 4

1 પછી મેં જોયું ત્યાં મારી આગળ આકાશમાં એક દ્ધાર ઉઘડેલું હતું. અને અગાઉ મને કહી હતી તે જ વાણી મેં સાંભળી. તે વાણી રણશિંગડાના અવાજ જેવી હતી. તે વાણી એ કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવું જ જોઈએે તે હું તને બતાવીશ.”

2 પછી તે આત્માએ મારા પર કાબુ કરી લીધો. ત્યાં મારી આગળ આકાશમા એક રાજ્યાસન હતું. રાજ્યાસન પર કોઈ એક માણસ બેઠેલો હતો.

3 તે રાજ્યાસન પર જે બેઠો હતો તે યાસપિસ લાલ કિમતી પથ્થર જેવો દેખાતો હતો. અને રાજ્યાસનની ચારે બાજુ લીલમ જેવું સ્વચ્છ રંગીન પ્રકાશનું એક મેઘધનુષ્ય હતું.

પ્રકટીકરણ પ્રકરણ 4

4 રાજ્યાસનની આસપાસ બીજાં 24 રાજ્યાસનો હતાં. તે 24 રાજ્યાસનો પર 24 વડીલો બેઠાં હતાં. તે વડીલોએ ઊજળાં વસ્ત્રો પહેર્યા હતા. અને તેઓના માથા પર સોનાના મુગટ હતાં.

5 રાજ્યાસનમાંથી વીજળીઓ અને ગર્જનાઓ અને વાણીઓ આવી. રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવાઓ સળગતા હતા. આ દીવાઓ દેવના સાત આત્મા છે.

6 ત્યાં રાજ્યાસનની આગળ કાચના સમુદ્ર જેવું કાંઈક હતું. તે સ્ફટીકના જેવું સ્વચ્છ હતું. રાજ્યાસનની સામે અને તેની દરેક બાજુએ ત્યાં ચાર જીવતાં પ્રાણીઓ હતાં. આ જીવતાં પ્રાણીઓને તેમની બધી બાજુએ આગળ પાછળ આંખો હતી.

પ્રકટીકરણ પ્રકરણ 4

7 પહેલું જીવતું પ્રાણી સિંહ જેવું હતું. બીજું એક વાછરડાના જેવું હતું. ત્રીજાને મનુષ્ય જેવું મુખ હતું. ચોથું ઊડતા ગરુંડના જેવું હતું.

8 આ ચાર જીવતા પ્રાણીઓને છ છ પાંખો હતી. અને આ બધા જીવતા પ્રાણીઓ અંદર અને બહાર બધી બાજુએ આંખોથી ભરપુર હતાં. આ જીવતા ચાર દિવસ અને રાત કદી આ રીતે કહેતા વિસામો લેતા નથી;“પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ દેવ, સર્વશક્તિમાન જે હંમેશા હતો, જે છે, અને જે આવનાર છે.”

પ્રકટીકરણ પ્રકરણ 4

9 જે રાજ્યાસન પર બેઠેલો છે તેને આ જીવતા પ્રાણીઓ મહિમા આપશે અને સ્તુતિ ગાશે. તે એક છે જે સદાસર્વકાળ જીવંત છે. અને જ્યારે તે જીવતા પ્રાણીઓ આ કરે છે.

10 ત્યારે 24 વડીલાજે રાજ્યાસન પર બેસે છે તેને પગે પડશે. જે સદાસર્વકાળ જીવંત છે તેની વડીલો આરાધના કરે છે. તે વડીલો રાજ્યાસન આગળ પોતાના મુગટો મૂકી દઇને કહેશે કે:

11 “અમારા પ્રભુ અને દેવ! તું મહિમા, માન તથા સાર્મથ્ય પામવાને યોગ્ય છે. કારણ કે તેં સર્વને ઉત્પન્ન કર્યા, અને તારી ઈચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.”