Gujarati Bible

Matthew total 28 Chapters

Matthew

Matthew Chapter 17
Matthew Chapter 17

1 છ દિવસ પછી, ઈસુ પિતરને તથા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને એક ઊંચા પર્વત પર એકાંતમાં ચાલ્યો ગયો. ત્યાં તેઓ એકલા જ રહ્યા.

2 અને શિષ્યો આગળ તેનું રૂપાંતર થયું. તેનો ચહેરો સૂર્ય જેવો પ્રકાશિત થયો અને તેનાં વસ્ત્રો પ્રકાશ જેવાં તેજસ્વી થયાં.

3 એકાએક મૂસા અને એલિયા ત્યાં દેખાયા અને ઈસુની સાથે વાત કરવા લાગ્યાં.

4 પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે, જો તારી ઈચ્છા હોય તો, હું ત્રણ માંડવા અહીં ઊભા કરી દઉં, એક તારા માટે, એક મૂસા માટે, એક એલિયા માટે.”

Matthew Chapter 17

5 જ્યારે પિતર વાત કરતો હતો, ત્યારે એક ચમકતા વાદળે તેઓના પર આવી તેમને ઢાંકી દીધા અને વાદળમાંથી વાણી થઈ, “આ (ઈસુ) મારો વહાલો દીકરો છે, જેનાથી હું ખૂબજ પ્રસન્ન છું, તમે બધા તેને ધ્યાનથી સાંભળો!”

6 તે શિષ્યોએ આ વાણી સાંભળી અને તેઓ ખૂબ ભયભીત થયા. જેથી તેઓ જમીન પર પડ્યા.

7 ઈસુએ પાસે આવીને તેમને સ્પર્શ કર્યો અને કહ્યું, “ઊઠો, બીશો નહિ.”

Matthew Chapter 17

8 તેઓએ ઊચે નજર કરી તો ત્યાં એકલા ઈસુ સિવાય બીજા કોઈને જોયા નહિ.

9 ઈસુ અને તેના શિષ્યો પર્વત પરથી નીચે ઉતરતા હતા, ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા કરી, “તમે જે કાંઈ પર્વત પર જોયું તે વિષે કોઈપણ વ્યક્તિને વાત કરતાં નહિ, જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી ઊઠે નહિ ત્યાં સુધી રાહ જુઓ. તેના પછી તમે જે કાંઈ દર્શન કર્યા છે તે વિષે વાત કરી શકશો.”

10 શિષ્યોએ ઈસુને પૂછયું કે, “શાસ્ત્રીઓ એવું શા માટે કહે છે કે, ખ્રિસ્ત પહેલાં એલિયાએ આવવું જોઈએ?”

Matthew Chapter 17

11 ઈસુએ ઉત્તર આપ્યો, તેઓ સાચુ કહે છે, “એલિયા આવી રહ્યો છે અને તે દરેક વસ્તુને વ્યવસ્થિત કરી દેશે.

12 પણ હું તમને કહું છુ કે એલિયા આવી ચુક્યો છે. તેઓએ તેને ઓળખ્યો નહિ પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યુ તેમજ માણસના દીકરાને પણ દુ:ખ સહન કરવું જ પડશે.”

13 શિષ્યો સમજ્યા કે ઈસુ યોહાન બાપ્તિસ્ત વિષે વાત કરતો હતો.

14 ઈસુ અને તેના શિષ્યો લોકો પાસે પાછા ગયા. એક માણસ ઈસુ પાસે આવ્યો અને તેને ઘુંટણીએ પડી પ્રણામ કર્યા.

Matthew Chapter 17

15 માણસે કહ્યું, “હે પ્રભુ, મારા દીકરા પર દયા રાખ કારણ કે તેને વાઈનો રોગ છે અને તે ખૂબ પીડાય છે.ઘણીવાર તે અજ્ઞિમાં પડે છે તો ઘણીવાર તે પાણીમા પડે છ.ે

16 મારા દીકરાને તારા શિષ્યો પાસે લાવ્યો પરંતુ તેઓ તેને સાજો કરી શક્યા નહિ.”

17 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે એવા લોકો છો જેમને વિશ્વાસ નથી અને તમે ભટકેલ છો, ક્યાં સુધી તમારી સાથે મારે રહેવું જોઈએ? ક્યાં સુધી હું તમારું સહીશ? એ છોકરાને મારી પાસે લાવો.”

Matthew Chapter 17

18 પછી ઈસુએ તે ભૂતને તેના શરીરમાંથી બહાર નીકળી જવાનો આદેશ આપ્યો અને તરત જ તે ભૂત ચાલ્યું ગયું. અને તે જ ઘડીએ તે છોકરો સાજો થઈ ગયો હતો.

19 પછી ઈસુ પાસે શિષ્યો એકલા જ આવ્યા, તેમણે કહ્યું, “અમે એ છોકરાના શરીરમાંથી ભૂતને કાઢવાના બધા જ પ્રયત્ન કર્યા પણ અમે તે કરી શક્યા નહિ. શા માટે અમે તેને બહાર હાંકી કાઢી ન શક્યા?”

20 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે ન કરી શક્યા કારણ કે, તમારો વિશ્વાસ અલ્પ છે. હું તમને સત્ય કહું છું કે જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેટલો પણ હશે તો પછી તમે પર્વતને પણ કહી શકશો કે, ‘તું અહીથી ખસીને પેલી જગ્યાએ જા અને તે જશે, તમારા માટે કશું જ અશક્ય હશે નહિ.’

Matthew Chapter 17

21 ફક્ત પ્રાર્થના અને ઉપવાસથી જ એ પ્રકારનો આત્મા (ભૂત) ચાલ્યો જાય છે.”

22 જ્યારે ઈસુ અને તેના શિષ્યો ગાલીલમાં ભેગા મળ્યા ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું, “માણસનો દીકરો માણસોના હાથમાં સુપ્રત કરાશે.

23 એ માણસો માણસના દીકરાને મારી નાખશે, પરંતુ ત્રીજા દિવસે તે મરણમાંથી ઊભો થશે.” તે સાંભળી શિષ્યો ખૂબજ દુ:ખી થયા.

24 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમ ગયા. જે કર ઉઘરાવતા હતા તે લોકો પિતર પાસે આવ્યા અને કહ્યું, “શું તમારા ઉપદેશક બે ડ્રાકમાંજેટલો પણ મંદિરનો કર આપતા નથી?”

Matthew Chapter 17

25 પિતરે ઉત્તર આપ્યો, “હા, ઈસુ તે આપે છે.”પછી આ વિષે ઈસુને વાત કરવા પિતર ઘરમાં ગયો. પરંતુ તે કાંઈ કહે તે પહેલા ઈસુએ તેને પૂછયું, “પિતર તને શું લાગે છે? રાજાઓ તેમના પોતાના લોકો પર કર નાખે છે કે પછી પરદેશીઓ પર કર નાખે છે?”

26 પિતરે કહ્યું, “પરદેશીઓ પર.”ઈસુએ કહ્યું, “તો પછી પોતાના દીકરાઓને કર ભરવાનો ના હોય.

27 પણ આપણે કર ઉઘરાવનારાઓને ગુસ્સે કરવા નથી. તું સરોવરના કાંઠે જા અને એક માછલી પકડ, પહેલી માછલી પકડી તેનું મોં ખોલજે, તેના મોઢામાંથી તને ચાર ડ્રાકમા મળશે એ સિક્કો લઈને કર ઉઘરાવનાર પાસે જજે અને તારો અને મારો કર તેમને આપી દેજે.”