Gujarati બાઇબલ

માથ્થી total 28 પ્રકરણો

માથ્થી

માથ્થી પ્રકરણ 28
માથ્થી પ્રકરણ 28

1 વિશ્રામવાર પૂર્ણ થયા પછી અઠવાડિયાના પ્રથમ દિવસની વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબર તરફ નજર કરવા આવી.

2 તે સમયે ત્યાં ભયંકર ધરતીકંપ થયો અને પ્રભુનો એક દૂત આકાશમાંથી ઉતર્યો અને કબરના પ્રવેશદ્વાર આગળથી પથ્થર ગબડાવી તેના ઉપર બેઠો.

3 તેનો ચહેરો વીજળી જેવો ચમકતો હતો. અને તેનાં કપડાં બરફ જેવાં ઉજળાં હતાં.

4 જે સિપાઈઓ કબરનો પહેરો ભરી રહ્યાં હતા તે ભયના માર્યા કાંપવા લાગ્યા અને જાણે મરણ પામ્યા હોય તેવા થઈ ગયા.

માથ્થી પ્રકરણ 28

5 પછી દૂતે પેલી સ્ત્રીઓને કહ્યું, “ગભરાશો નહિ, હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુની તમે શોધમાં નીકળ્યા છો.

6 પણ ઈસુ અહીં નથી, તેણે કહ્યું હતું તે પ્રમાણે તે ઊઠયો છે, આવો, તેનું શરીર જ્યાં પડ્યું હતું તે જગ્યા જુઓ.

7 અને હવે જલદી જાવ અને તેના શિષ્યોને કહો: ‘ઈસુ મરણમાંથી ઊઠયો છે. અને તે ગાલીલ જશે. ત્યાં તેને મળો.’ મારે જે કહેવાનું હતું તે આ છે. તમારા પહેલાં એ ત્યાં હશે. તમે તેને ત્યાં ગાલીલમાં જોશો. પછી દૂતે કહ્યું: “મેં તમને કહ્યું તે યાદ રાખો.”

માથ્થી પ્રકરણ 28

8 સ્ત્રીઓ તરત જ કબર પાસેથી પાછી વળી. તેઓનાં હૃદય ભય અને આનંદની લાગણી અનુભવતાં હતાં. તેના શિષ્યોને જે કાંઈ બન્યું તેનો સંદેશો આપવા દોડી ગઈ.

9 તેઓ દોડતી જતી હતી, એવામાં તેઓએ ઈસુને ઉભેલો જોયો. ઈસુએ તેઓને કુશળતા પાઠવી. તેઓએ ઈસુના પગ પકડી તેનું ભજન કર્યુ.

10 પછી ઈસુએ તેમને કહ્યું, “ગભરાશો નહિ, જાઓ અને મારા ભાઈઓને (શિષ્યો) ગાલીલ જવા કહો. તેઓ મને ત્યાં જોશે.”

માથ્થી પ્રકરણ 28

11 સ્ત્રીઓ શિષ્યોને માહિતી આપવા જતી હતી ત્યારે કબરની ચોકી કરનારા સૈનિકોએ શહેરમાં મુખ્ય યાજકો પાસે જઈને જે કાંઈ બન્યું હતું તે બધું જે તેમને કહ્યું.

12 યહૂદિ આગેવાનો તથા વડીલોએ એકઠા મળી એક યોજના બનાવી.અને સૈનિકોને મોટી લાંચ આપી.

13 તેઓએ સૈનિકોને કહ્યું, “લોકોને જઈને કહો કે અમે ઊંઘતા હતા ત્યારે ઈસુના શિષ્યો રાત્રે આવી ઈસુના શબને ચોરીને જતા રહ્યાં.

માથ્થી પ્રકરણ 28

14 તમારી આ વાત હાકેમ જાણશે તો અમે તેને સમજાવીશું, અને તમને કશુંજ નહિ થવા દઈએ.”

15 સૈનિકોએ પૈસા લઈ લીધા અને તેઓને સમજાવ્યા પ્રમાણે વાત વહેતી મૂકી. આ વાત યહૂદિઓમાં ફેલાઈ ગઈ અને આજે પણ એ વાત યહૂદિઓમાં ચાલતી આવે છે.

16 પછી અગિયાર શિષ્યો ગાલીલ પહોંચ્યા અને ઈસુએ કહ્યું હતું ત્યાં પહાડ પર પહોંચી ગયા.

17 તેઓએ જ્યારે ઈસુને જોયો ત્યારે તેનું ભજન કર્યુ. પણ તે ખરેખર ઈસુ હતો કે કેમ? તે બાબતની કેટલાકને શંકા થઈ.

માથ્થી પ્રકરણ 28

18 ઈસુ તેમની પાસે આવ્યો અને કહ્યું, “આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.

19 તેથી તમે બધાજ દેશોમાં જાઓ અને સર્વ લોકોને મારા શિષ્યો બનાવો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપો.

20 મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.”

માથ્થી પ્રકરણ 28